<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

મિડલ ઈસ્ટમાં ઇઝરાયલ એકલું પડ્યું: ટ્રમ્પથી લઈને યુએઈ સુધીના તમામ મિત્ર દેશોએ છેડો ફાડ્યો

ઇરાન અને લેબનોન પરના આક્રમક હુમલાઓથી નારાજ ટ્રમ્પે નેતન્યાહૂને ફોન પર ધમકાવ્યા, યુદ્ધ તાકીદે બંધ ન કરવા પર આંતરરાષ્ટ્રીય સ્તરે સંપૂર્ણ બહિષ્કારની આપી ગંભીર ચેતવણી

તેલ અવીવ: મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભયાનક લશ્કરી સંઘર્ષ વચ્ચે વૈશ્વિક રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઇઝરાયલ ભૌગોલિક-રાજકીય મંચ પર સંપૂર્ણપણે એકલું પડી ગયું છે. ઇરાન સાથેના યુદ્ધની શરૂઆતમાં જે ઇઝરાયલને અમેરિકા, યુએઈ  અને બહેરીન જેવા શક્તિશાળી દેશોનું ખુલ્લું સમર્થન મળી રહ્યું હતું, તે હવે ૧૦૦ દિવસ પૂરા થતાં જ સાવ અલગ-થલગ પડી ગયું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચેના આંતરિક મતભેદો હવે સપાટી પર આવી ગયા છે. ટ્રમ્પે નેતન્યાહૂને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ઇરાન પરના હુમલા તાત્કાલિક બંધ કરો, નહીંતર યુદ્ધમાં કોઈ તમારી વહારે નહીં આવે અને ઇઝરાયલને તેના હાલ પર એકલું છોડી દેવામાં આવશે.

અમેરિકી મીડિયા આઉટલેટ 'એક્સિઓસ' ના અહેવાલ અનુસાર, અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધને લઈને ધ્યેયો હવે તદ્દન વિપરીત થઈ ચૂક્યા છે. જો બાઇડન પ્રશાસન બાદ હવે ટ્રમ્પ વહીવટીતંત્ર પણ ઇરાન સાથે માત્ર પરમાણુ મુદ્દા સુધી જ વાટાઘાટો સીમિત રાખવા માંગે છે જેથી ખાડી દેશોમાં શાંતિ જળવાય રહે, જ્યારે નેતન્યાહૂ ઇરાન અને તેના તમામ પ્રોક્સી સંગઠનોનો સંપૂર્ણ નાશ કરવા પર અડગ છે. આ વૈચારિક લડાઈ વચ્ચે ટ્રમ્પે ફોન પર નેતન્યાહૂને અત્યંત કઠોર શબ્દોમાં ઠપકો આપતા કહ્યું કે, "દુનિયા આ રીતે કામ નથી કરતી, તમારે અન્ય દેશોનું પણ સાંભળવું પડશે." લેબનોન પર ઇઝરાયલના તાજેતરના સૈન્ય હુમલાઓથી ટ્રમ્પ એટલા નારાજ છે કે તેમણે નેતન્યાહૂને જૂના અહેસાન યાદ અપાવતા કહ્યું કે તેઓ માત્ર અમેરિકાના કારણે જ હજુ સુધી જેલના સળિયા પાછળ નથી ગયા.

બીજી તરફ, ઇઝરાયલના ટોચના રાજદ્વારી એલોન પિંકસે સીએનએન (CNN) સાથેની વાતચીતમાં સ્વીકાર્યું છે કે બંને નેતાઓ વચ્ચે અવિશ્વાસની ખાઈ એટલી ઊંડી થઈ ગઈ છે કે તેને પૂરવી હવે અશક્ય છે. આ દરમિયાન યુએઈ અને બહેરીન જેવા અરબ દેશોએ પણ ઇઝરાયલથી સ્પષ્ટ દૂરી બનાવી લીધી છે. તાજેતરમાં ઇઝરાયલી પીએમઓ દ્વારા એવો દાવો કરાયો હતો કે નેતન્યાહૂએ ગુપ્ત રીતે યુએઈની મુલાકાત લઈને ત્યાંના પ્રમુખ સાથે મુલાકાત કરી હતી, જેને યુએઈએ સરેઆમ નકારી કાઢી ઇઝરાયલ પર ખોટા પ્રચારનો આરોપ લગાવ્યો છે. ઇઝરાયલના વિપક્ષી નેતાઓ ટ્રમ્પના આ કડક વલણને પોતાના દેશની સાર્વભૌમત્વનું અપમાન ગણાવી રહ્યા છે, પરંતુ સત્ય એ જ છે કે સુપરપાવર અમેરિકાના આકરા વલણ સામે અત્યારે નેતન્યાહૂ સરકાર સંપૂર્ણપણે ભીંસમાં મુકાઈ ગઈ છે.

(7:54 PM IST)