News of Wednesday, 10th June 2026
પાકિસ્તાન આર્મી એવિએશનનું એક Mi-17 હેલિકોપ્ટર ટેકનિકલ ખામીના કારણે ક્રેશ : તમામ સૈન્ય જવાનના મોત થયું
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના મુઝફ્ફરાબાદ નજીક નીલમ વેલીમાં શૌકત લાઇન પાસે ઉડાન ભરતી વખતે જ આ Mi-17 હેલિકોપ્ટર તૂટી પડ્યું

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાંથી એક મોટા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન આર્મી એવિએશનનું એક Mi-17 હેલિકોપ્ટર ટેકનિકલ ખામીના કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દર્દનાક ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામના મોત થયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
આ ઘટના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના મુઝફ્ફરાબાદ નજીક નીલમ વેલીમાં બની હતી, જ્યાં શૌકત લાઇન પાસે બપોરે આશરે ૩ વાગ્યે ઉડાન ભરતી વખતે જ આ Mi-17 હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. પાકિસ્તાની મીડિયા અને ઇન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના સત્તાવાર નિવેદન અનુસાર, હેલિકોપ્ટર કોઈ ગંભીર ટેકનિકલ ખામીનો ભોગ બન્યું હતું અને તેમાં સવાર કોઈ પણ વ્યક્તિ જીવિત બચી શક્યું નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, PoKમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને પ્રદર્શનકારીઓની ગતિવિધિઓ પર નજર રાખવા માટે પાકિસ્તાની સેના દ્વારા આ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યું હતું. સેના દ્વારા હજુ સુધી મૃતકોનો સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ સ્થાનિક અહેવાલો મુજબ પાયલોટ સહિત આશરે 20 જેટલા સૈનિકો તેમાં સવાર હતા અને આ તમામ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ બલૂચિસ્તાનમાં પણ પાકિસ્તાની સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જે બાદ આ બીજી મોટી દુર્ઘટના સામે આવી છે. હાલમાં ઘટનાસ્થળે કાટમાળ હટાવવાની અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
