<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

જોહાનિસબર્ગમાં આતંકનો લોહિયાળ ખેલઃ અંધાધૂંધ ગોળીબારમાં ૧૨ના મોત

દરરોજ ૬૦ હત્‍યાઓઃ વિશ્વની મર્ડર કેપિટલ બનતું દક્ષિણ આફ્રિકા : સફેદ કારમાં આવેલા ૧૦થી વધુ હુમલાખોરોએ ઝૂંપડપટ્ટીને બનાવી નિશાનઃ પોલીસનું મેગા હન્‍ટ ઓપરેશન શરૂ

નવી દિલ્‍હી, તા.૧૦: દક્ષિણ આફ્રિકાની આર્થિક રાજધાની જોહાનિસબર્ગ ફરી એકવાર ભયાનક અને લોહિયાળ સામૂહિક હત્‍યાકાંડથી ધ્રુજી ઉઠી છે. મંગળવારે સાંજે, જ્‍યારે પૂર્વીય ઉપનગર ક્‍લેવલેન્‍ડમાં આવેલી જમ્‍પર્સ નામની ઝૂંપડપટ્ટીના લોકો પોતાના ઘરોમાં આરામ કરી રહ્યા હતા, ત્‍યારે અચાનક આધુનિક હથિયારોના અંધાધૂંધ ફાયરિંગથી સમગ્ર વિસ્‍તાર ગુંજી ઉઠ્‍યો હતો. આ હૃદયદ્રાવક હુમલામાં ઘટનાસ્‍થળે જ ૧૨ લોકોના મોત નીપજ્‍યા છે, જ્‍યારે ૯ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્‍પિટલમાં જિંદગી અને મરણ વચ્‍ચે ઝોલા ખાી રહ્યા છે. આ લશ્‍કરી શૈલીના આયોજિત હુમલાએ સમગ્ર દક્ષિણ આફ્રિકામાં સનસનાટી મચાવી દીધી છે. આ ભયાનક નરસંહારને અંજામ આપવાની રીત જોઈને ખુદ સ્‍થાનિક પોલીસ અને ઉચ્‍ચ વહીવટીતંત્ર પણ સ્‍તબ્‍ધ છે. પ્રત્‍યક્ષદર્શીઓના જણાવ્‍યા અનુસાર, ૧૦ થી વધુ ભારે હથિયારધારી હુમલાખોરો સફેદ કલરની ટોયોટા ક્‍વોન્‍ટમ કારમાં સવાર થઈને આવ્‍યા હતા. વસાહતમાંથી કોઈ વ્‍યક્‍તિ જીવતી ભાગી ન શકે તે માટે હુમલાખોરોએ ભુલભુલામણી જેવા સાંકડા રસ્‍તાઓનો ઉપયોગ કર્યો અને બે અલગ-અલગ જૂથોમાં વહેંચાઈને વસાહતને બંને છેડેથી ઘેરી લીધી હતી. ત્‍યારબાદ સાંકડી ગલીઓમાં જે પણ નાગરિક સામે આવ્‍યો, તેના પર આતંકવાદીઓની જેમ ગોળીઓનો વરસાદ કરી દેવામાં આવ્‍યો અને લોહીની નદીઓ વહાવીને હુમલાખોરો પળવારમાં ગાયબ થઈ ગયા.

 હુમલો થતાં જ વસાહતમાં ચારેતરફ ચીસાચીસ અને કરુણ આક્રંદ છવાઈ ગયું હતું. જમ્‍પર્સ વસાહતની ગલીઓમાં લોહીથી લથપથ મળતદેહો પથરાયેલા નજરે પડતા હતા. સ્‍થાનિક રહેવાસીઓએ તાત્‍કાલિક કટોકટી સેવાઓની મદદથી ઘાયલોને નજીકની હોસ્‍પિટલમાં ખસેડ્‍યા હતા, જ્‍યાં તબીબોના જણાવ્‍યા મુજબ હજુ પણ મળત્‍યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. આટલી મોટી ઘટના છતાં હુમલા પાછળનો ચોક્કસ હેતુ સ્‍પષ્ટ ન થતાં અને વહીવટીતંત્રની રહસ્‍યમય ચુપકીદીને કારણે સ્‍થાનિક લોકોમાં ભારે ભય સાથે પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્‍યો છે.

આ સામૂહિક હત્‍યાકાંડ બાદ દક્ષિણ આફ્રિકાની સુરક્ષા એજન્‍સીઓ એક્‍શન મોડમાં આવી ગઈ છે અને સમગ્ર ક્‍લેવલેન્‍ડ વિસ્‍તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો છે. પોલીસ મુખ્‍યાલયે સત્તાવાર જાહેરાત કરી છે કે ફરાર થયેલા ૧૦ થી વધુ શાર્પ શૂટર્સને જીવતા કે મુર્દા પકડવા માટે હાઈ-ટેક મેગા હન્‍ટ ઓપરેશન શરૂ કરવામાં આવ્‍યું છે. ઘટનાસ્‍થળેથી ફોરેન્‍સિક અને બેલિસ્‍ટિક નિષ્‍ણાતો પુરાવા એકત્ર કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી હુમલાખોરોનું કોઈ સગડ ન મળતાં પોલીસ તંત્રની કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવાની ક્ષમતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. 

(3:36 PM IST)