હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘વિકસિત ભારત @2047’ નું લક્ષ્ય: આવતીકાલે નવી દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ૧૧મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક
દેશના સર્વાંગી વિકાસ માટે નવી રણનીતિ: માનવ વિકાસ, કૌશલ્ય વર્ધન અને રોજગારના નવા આયામો પર મંથન; તમામ મુખ્યમંત્રીઓ અને લેફ્ટનન્ટ ગવર્નરો રહેશે ઉપસ્થિત

નવી દિલ્હી : ભારતના ભવિષ્યના વિકાસનો રોડમેપ તૈયાર કરવા માટે આવતીકાલે, ૧૧ જૂન, ૨૦૨૬ ના રોજ નવી દિલ્હીના પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટર ખાતે નીતિ આયોગની ૧૧મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠક 'વિકસિત ભારત @2047' ના સ્વપ્નને સાકાર કરવા માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે. આ વર્ષની બેઠકની થીમ 'વિકસિત ભારત @2047 માટે સમાવિષ્ટ માનવ વિકાસ' રાખવામાં આવી છે.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના દરેક નાગરિકની સુખાકારી અને પ્રગતિ સુનિશ્ચિત કરવાનો છે, જેમાં વય, લિંગ કે સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના દરેકને વિકાસની મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. વડાપ્રધાન મોદી આ બેઠકમાં ખાસ કરીને દેશમાં ઉદ્યોગસાહસિકતા (Entrepreneurship) ને વેગ આપવા, યુવા પેઢી માટે કૌશલ્ય વર્ધન અને ટકાઉ રોજગારની તકો ઊભી કરવા માટેના નક્કર પગલાંઓ પર ભાર મૂકશે.
ગવર્નિંગ કાઉન્સિલની આ મહત્વપૂર્ણ સભામાં દેશભરના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો ભાગ લેશે. બેઠકમાં મુખ્યત્વે ચાર સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે:
૧. પાયાગત માનવ મૂડી અને ભવિષ્ય માટે તૈયાર કુશળતા.
૨. ઉત્પાદક રોજગાર અને વિકેન્દ્રિત વૃદ્ધિ.
૩. આરોગ્ય, પોષણ અને સામુદાયિક સુખાકારી.
૪. બધા માટે સમાનતા અને ગૌરવ.
આ મંથન કાર્યક્રમમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) અને ડેટા-આધારિત સિસ્ટમ્સના ઉપયોગ દ્વારા વહીવટમાં વધુ પારદર્શિતા લાવવા માટેના રોડમેપ પર ચર્ચા કરવામાં આવશે. સરકારનો ઈરાદો એ છે કે લેવામાં આવેલા નિર્ણયો માત્ર કાગળ પર ન રહેતા તેની અસર માપી શકાય અને નિર્ધારિત સમય મર્યાદામાં તેના પરિણામો પ્રાપ્ત થાય.
ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં ડિસેમ્બર ૨૦૨૫ માં યોજાયેલી મુખ્ય સચિવોની ૫મી રાષ્ટ્રીય પરિષદની ભલામણોને પણ આધાર બનાવવામાં આવશે. જેમાં પાયાના શિક્ષણ, કૌશલ્ય વર્ધન અને રમતગમત જેવા વિષયો પર વિશેષ ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના 'ટીમ ઇન્ડિયા' ના વિઝનને અનુરૂપ, આ બેઠક કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન સાધીને ૨૦૪૭ સુધીમાં ભારતને એક આધુનિક અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું બની રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
