News of Wednesday, 10th June 2026
અમેરિકાનું અપાચે હેલિકોપ્ટરને ઈરાને જાણીજોઈને નિશાન બનાવ્યાનો અમેરિકી અધિકારીઓનો દાવો
અમેરિકી હેલિકોપ્ટર ઈરાનના આંગણામાં શું કરી રહ્યું હતું? જો ઈરાનનું હેલિકોપ્ટર અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ખાડીમાં ઉડતું હોત તો અમેરિકાની પ્રતિક્રિયા શું હોત? અમેરિકી દળોએ અમારો વિસ્તાર છોડી દેવો જોઈએ: ઈરાનની સ્પષ્ટ વાત !!!

વોશિંગ્ટન/તેહરાન: ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ વધુ ઉગ્ર બન્યો છે. તાજેતરમાં હોર્મુઝની સામુદ્રધુની પર ઉડી રહેલા અમેરિકાના અત્યાધુનિક એએચ-૬૪ઈ અપાચે હેલિકોપ્ટરને ડ્રોન વડે તોડી પાડવામાં આવ્યું છે. અલ અરેબિયા અને અન્ય આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો મુજબ, અમેરિકન અધિકારીઓએ દાવો કર્યો છે કે ઈરાને ઇરાદાપૂર્વક આ હેલિકોપ્ટરને નિશાન બનાવ્યું હતું. જોકે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ તેને અકસ્માત કે ક્રોસફાયર ગણાવ્યો છે. તેમણે અમેરિકી દળોને વિસ્તાર છોડી દેવાની ચેતવણી આપતા કહ્યું કે ઈરાનની સરહદ નજીક વિદેશી સેનાની હાજરીથી જોખમ રહે છે. બંને પાયલટનો બચાવ થયો છે, પરંતુ આ ઘટનાથી વૈશ્વિક સ્તરે યુદ્ધની ભીતિ વધી ગઈ છે.
આ ઘટના અંગે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પુષ્ટિ કરી છે કે પાયલટો સુરક્ષિત છે, પરંતુ અમેરિકા આ હુમલાનો જડબાતોડ જવાબ આપશે. ધી ન્યૂયોર્ક ટાઈમ્સ અને સીબીએસ ન્યૂઝના અહેવાલો મુજબ, સોમવારે સાંજે આ હેલિકોપ્ટર સામુદ્રધુનીમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું ત્યારે તેને નિશાન બનાવાયું હતું. દરિયાઈ ડ્રોન મારફતે બે કલાકમાં બંને પાયલટોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જે લશ્કરી ઇતિહાસમાં પ્રથમ પ્રકારનું રેસ્ક્યુ ઓપરેશન માનવામાં આવે છે.
ઈરાની વિશ્લેષકોએ અમેરિકાની આકરી ઝાટકણી કાઢતા સવાલ ઉઠાવ્યો છે કે અમેરિકી હેલિકોપ્ટર ઈરાનના આંગણામાં શું કરી રહ્યું હતું? જો ઈરાનનું હેલિકોપ્ટર અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ખાડીમાં ઉડતું હોત તો અમેરિકાની પ્રતિક્રિયા શું હોત?
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક નકશો શેર કરી સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય જળસીમા નથી, પરંતુ ઈરાન અને ઓમાન વચ્ચે વહેંચાયેલી છે અને તેની જળસીમાઓ એકદમ સ્પષ્ટ છે.
અરાઘચીએ વધુમાં જણાવ્યું હતું કે ઈરાનની સરહદ અને જળસીમાની સુરક્ષા માટે સેના હાઈ એલર્ટ પર છે. વિદેશી દળોની હાજરીથી માનવીય ભૂલ, અકસ્માત અથવા ક્રોસફાયર થવાની સંભાવના સતત રહે છે. જોખમ ઘટાડવા માટે વિદેશી દળો અહીંથી ચાલ્યા જાય તે જ શ્રેષ્ઠ વિકલ્પ છે.
ઈરાન કૂટનીતિની ભાષા પસંદ કરે છે, પરંતુ પરિસ્થિતિ મુજબ અન્ય ભાષાઓ પણ સારી રીતે જાણે છે.
(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
