<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

રાજસ્થાનના અલવરનો ઐતિહાસિક જગન્નાથ મેળો હવે બનશે ગ્લોબલ: પુરીની રથયાત્રા જેવી વૈશ્વિક ઓળખ આપવા સરકારે તેજ કરી કવાયત

રાષ્ટ્રપતિ કાર્યાલયે પણ માંગણીને આપી મંજૂરી, હવે પર્યટનના નકશા પર ચમકશે પાંચ દિવસીય ભવ્ય લગ્ન ઉત્સવ; ૧૨ જુલાઈથી થશે ભવ્ય શરૂઆત

અલવ : રાજસ્થાનની સાંસ્કૃતિક વિરાસત અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર એવા અલવરના જગન્નાથ મેળા માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ આ ઐતિહાસિક મેળાને 'આંતરરાષ્ટ્રીય માન્યતા' આપવાની માંગણી કરી છે, જેને રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. આ પગલાનો મુખ્ય હેતુ સદીઓ જૂની આ પરંપરાને વિશ્વના ફલક પર મૂકીને વધુમાં વધુ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવાનો છે, જેથી સ્થાનિક અર્થતંત્ર અને રોજગારને વેગ મળી શકે.
અલવરનો આ મેળો અન્ય જગન્નાથ રથયાત્રાઓ કરતા ઘણો અલગ અને વિશિષ્ટ છે. અહીં માત્ર ભગવાન જગન્નાથની જ નહીં, પરંતુ ભગવાન જગન્નાથ અને દેવી જાનકીના લગ્નોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પાંચ દિવસ સુધી ચાલતો આ વાર્ષિક રથ ઉત્સવ રાજસ્થાની સંસ્કૃતિ, લોક પરંપરાઓ, હસ્તકલા અને સ્વાદિષ્ટ ભોજનનો સમન્વય છે. ઓડિશાની પુરીની રથયાત્રા જેવી જ ભવ્યતા ધરાવતો આ મેળો હવે દેશની સીમાઓ ઓળંગીને વૈશ્વિક સ્તરે ખ્યાતિ મેળવવા માટે સજ્જ થઈ રહ્યો છે.
દેવસ્થાન વિભાગે હવે આ મેળાના આંતરરાષ્ટ્રીય સ્તરીકરણ માટે નવો એક્શન પ્લાન તૈયાર કરવાનું શરૂ કર્યું છે. જેમાં મેળાનું વિશેષ સુંદરીકરણ, વૈશ્વિક સ્તરે મેળાનો વ્યાપક પ્રચાર અને વિદેશી પર્યટકો માટે ખાસ આમંત્રણો જેવી નવી પહેલ કરવામાં આવશે. આ મેળાના ઈતિહાસનું મહત્વ સમજીને તેને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવા માટેની માંગણી ઘણા સમયથી સ્થાનિક લોકો અને ભક્તો દ્વારા કરવામાં આવતી હતી, જેનો હવે સ્વીકાર થયો છે.

આ વર્ષે ૨૦૨૬માં આ મેળો ૧૨ જુલાઈથી ૨૯ જુલાઈ સુધી યોજાનાર છે. ઉત્સવના ભાગરૂપે ૧૯ જુલાઈએ ઇસ્કોન દ્વારા પ્રથમ રથયાત્રા અને ૨૨ જુલાઈએ જગન્નાથ મેળા સમિતિ દ્વારા મુખ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. લીમડાના લાકડામાંથી બનેલી ૩ ફૂટની ભવ્ય મૂર્તિઓ સાથે વૃંદાવન અને જયપુરના ભક્તો પણ આ ઉત્સવમાં જોડાશે. ૨૫ જુલાઈએ યોજાનાર 'વર્માલા મહોત્સવ' આ મેળાનું મુખ્ય આકર્ષણ રહેશે. નિષ્ણાતો માને છે કે જો આ મેળાને આંતરરાષ્ટ્રીય માન્યતા મળશે, તો તે રાજસ્થાનના પ્રવાસન ક્ષેત્રે એક નવા અધ્યાયનો પ્રારંભ કરશે.

(7:11 PM IST)