<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

કાશ્મીરમાં તુર્કી અને ચીની હથિયારોનો પર્દાફાશ: સેના અને પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય હથિયાર સ્મગલિંગ નેટવર્ક ઝડપાયું

શ્રીનગર-બારામુલ્લા હાઈવે પર લક્ઝરી કારમાંથી મળી આવી વિદેશી પિસ્તોલ; સરહદ પારથી ચાલતા મોટા આતંકી ષડયંત્રના કનેક્શન શોધવા એજન્સીઓ એક્શન મોડમાં

બારામુલ્લા: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસે એક સંયુક્ત સૈન્ય કાર્યવાહીમાં આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ કરીને વિદેશી બનાવટના હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. કાશ્મીર ખીણમાં અશાંતિ ફેલાવવાના ઈરાદે લવાયેલી હાઈટેક તુર્કી અને ચીની પિસ્તોલ, મેગેઝિન અને જીવતા કારતૂસ ઝડપાતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. ૫૨ રાષ્ટ્રીય રાઇફલ્સ અને પોલીસે સંયુક્ત રીતે હાથ ધરેલા આ ગુપ્ત ઓપરેશન બાદ પકડાયેલા શંકાસ્પદોની આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જેનાથી સરહદ પારથી ઓપરેટ થતા મોટા સ્મગલિંગ રેકેટના ખુલાસા થવાની સંભાવના છે.

આ હાઈ-વોલ્ટેજ ડ્રામાની શરૂઆત કનિસ્પોરાના ચાંદસુમા સ્થિત એફસીઆઈ વેરહાઉસ પાસે સ્થાપવામાં આવેલી એક સરપ્રાઈઝ મોબાઈલ ચેકપોઇન્ટ દરમિયાન થઈ હતી. શ્રીનગરથી બારામુલ્લા તરફ પૂરપાટ ઝડપે આવી રહેલી એક સફેદ મારુતિ બ્રેઝા કારને રોકીને જ્યારે સુરક્ષા દળોએ તલાશી લીધી, ત્યારે કારમાં સવાર ઉરીના કમલકોટ વિસ્તારના રહેવાસી વકીલ અહમદ થિક્રિની બેગમાંથી આધુનિક તુર્કી મેડ પિસ્તોલ મળી આવી હતી. આરોપી પાસે આ પ્રતિબંધિત હથિયારનું કોઈ કાયદેસર લાયસન્સ નહોતું. જોકે, કારના ચાલકે આ બાબતે અજાણ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક આર્મ્સ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધી મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી હતી.

મુખ્ય આરોપી વકીલ અહમદની સઘન પૂછપરછમાં मिळाેલી ચોંકાવનારી કડીઓના આધારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં ઉરીના સરહદી વિસ્તાર કાલસી હરદુમાં બીજા દિવસે મોટું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન સુરક્ષા દળોએ વધુ એક મેડ-ઈન-ચાઈના પિસ્તોલ, બે મેગેઝિન અને ૧૩ જીવતા કારતૂસ જપ્ત કરીને મોટી આતંકી સાંઠગાંઠને નિષ્ફળ બનાવી દીધી છે. પોલીસ અને સેનાના ઉચ્ચ અધિકારીઓના મતે, ચાઈનીઝ અને તુર્કી હથિયારોની આ રિકવરી સાબિત કરે છે કે સ્થાનિક સ્તરે હથિયારોની ખરીદી, સંગ્રહ અને સપ્લાય ચેઈન માટે એક સુઆયોજિત ગેરકાયદેસર નેટવર્ક સક્રિય હતું, જેના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે.

(10:34 PM IST)