હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોનીએ પાઠવ્યા વિશેષ અભિનંદન: પીએમ મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા
ભારતીય રાજનીતિના ઈતિહાસમાં નવો અધ્યાય; ભારત-ઈટાલી વચ્ચેની 'વ્યૂહાત્મક ભાગીદારી' અને મિત્રતાના બંધન પર વિશ્વનું ધ્યાન

નવી દિલ્હી : ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ૪,૩૯૯ દિવસ સુધી દેશના વડાપ્રધાન પદ પર રહીને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડી એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિ બદલ વિશ્વભરમાંથી તેમને અભિનંદન મળી રહ્યા છે, જેમાં ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીનો સંદેશ ખાસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક ભાવુક સંદેશ શેર કરતા મેલોનીએ લખ્યું હતું કે, "ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બનવા બદલ પીએમ નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ અભિનંદન. તાજેતરના દિવસોમાં રોમમાં તેમની સાથેની મુલાકાત અને ભારત-ઇટાલી વચ્ચે શરૂ થયેલી નવી વ્યૂહાત્મક ભાગીદારી મારા માટે ગર્વનો વિષય છે. આ જોડાણ આપણા બંને દેશો અને નાગરિકો માટે નવી તકોના દ્વાર ખોલશે."
વડાપ્રધાન મોદીએ ૨૬ મે, ૨૦૧૪ના રોજ પ્રથમ વખત દેશની ધૂરા સંભાળી હતી. ત્યારબાદ ૨૦૧૯માં જનાદેશ સાથે પુનરાગમન અને ૨૦૨૪માં સતત ત્રીજીવાર વડાપ્રધાન તરીકે શપથ લઈને તેમણે ભારતીય રાજનીતિમાં પોતાની અદમ્ય છાપ છોડી છે. નિષ્ણાતો આ સિદ્ધિને દેશના વિકાસ અને સ્થિરતાના પ્રતીક તરીકે જોઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પીએમ મોદીની ઇટાલી મુલાકાત દરમિયાન બંને નેતાઓની કેમિસ્ટ્રીએ આંતરરાષ્ટ્રીય મીડિયામાં ઘણી હેડલાઇન્સ બનાવી હતી. ખાસ કરીને એક વીડિયો વાયરલ થયો હતો જેમાં પીએમ મોદી ઇટાલિયન વડાપ્રધાનને 'મેલોડી' ટોફી ભેટમાં આપતા જોવા મળ્યા હતા. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર 'મેલોડી-મેલોની' મીમ્સની ભરમાર લગાવી દીધી હતી. જોકે, આ રમુજી પળોની પાછળ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિ પણ છુપાયેલી હતી.
મેલોનીને આપવામાં આવેલી ભેટોમાં માત્ર ટોફી જ નહીં, પરંતુ ઉત્તર-પૂર્વ ભારતની સંસ્કૃતિને ઉજાગર કરતા મુગા સિલ્ક સ્કાર્ફ (આસામ) અને શિરુઈ લિલી સિલ્ક સ્ટોલ (મણિપુર) પણ સામેલ હતા. આ ભેટો દ્વારા પીએમ મોદીએ ભારતના હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે માન અપાવ્યું છે. આજે જ્યારે બંને દેશો વેપાર, ટેકનોલોજી અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ખભેખભા મિલાવીને આગળ વધી રહ્યા છે, ત્યારે નેતાઓ વચ્ચેની આ મિત્રતા ભારત અને ઇટાલીના સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
