હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈના રસ્તાઓ પર ઈલેક્ટ્રિક બસોની સલામતી સામે સવાલો: કુર્લામાં ચાલતી બસના ટાયરમાંથી નીકળ્યો કાળો ધુમાડો, મુસાફરોમાં મચી અફરાતફરી
સદનસીબે મોટી દુર્ઘટના ટળી; સમયસૂચક ડ્રાઈવરની સતર્કતાને કારણે તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર કઢાયા, વહીવટીતંત્રે તપાસના આદેશ આપ્યા

મુંબઈ : મુંબઈના સાર્વજનિક પરિવહન સેવા 'બેસ્ટ' (BEST) ના કાફલામાં સામેલ ઈલેક્ટ્રિક બસોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર ચિંતાઓ સેવાઈ રહી છે. બુધવારે સવારે કુર્લા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના થતા માંડ-માંડ ટળી હતી. કુર્લાના જંભોરી મેદાન નજીક રૂટ A 37/39 પર જઈ રહેલી એક 'વેટ લીઝ' ઈલેક્ટ્રિક બસના પાછળના ટાયરમાંથી અચાનક ભારે ધુમાડો નીકળવાનું શરૂ થતાં મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ઘટના સવારે આશરે ૮:૧૫ વાગ્યાની છે. બસ કુર્લા ડેપોથી જે. મહેતા તરફ જઈ રહી હતી ત્યારે ડ્રાઇવરની નજર બસના ડાબા પાછળના ટાયર પર પડી, જ્યાંથી સતત ધુમાડો નીકળી રહ્યો હતો. સંભવિત જોખમને પારખી જઈને ડ્રાઈવરે તાત્કાલિક બસને રસ્તાની બાજુમાં ઊભી રાખી દીધી હતી અને કોઈ પણ પ્રકારની જાનહાનિ થાય તે પહેલાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા હતા. આ સમયસૂચકતાને કારણે એક મોટી હોનારત ટળી હતી.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર અધિકારીઓએ સાવચેતીના પગલા રૂપે બસની બેટરી સિસ્ટમ ડિસ્કનેક્ટ કરી હતી, ત્યારબાદ ધુમાડો બંધ થયો હતો. બેસ્ટ કંટ્રોલ રૂમે પણ તાત્કાલિક ટેકનિકલ ટીમને બ્રેકડાઉન વાન સાથે સ્થળ પર રવાના કરી હતી. જોકે, ધુમાડાનું ચોક્કસ કારણ શું હતું, તે જાણવા માટે બસને તપાસ અર્થે મોકલી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં પ્રદૂષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક બસોની સંખ્યા વધારવામાં આવી રહી છે, પરંતુ તાજેતરના દિવસોમાં તેની સાથે જોડાયેલી ઘટનાઓ ચિંતાનો વિષય બની છે. માત્ર બે દિવસ પહેલા, ૮ જૂનના રોજ પોઈસર ડેપો નજીક બેસ્ટની જ એક ઈલેક્ટ્રિક બસની અડફેટે આવતા બે રાહદારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં ૨૪ વર્ષીય એક યુવતી હજુ પણ આઈસીયુ (ICU) માં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
સળંગ બની રહેલી આ ઘટનાઓએ બેસ્ટ તંત્રની કામગીરી અને ઈલેક્ટ્રિક વાહનોના મેઈન્ટેનન્સ (જાળવણી) પર અનેક સવાલો ખડા કર્યા છે. નાગરિકો હવે ઈલેક્ટ્રિક બસોમાં મુસાફરી કરતી વખતે ડર અનુભવી રહ્યા છે. ત્યારે હવે તંત્ર આ ઘટનાઓની ગંભીરતા સમજીને કાફલામાં રહેલી તમામ ઈલેક્ટ્રિક બસોનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરે તે અત્યંત આવશ્યક બન્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
