<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

રોજ જે ટાંકીનું પાણી પીતા હતા એમાં ૨૭ સાપ તરતા મળ્‍યા

પરિવારજનોએ ટાંકીનું ઢાંકણું ખોલ્‍યું તો અંદરનો નજારો જોઈને હેબતાઈ જ ગયા

હરિદ્વાર,તા.૧૦: હરિદ્વાર પાસેના સરાય ગામમાં એક ઘરની પાણીની ટાંકીમાંથી કીલબેક પ્રજાતિના સાપનાં ૨૭ બચ્‍ચાં મળી આવ્‍યાં હતાં. આ પરિવાર રોજ આ જ ટાંકીમાંથી પાણીનો ઉપયોગ કરતો હતો. થોડા દિવસ પહેલાં આ ટાંકીમાં કોઈક વસ્‍તુ પડી ગઈ. એ કાઢવા માટે પરિવારજનોએ ટાંકીનું ઢાંકણું ખોલ્‍યું તો અંદરનો નજારો જોઈને હેબતાઈ જ ગયા. અંદર સાપોનાં ગૂંચળાં તરી રહ્યાં હતાં. આ સાપ હજી સાપોલિયા જેવડા જ હતા, પણ સવાલ એ હતો કે આ સાપોલિયાં પાણીમાં આવ્‍યાં કઈ રીતે? ટાંકીમાંના સાપને જોવા માટે લોકોની ભીડ જમા થઈ ગઈ અને તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી. ક્‍વિક રિસ્‍પોન્‍સ ટીમે આવીને ખૂબ સાવધાનીપૂર્વક એક-એક સાપ બહાર કાઢ્‍યા. એની ગણતરી કરી તો પૂરા ૨૭ સાપ નીકળ્‍યા હતા. વનવિભાગના નિષ્‍ણાતોનું કહેવું છે કે ગરમી જ્‍યારે વધી જાય છે ત્‍યારે સાપ ઠંડકવાળું વાતાવરણ શોધવા માટે અંધારી, પાણીવાળી જગ્‍યાએ લપાઈ જાય છે. માદા સાપે પણ ઠંડકવાળી જગ્‍યા શોધીને અહીં ઈંડાં આપ્‍યાં હશે. સાપનાં બચ્‍ચાં લગભગ એકાદ મહિનાથી પાણીની ટેન્‍કમાં હશે એવું નિષ્‍ણાતોનું માનવું છે.

(3:36 PM IST)