હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવે ફલાઇટ ટિકિટ પણ મોંઘી થશેઃ જેટ ફયુઅલના ભાવમાં મોટો ઉછાળો!
સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સ્થાનિક એરલાઇન્સ માટે એવિએશન ટર્બાઇન ફયુઅલ (ATF)ની કિમતોમાં અંદાજે ૧૦ ટકાનો મોટો વધારો ઝીંકી દીધો

મુંબઈ,તા.૧૦: છેલ્લા ઘણા સમયથી પ્રેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સિલિન્ડરના ભાવ પણ દિવસે-દિવસે વધી રહ્યાં છે. ત્યારે હવાઈ મુસાફરી કરનારાઓ માટે પણ એક ખરાબ સમાચાર આવ્યા છે. પ્લેનમાં સફર કરનારાઓએ આગામી દિવસોમાં ખિસ્સા વધુ ઢીલા કરવા પડી શકે છે. સરકારી ઓઇલ માર્કેટિગ કંપનીઓએ સ્થાનિક એરલાઇન્સ માટે એવિએશન ટર્બાઇન ફયુઅલ (ATF)ની કિમતોમાં અંદાજે ૧૦ ટકાનો મોટો વધારો ઝીંકી દીધો છે. ઉલ્લેખનીય છે કે, એવિએશન સેક્ટરમાં ઇંધણનો ખર્ચ એ ઓપરેટિગ કોસ્ટ (કામકાજના ખર્ચ) નો સૌથી મોટો હિસ્સો ગણાય છે, જેથી આ વધારા બાદ હવે ફલાઇટ ટિકિટના ભાવ વધવાની પૂરેપૂરી શક્યતા છે.
સરકારની નવી પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન સ્કીમ (ભાવ સ્થિરતા યોજના) હેઠળ, ઘરેલું એરલાઇન્સ કંપનીઓ હવે ત્રણ વર્ષ સુધીના સમયગાળા માટે એવિએશન ટર્બાઇન ફયુઅલ (વિમાનના ઇંધણ) ની કિમતો નક્કી કરી શકે છે. આ સાથે જ સરકારી ફયુઅલ રિટેલર્સે જેટ ફયુઅલના ભાવમાં અંદાજે ૧૦ ટકાનો વધારો કર્યો છે.
આ નવી વ્યવસ્થા અંતર્ગત, જે એરલાઇન્સ આ સ્વૈચ્છિક યોજનાનો વિકલ્પ પસંદ કરશે તેમણે એટીએફ માટે પ્રતિ લીટર ૧૧૫ રૂપિયાની નક્કી કરેલી કિમત ચૂકવવી પડશે. અગાઉ આ કિમત પ્રતિ લીટર ૧૦૪.૯૨૭ રૂપિયા હતી.
જે એરલાઇન્સ કંપનીઓ આ નવી વ્યવસ્થાથી બહાર રહેવાનો નિર્ણય કરશે, તેઓ બજાર આધારિત દરો પર જ ઇંધણ ખરીદતી રહેશે. હાલમાં આ દર પ્રતિ લીટર અંદાજે ૧૪૨ રૂપિયા છે, જે આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ દ્વારા ચૂકવવામાં આવતી કિમતોની બરાબર છે.
આ યોજના સંપૂર્ણપણે વૈકલ્પિક છે અને એરલાઇન્સ પોતે નક્કી કરશે કે તેમણે આમાં જોડાવું છે કે નહીં. જે કંપનીઓ આ યોજનામાં જોડાશે તેઓ લોક-ઇન પિરિયડ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં થતી ભાવની વધઘટથી સુરક્ષિત રહેશે. બીજી તરફ, જે કંપનીઓ આમાં સામેલ નહીં થાય તેમને ભવિષ્યમાં કિમતો ઘટશે ત્યારે ફાયદો થઈ શકે છે, પરંતુ જો વૈશ્વિક ભાવ વધશે તો તેનો આર્થિક બોજ પણ તેમણે જ ઉઠાવવો પડશે.
આ ફિક્સ્ડ પ્રાઇસિગ ફોર્મ્યુલા પ્રતિ લીટર ૮૬.૩૨ રૂપિયાના ‘ફ્રી-ઓન-બોર્ડ‘ (FOB) બેન્ચમાર્ક પર આધારિત છે, જેમાં એરપોર્ટ ચાર્જ, ઓઇલ કંપનીઓનો માર્જિન અને લાગુ પડતા ટેક્સનો પણ સમાવેશ થાય છે. આ ફોર્મ્યુલા મુજબ એટીએફની અસરકારક કિમત દિલ્હીમાં ૧૧૫ રૂપિયા પ્રતિ લીટર, મુંબઈમાં ૧૧૪.૫ રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં ૧૩૯ રૂપિયા પ્રતિ લીટર રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
