હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી અને લૂનો કહેર વચ્ચે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
આગામી 4-5 દિવસમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ અને બિહારમાં વરસાદની ગતિવિધિઓ તેજ થશે.

નવી દિલ્હી :ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની આગાહી મુજબ, 10 જૂનના રોજ દેશના વિવિધ રાજ્યોમાં હવામાનનું મિશ્ર સ્વરૂપ જોવા મળશે. જ્યાં એક તરફ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધી રહ્યું છે, ત્યાં બીજી તરફ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત છે.
IMDની આગાહી મુજબ, દિલ્હી, હરિયાણા, પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં 10 જૂનના રોજ પણ 'લૂ' જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. દિલ્હીમાં આકાશમાં આંશિક વાદળો છવાયેલા રહેશે અને મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. જોકે, સાંજ સુધીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.
ચોમાસું હવે પૂર્વોત્તર રાજ્યોથી આગળ વધી રહ્યું છે, જેના પગલે આગામી 4-5 દિવસમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ અને બિહારમાં વરસાદની ગતિવિધિઓ તેજ થશે.
બિહારના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત સિક્કિમ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
કેરળ, તટીય કર્ણાટક અને દક્ષિણ આંતરિક કર્ણાટકના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તમિલનાડુ અને તેલંગાણામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ગરમીની સ્થિતિ યથાવત રહેશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ડીસા અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉપર રહેવાનું અનુમાન છે. ચોમાસું ગુજરત તરફ આગળ વધી રહ્યું છે. જેના પ્રભાવ હેઠળ આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. સંભવતઃ આજથી રાજ્યમાં વાદળછાયા વાતવરણ સાથે ચોમાસાના આગમનનો અહેસાસ થવા લાગશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે.
હવામાન વિભાગે લોકોને આકરા તાપ અને વીજળીના કડાકા તેમજ તેજ હવાઓ દરમિયાન સાવચેત રહેવા અપીલ કરી છે. માછીમારોને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું હિતાવહ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
