<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

પાકિસ્તાન- ચીનમાં ફેલાયો ફફડાટ :ભારતે પરમાણુ હથિયારો ‘ઓપરેશનલ સ્થિતિ’ માં તૈનાત કરી દીધા

ભારતે ઇતિહાસમાં પહેલીવાર બદલી દાયકા જૂની નીતિ : ભારતે હવે 12 પરમાણુ વોરહેડ્સને કાયમી ધોરણે તેના ડિલિવરી સિસ્ટમ સાથે એટેચ કરીને સરહદી કે દરિયાઈ સૈન્ય મથકો પર તૈનાત રાખ્યા

દુનિયાભરમાં હથિયારો અને સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખતી વૈશ્વિક સંસ્થા 'સિપ્રી' (SIPRI - સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)ના તાજા વાર્ષિક અહેવાલે પાકિસ્તાન અને ચીનના સંરક્ષણ મંત્રાલયોમાં ખળભળાટ મચાવી દીધો છે. આ રિપોર્ટમાં સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે કે ભારતે ઇતિહાસમાં પહેલીવાર પોતાના ઓછામાં ઓછા 12 પરમાણુ હથિયારોને તુરંત હુમલો કરી શકે તેવી ‘ઓપરેશનલ સ્થિતિ’ માં તૈનાત કરી દીધા છે.

આ ઉપરાંત, આ અહેવાલમાં ગયા વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ (7-10 મે 2025)ને લઈને મોટો ખુલાસો કરાયો છે કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના પરમાણુ હથિયારોના મુખ્ય ઠેકાણાઓ પર જ સીધો એરસ્ટ્રાઈક હુમલો કર્યો હતો.

અત્યાર સુધી વૈશ્વિક સ્તરે એવું માનવામાં આવતું હતું કે ભારત શાંતિના સમયમાં પોતાના પરમાણુ હથિયારો અને તેને લઈ જનારી મિસાઈલો કે લોન્ચર્સને અલગ-અલગ સ્ટોરેજમાં સુરક્ષિત રાખે છે. જોકે સિપ્રીના રિપોર્ટ અનુસાર ચીન અને પાકિસ્તાન તરફથી વધી રહેલા સંભવિત જોખમોને જોતાં ભારતે દાયકાઓ જૂની આ વ્યવસ્થા બદલી નાખી છે.

ભારતે હવે પોતાના 12 પરમાણુ વોરહેડ્સને કાયમી ધોરણે તેના ડિલિવરી સિસ્ટમ (મિસાઈલ, યુદ્ધપોત અથવા લડાકુ વિમાનો) સાથે એટેચ કરીને સરહદી કે દરિયાઈ સૈન્ય મથકો પર તૈનાત રાખ્યા છે. આ કદમનો મુખ્ય હેતુ એ છે કે જો દુશ્મન દેશ ભારત પર પરમાણુ હુમલો કરવાની કોશિશ પણ કરે, તો ભારત સેકન્ડોના સમયમાં પલટવાર કરીને તેની પરમાણુ જવાબી કાર્યવાહી કરી શકે.

(9:17 PM IST)