News of Wednesday, 10th June 2026
અમેરિકામાં જૈન આચાર્ય લોકેશજી દ્વારા ‘વી સપોર્ટ પીસ' અભિયાનનો પ્રારંભઃ ‘વોર ફ્રી વર્લ્ડ'ને વ્યાપક જનસમર્થન
બૌદ્ધ, હિન્દુ અને જૈન સમુદાયનો એકસૂરે ટેકોઃ યુદ્ધના બદલે સંવાદ અને ધૃણાના સ્થાને પ્રેમનો વૈશ્વિક સંદેશ

ન્યૂયોર્કઃ વિશ્વ શાંતિ દૂત અને અહિંસા વિશ્વ ભારતી તેમજ વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીનું અમેરિકાના ન્યૂયોર્ક ખાતે ભવ્ય અને ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે અમેરિકામાં વૈશ્વિક ‘વી સપોર્ટ પીસ' અભિયાન લોન્ચ કર્યું હતું, જેને ભારે જનસમર્થન મળી રહ્યું છે.સ્વાગત સમારોહમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના નાગરિકો, અમેરિકન સમાજના વિવિધ વર્ગો તેમજ સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે, હાલમાં દુનિયા યુદ્ધ, આતંકવાદ અને હિંસા જેવા પડકારોનો સામનો કરી રહી છે, ત્યારે શાંતિ એ માત્ર આદર્શ નહીં પરંતુ માનવ અસ્તિત્વની જરૂરિયાત બની ગઈ છે. આ અભિયાનનો મુખ્ય હેતુ જાતિ, ધર્મ, ભાષા અને રાષ્ટ્રીય સીમાઓથી ઉપર ઊઠીને લોકોને શાંતિના સમાન ઉદ્દેશ્ય સાથે જોડવાનો છે.આ કાર્યક્રમમાં ઉપસ્થિત બૌદ્ધ, હિન્દુ અને જૈન સમુદાયના પ્રતિનિધિઓએ એકસૂરે ‘વોર ફ્રી વર્લ્ડ' ની વિભાવનાને સમર્થન આપ્યું હતું. વક્તાઓએ સ્પષ્ટ કર્યું કે વર્તમાન સમયમાં યુદ્ધ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, પરંતુ વિશ્વને સંઘર્ષની જગ્યાએ સંવાદ, કરુણા, સહ-અસ્તિત્વ અને પારસ્પરિક સન્માનની જરૂર છે.અમેરિકામાં આ શાંતિ અભિયાનને મળી રહેલા વ્યાપક જનસમર્થન અને લોકભાગીદારીથી સ્થાનિક પ્રશાસન પણ પ્રભાવિત થયું છે. આવનારી પેઢીઓને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણ પૂરું પાડવાના સંકલ્પ અને‘‘શાંતિ એ જ માનવતાનું ભવિષ્ય છે અને અહિંસા જ વિશ્વ કલ્યાણનો માર્ગ છે'' ના સંદેશ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
