હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્પાઈજેટની આર્થિક સ્થિતિ નાજુક :રોકડની ગંભીર અછત, કર્મચારીઓના પગાર બાકી: સરકાર પાસે 1,500 કરોડની ઇમર્જન્સી લોન માટે અરજી કરી
સવાલ હવે એ છે કે સરકારની ₹1,500 કરોડની મદદ SpiceJetને નવી ઉડાન આપશે કે પછી આ એરલાઈન પણ ભારતીય એવિએશન ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં વધુ એક નાદારીની કહાની બની જશે?

SpiceJet દેશની બીજી સૌથી મોટી એરલાઈન ગણાતી હતી, પરંતુ આજે કંપની અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. રોકડની ગંભીર અછત, કર્મચારીઓને મહિનાઓથી બાકી રહેલી સેલરી અને સતત ઘટતા બિઝનેસ વચ્ચે હવે કંપનીએ સરકાર પાસે રૂપિયા 1,500 કરોડની ઈમરજન્સી લોન માટે અરજી કરી છે.
મળતી માહિતી મુજબ SpiceJetની આર્થિક સ્થિતિ એટલી નાજુક બની ગઈ છે કે કંપનીને પોતાના પાયલટ અને કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. માર્ચ મહિનાથી અનેક કર્મચારીઓને સેલરી મળી નથી, જેના કારણે સ્ટાફમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
કંપનીના આંતરિક વોટ્સએપ ગ્રુપમાં અનેક પાયલટે પોતાની વ્યથા વ્યક્ત કરી છે. એક પાયલટે લખ્યું કે રોજિંદા ખર્ચા ચલાવવા અને EMI ભરવા માટે પણ હવે અન્ય લોકો પાસેથી મદદ અથવા લોન લેવાની ફરજ પડી રહી છે. આ ગ્રુપમાં 180થી વધુ પાયલટ અને સિનિયર અધિકારીઓ સામેલ હોવાનું કહેવાય છે. પરિસ્થિતિની ગંભીરતા સમજતા SpiceJetના ફ્લાઈટ ઓપરેશન્સ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટે કર્મચારીઓને મોકલેલા સંદેશમાં સ્વીકાર્યું કે સેલરીમાં વિલંબના કારણે સૌ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને કંપની સ્થિતિ સુધારવાના પ્રયાસો કરી રહી છે.
SpiceJetએ હવે સરકારની ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ (ECLGS) હેઠળ ₹1,500 કરોડ સુધીની લોન મેળવવા માટે અરજી કરી છે. આ ફંડ મળવાથી કંપની રોજિંદા ખર્ચાઓ પૂરા કરી શકશે, બાકી સેલરી ચૂકવી શકશે અને ફ્લાઈટ ઓપરેશનને સ્થિર રાખી શકશે તેવી આશા છે. કંપનીનું કહેવું છે કે હાલની મુશ્કેલીમાંથી બહાર આવવા માટે તમામ વિકલ્પો પર કામ ચાલી રહ્યું છે અને સરકારની મદદ ખૂબ મહત્વની સાબિત થઈ શકે છે.
SpiceJet પોતાની હાલત માટે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવને પણ જવાબદાર ઠેરવી રહ્યું છે. એરલાઈનના જણાવ્યા અનુસાર એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં થયેલા વધારાથી ખર્ચમાં ભારે ઉછાળો આવ્યો છે. સાથે જ કેટલાક હવાઈ માર્ગો બંધ અથવા પ્રતિબંધિત થતાં ફ્લાઈટ્સને લાંબા રૂટ અપનાવવા પડી રહ્યા છે, જેના કારણે ઓપરેશનલ ખર્ચ વધુ વધી ગયો છે. આ સીધી અસર કંપનીના કેશ ફ્લો પર પડી છે.
વર્ષ 2019માં SpiceJetનો ડોમેસ્ટિક એવિએશન માર્કેટમાં લગભગ 15 ટકા હિસ્સો હતો અને તે દેશની બીજી સૌથી મોટી એરલાઈન હતી. પરંતુ આજે કંપનીનો માર્કેટ શેર ઘટીને માત્ર 3.4 ટકા રહ્યો છે. એક સમયે સૈંકડો ફ્લાઈટ્સ ઓપરેટ કરતી એરલાઈન હવે દરરોજ માત્ર 21 ફ્લાઈટ્સ જ ચલાવી રહી છે. શેરબજારમાં પણ રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો છે અને છેલ્લા સમયગાળામાં કંપનીના શેરમાં લગભગ 60 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
SpiceJet માટે આગામી કેટલાક મહિના નિર્ણાયક સાબિત થઈ શકે છે. જો સરકાર તરફથી ઈમરજન્સી ફંડિંગ મળે અને મુસાફરોની સંખ્યા વધે તો કંપનીને રાહત મળી શકે છે. પરંતુ જો નાણાકીય સંકટ વધુ ઘેરું બનશે તો એક સમયની અગ્રણી એરલાઈન માટે અસ્તિત્વ બચાવવું જ સૌથી મોટો પડકાર બની શકે છે. સવાલ હવે એ છે કે સરકારની ₹1,500 કરોડની મદદ SpiceJetને નવી ઉડાન આપશે કે પછી આ એરલાઈન પણ ભારતીય એવિએશન ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં વધુ એક નાદારીની કહાની બની જશે?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
