<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

ઈરાની મિસાઈલ હુમલામાં ઈઝરાયેલના રમત ડેવિડ એરબેઝ પરના શસ્ત્રોના ગોદામનો કચ્ચરઘાણ નીકળ્યો

ફોલ્સ કલર સેટેલાઈટ ઈમેજમાં મોટો ખુલાસો: ઉત્તર ઈઝરાયેલમાં સ્થિત મહત્વપૂર્ણ એરબેઝ પર ઈરાનનો સીધો પ્રહાર

તેલ અવીવ: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ઈઝરાયેલની અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઊભા થયા છે. નવી સેટેલાઈટ ઈમેજરી અને ફોલ્સ કલર લેયર ડેટાના આધારે એક મોટો ખુલાસો થયો છે કે ઈરાનના બેલાસ્ટિક મિસાઈલ હુમલામાં ઉત્તર ઈઝરાયેલમાં આવેલા અત્યંત મહત્વપૂર્ણ 'રમત ડેવિડ એરબેઝ' ખાતેના એક ગોદામનો સંપૂર્ણપણે નાશ થયો છે. એટલું જ નહીં આ કાર્યવાહીમાં અનેક સૈનિકોના મોત થયાની પણ ભારે હવા ચાલી રહી છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર, આ મોટા ગોદામનો ઉપયોગ ઈઝરાયેલી સેના દ્વારા ઘાતક શસ્ત્રો અને દારૂગોળો સંગ્રહવા માટે કરવામાં આવતો હતો.

આ સીધા અને સચોટ હુમલાએ ઈઝરાયેલના એ દાવાઓની પોલ ખોલી નાખી છે જેમાં તેઓ તમામ ઈરાની મિસાઈલોને હવામાં જ નષ્ટ કરવાનો સતત દાવો કરતા હતા.

આંતરરાષ્ટ્રીય સંરક્ષણ વિશ્લેષકોના તાજેતરના અહેવાલો અને યુરોપિયન યુનિયનના કોપરનિકસ પ્રોગ્રામમાંથી પ્રાપ્ત સેટેલાઇટ ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે ઈરાનની એરોસ્પેસ ફોર્સ દ્વારા છોડવામાં આવેલી મિસાઈલોએ સીધુ જ નિશાન સાધ્યુ હતું. ઓપન-સોર્સ ઇન્ટેલિજન્સ નિષ્ણાત દ્વારા જાહેર કરાયેલા ફોલ્સ કલર ઇમેજિંગ પરથી સાબિત થાય છે કે આ મિલિટરી બેઝના એક મોટા હિસ્સામાં ભારે તબાહી મચી છે. 

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે પણ સત્તાવાર રીતે પોતાના નિવેદનમાં આ હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે.

અત્રે નોંધનીય છે કે રમત ડેવિડ એરબેઝ એ ઉત્તર ઈઝરાયેલમાં આવેલો એકમાત્ર સૌથી મોટો અને વ્યૂહાત્મક રીતે અતિ મહત્વનો વાયુસેનાનો અડ્ડો છે, જે લેબનોન સરહદથી માત્ર ૪૬ (છેતાલીસ) કિલોમીટર દૂર સ્થિત છે. 

ઈઝરાયેલની સેનાએ અગાઉ  કહ્યું હતું કે તેઓએ ઈરાનના તમામ મિસાઈલ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે. પરંતુ, આ નવા અને નક્કર પુરાવાઓ સામે આવતા ઈઝરાયેલી સંરક્ષણ મંત્રાલયમાં ભારે દોડધામ મચી ગઈ છે. 

ઈરાને સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે જો ઈઝરાયેલ ભવિષ્યમાં કોઈ ઉશ્કેરણીજનક પગલું ભરશે, તો આખા ક્ષેત્રમાં રહેલા તમામ અમેરિકી અને ઈઝરાયેલી ઠેકાણાઓ પર હજુ વધુ ભયાનક જવાબી કાર્યવાહી કરવામાં આવશે.

(9:00 PM IST)