<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

ઈઝરાયેલ પર હુમલા રોકવા માટે અમેરિકાના કહેવાથી યુએઈ દ્વારા ઈરાનને ત્રણ અબજ ડોલરની રોકડ ચૂકવાઈ ?

યુદ્ધવિરામના બદલામાં અબજો ડોલરની સંપત્તિથી ભરેલું વિશેષ વિમાન અબુ ધાબીથી તેહરાન પહોંચ્યાનો સનસનીખેજ રિપોર્ટ


તેહરાન/અબુ ધાબી: પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામ અને શાંતિ સ્થાપવા અંગે એક અત્યંત ચોંકાવનારો અને સનસનીખેજ ખુલાસો થયો છે. અહેવાલો મુજબ, ઈઝરાયેલ પર ઈરાનના હુમલા રોકવા માટે અમેરિકાના દબાણ હેઠળ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) દ્વારા ઈરાનને ૩ અબજ ડોલર (આશરે પચ્ચીસ હજાર કરોડ રૂપિયા) રોકડા આપવામાં આવ્યા છે.
મિડલ ઈસ્ટ સ્પેક્ટેટર અને ઈઝરાયેલી ન્યૂઝ એજન્સી કાન (Kann) ના વિસ્તૃત અહેવાલો મુજબ, અમેરિકાએ ઈરાનને એક ગુપ્ત સંદેશ મોકલ્યો હતો કે જો તે ઈઝરાયેલ પર હુમલા બંધ કરશે તો લેબનોનમાં પણ ઈઝરાયેલના હુમલા નિયંત્રિત કરવામાં આવશે. આ રાજકીય ડીલના ભાગરૂપે જ જંગી રોકડની હેરાફેરી થઈ હોવાનો દાવો કરાયો છે.
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ સાથે સંકળાયેલી ન્યૂઝ એજન્સીઓએ દાવો કર્યો છે કે ૩ અબજ ડોલરની રોકડથી ભરેલું એક વિશેષ વિમાન અબુ ધાબીથી ઉડાન ભરીને સીધું તેહરાન પહોંચ્યું હતું. આ સમયે દેશમાં તમામ ઉડ્ડયન પ્રતિબંધો હોવા છતાં આ ગુપ્ત ઉડાનને મંજૂરી આપવામાં આવી હતી.
આ મોટા ખુલાસા બાદ વૈશ્વિક રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. અમેરિકાની આ નીતિની ભારે ટીકા થઈ રહી છે કે તે હિંસા ફેલાવનારા દેશોને આર્થિક મદદ પહોંચાડીને માત્ર હંગામી યુદ્ધવિરામ ખરીદી રહ્યું છે.

 

(12:06 AM IST)