News of Tuesday, 9th June 2026
દિલ્હી હોટલ અગ્નિકાંડ: એક આખો પરિવાર રાખમાં ફેરવાઈ ગયો; ૮ સભ્યોને ગુમાવ્યા બાદ પરિવારના છેલ્લા સભ્ય રાધેશ્યામ અગ્રવાલનું પણ નિધન
હોસ્પિટલના બિછાને એકલા પડેલા પિતાને ખબર પણ ન પડી કે તેમનું આખું વિશ્વ વિખેરાઈ ગયું છે: જીવીશા અને વારિયા જેવી તેજસ્વી દીકરીઓ અને 'મિસિસ ઇન્ડિયા' તરજની સહિત આખું કુટુંબ આગમાં હોમાઈ ગયું

દિલ્હી, તા.: દિલ્હીના માલવિયા નગરની 'હોટેલ ફ્લોરિશ સ્ટે' માં લાગેલી આગે એક હસતા-રમતા પરિવારનો સંપૂર્ણ નાશ કરી દીધો છે. આ કરુણ ઘટનાનો અંત આજે વધુ એક આઘાતજનક સમાચાર સાથે થયો છે. પરિવારના ૮ સભ્યોને આગમાં ગુમાવ્યા બાદ, છેલ્લા બચી ગયેલા ૮૦ વર્ષીય રાધેશ્યામ અગ્રવાલનું પણ મેક્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું છે. મૃત્યુના આ આંકડા સાથે હવે એક આખો પરિવાર ઇતિહાસ બની ગયો છે.
શું હતી આ દુર્ઘટના?
૩ જૂનના રોજ જ્યારે સવારના નાસ્તાનો સમય હતો, ત્યારે આ હોટલમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. ગુરુગ્રામનો અગ્રવાલ પરિવાર રાધેશ્યામ અગ્રવાલની સારવાર માટે દિલ્હી આવ્યો હતો. રાધેશ્યામ સાકેતની મેક્સ હોસ્પિટલમાં દાખલ હતા, અને તેમનો પરિવાર હોટલમાં રોકાયો હતો. આગ અને ગાઢ ધુમાડામાં ફસાયેલા વિવેક અગ્રવાલે પોતાની પુત્રીઓને બચાવવા માટે કરેલી છેલ્લી આજીજી કદાચ આ દુર્ઘટનાનું સૌથી દુઃખદ પાસું હતું.
કોણ હતા આ પરિવારના સભ્યો?
આ આગમાં જે પરિવારે પોતાના જીવ ગુમાવ્યા તેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિવેક અગ્રવાલ, તેમની માતા પ્રેમલતા અગ્રવાલ, તેમની પત્ની તરજની અગ્રવાલ અને તેમની બે પુત્રીઓ જીવીશા અને વારિયાનો સમાવેશ થાય છે. તરજની અગ્રવાલ પોતે એક સામાજિક કાર્યકર અને ૨૦૨૩માં 'મિસિસ ઇન્ડિયા'નો ખિતાબ જીતી ચૂકેલી વ્યક્તિત્વ હતી. તેમની સાથે રાધેશ્યામની બીમારી સાંભળીને રાજસ્થાનથી આવેલા અશોક પાનસારી, કમલા અને જવારી લાલ અગ્રવાલે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
હોસ્પિટલના બેડ પર પૂછાતા સવાલો
સૌથી વધુ હૃદયદ્રાવક વાત એ છે કે, રાધેશ્યામ અગ્રવાલને તેમના પરિવારના કરુણ અંત વિશે હોસ્પિટલના સ્ટાફે ક્યારેય જાણ કરી ન હતી. વેન્ટિલેટર પર રહેલા રાધેશ્યામ વારંવાર એક જ સવાલ પૂછતા હતા, "મારો પરિવાર ક્યાં છે? જેઓ દરરોજ મને મળવા આવતા હતા, તેઓ હવે કેમ નથી આવતા?" તે પૂછતા હતા ત્યારે કદાચ તેઓ જાણતા પણ નહોતા કે જેમને તેઓ શોધી રહ્યા છે, તેઓ કાયમ માટે દુનિયા છોડી ગયા છે.
આ અગ્નિકાંડે એક ક્ષણવારમાં પેઢીઓનો અંત આણી દીધો છે. રાધેશ્યામ અગ્રવાલનું નિધન એ એક એવા પરિવારની અંતિમ આહુતિ છે, જેનું દુઃખ આખા સમાજને સ્તબ્ધ કરી ગયું છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
