News of Wednesday, 10th June 2026
શું 30 જૂન પછી કાગળની તમામ ચલણી નોટ બંધ થઇ જશે ? : અહેવાલોને કેન્દ્ર સરકારે સંપૂર્ણપણે ભ્રામક અને ખોટા ગણાવ્યા
આ ફેક ન્યૂઝના કારણે સામાન્ય જનતા, નાના વેપારીઓ અને મોટા બિઝનેસમેનોમાં ભારે ચિંતાનો માહોલ ઊભો થયો હતો

નવી દિલ્હી :સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી ચલણી નોટોને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે, 30 જૂન 2026 થી દેશમાં બધી કાગળની નોટો બંધ થઈ જશે. ત્યારે હવે આ અફવાઓ પર આખરે સરકારે પૂર્ણવિરામ મૂકી દીધું છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ પર વાયરલ થયેલા આ અહેવાલોને કેન્દ્ર સરકારે સંપૂર્ણપણે ભ્રામક અને ખોટા ગણાવ્યા છે. ભારત સરકારની સત્તાવાર એજન્સી પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ આ મામલે સ્પષ્ટતા જાહેર કરીને દેશના નાગરિકોને ગભરાવાની મનાઈ કરી છે.
છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. આ વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ મહિનાના અંત સુધીમાં એટલે કે 30 જૂન 2026 થી દેશની આર્થિક વ્યવસ્થામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) તમામ કાગળની નોટો પાછી ખેંચી લેશે અને તેના સ્થાને નવી પ્લાસ્ટિકની નોટો ચલણમાં લાવશે.
આ ફેક ન્યૂઝના કારણે સામાન્ય જનતા, નાના વેપારીઓ અને મોટા બિઝનેસમેનોમાં ભારે ચિંતાનો માહોલ ઊભો થયો હતો. લોકો પોતાની પાસે રહેલી રોકડ બચત રાતોરાત નકામી થઈ જશે તેવા ડરથી ચિંતિત બન્યા હતા.
દેશભરમાં વધી રહેલા નાગરિકોના ગભરાટ અને અસમંજસની સ્થિતિને દૂર કરવા માટે સરકારે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. મંગળવારે મોડી રાત્રે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ સ્થિતિ સ્પષ્ટ કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સત્તાવાર પોસ્ટ શેર કરીને PIB Fact Check એ જણાવ્યું કે, આ વાયરલ દાવો 100% નકલી અને ભ્રામક છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા કાગળની નોટો બંધ કરવા અંગે આવો કોઈ જ આદેશ, પરિપત્ર કે નિર્ણય લેવામાં આવ્યો નથી.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
