<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

આતંકી સંગઠન ISIS ની ક્રૂરતાનો નવો આઘાતજનક ખુલાસો: મહિલાઓ પર અત્યાચાર ગુજારવા આખી હેન્ડબુક બનાવી હતી

ઓસ્ટ્રેલિયન કોર્ટમાં 'આઈએસઆઈએસ બ્રાઈડ' ના કેસની ટ્રાયલ દરમિયાન પુસ્તિકા બહાર આવી : હજારો યઝીદી મહિલાઓને ખરીદ-વેચાણ કરવાનો ભયાનક કારસો દુનિયા સમક્ષ ખુલ્લો પડ્યો

કેનબેરા: સીરિયા અને ઇરાકમાં એક સમયે આતંકનો પર્યાય બનેલા સંગઠન ISIS (ઇસ્લામિક સ્ટેટ) ની મહિલાઓ પ્રત્યેની પાશવી માનસિકતાનો વધુ એક કંપારી છૂટી જાય તેવો પર્દાફાશ થયો છે. ઓસ્ટ્રેલિયાની એક કોર્ટમાં ચાલી રહેલી 'આઈએસઆઈએસ બ્રાઈડ' (સંગઠન સાથે જોડાયેલી મહિલા) ની ટ્રાયલ દરમિયાન એવા ગુપ્ત દસ્તાવેજો અને હેન્ડબુક રજૂ કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે આ આતંકીઓ માત્ર હત્યાઓ જ નહોતા કરતા, પરંતુ બંધક મહિલાઓ પર અત્યાચાર ગુજારવા અને તેમને ગુલામ રાખવા માટે લેખિત નિયમો અને માર્ગદર્શિકા પણ તૈયાર કરી હતી. ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, આ પુસ્તિકામાં સ્ત્રીઓને ઇન્સાન નહીં પરંતુ માત્ર એક વસ્તુ સમજીને તેમની ખરીદી, વેચાણ, ભેટ આપવી અને તેમના પર થતા બળાત્કારને સંગઠનના કથિત વૈચારિક ફતવાઓ દ્વારા યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ ચોંકાવનારી હેન્ડબુક આઈએસઆઈએસના 'રિસર્ચ એન્ડ ફતવા ડિપાર્ટમેન્ટ' દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી, જેમાં મહિલા કેદીઓને શારીરિક સજા આપવાની અને તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવાની ક્રૂર પદ્ધતિઓ વિગતવાર લખવામાં આવી હતી. સંગઠને પોતાના મેગેઝિન અને પ્રચાર સામગ્રીમાં ખાસ કરીને લઘુમતી યઝીદી સમુદાયની સ્ત્રીઓને નિશાન બનાવવાનું સંપૂર્ણ પ્લાનિંગ કર્યું હતું. તપાસકર્તાઓએ કોર્ટને જણાવ્યું કે આતંકીઓ પાછળથી આ ગુલામી પ્રથાને ધાર્મિક અને સંગઠનાત્મક સમર્થન આપવા માટે અલગ-અલગ પત્રિકાઓ પણ વહેંચતા હતા, જેથી લડવૈયાઓ કોઈપણ નૈતિક ડર વગર બંધકો પર દમન ગુજારી શકે.

કોર્ટની સુનાવણી દરમિયાન ઓગસ્ટ ૨૦૧૪ માં ઇરાકના સિંજાર પ્રદેશ પર થયેલા ભયાનક હુમલાની યાદો પણ તાજી થઈ હતી, જ્યાં આશરે ૬,૮૦૦ જેટલી યઝીદી મહિલાઓ અને માસૂમ બાળકોને આતંકીઓએ બંધક બનાવી લીધા હતા. સુનાવણીમાં એક ૧૫ વર્ષની સગીર યઝીદી બાળકીની હૃદયદ્રાવક આપવીતી સામે આવી, જેના પરિવારની નજર સામે હત્યા કરી તેને જુદા જુદા પુરુષો વચ્ચે પશુઓની જેમ વેચવામાં આવી હતી અને વર્ષો સુધી ગોંધી રાખી સતત બળાત્કારનો શિકાર બનાવાઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર (UN) સહિતની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ આ દસ્તાવેજોના આધારે આઈએસઆઈએસના આ કૃત્યને માનવતા વિરુદ્ધનો સૌથી મોટો ગુનો અને વ્યવસ્થિત સેક્સ ટ્રાફિકિંગ નેટવર્ક ગણાવ્યું છે.

(10:33 PM IST)