News of Wednesday, 10th June 2026
આગોતરા જામીનમાં 'સિવિલ રાહત' આપવી હાઈકોર્ટને ભારે પડી: સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના આદેશની ઝાટકણી કાઢી
ન્યાયિક ક્ષેત્રાધિકારનો મુદ્દો: ફોજદારી કેસમાં સિવિલ દાવા જેવી શરતો લાદવા બદલ સુપ્રીમ કોર્ટની હાઈકોર્ટને સ્પષ્ટ સૂચના; વિવાદાસ્પદ શરત રદ કરી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં મદ્રાસ હાઈકોર્ટના એક ચુકાદા સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે ક્રિમિનલ કેસમાં આગોતરા જામીન આપતી વખતે હાઈકોર્ટે એવા આદેશો ન આપવા જોઈએ જે સિવિલ કોર્ટની સત્તાને અતિક્રમતા હોય. આ મામલો નેહરુ ઇરુલંદી નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ સાથે સંબંધિત છે.
ઘટનાની વિગત મુજબ, મદુરાઇના પેરુનાઝી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં ઇરુલંદી અને અન્ય આરોપીઓને હાઈકોર્ટે આગોતરા જામીન આપ્યા હતા. પરંતુ, આ જામીન સાથે કોર્ટે એક શરત પણ મૂકી હતી કે, જ્યાં સુધી વિવાદિત મિલકત અંગેનો સિવિલ દાવો પૂર્ણ ન થાય, ત્યાં સુધી આરોપીઓએ તે મિલકતમાં કોઈ પણ પ્રકારની દખલગીરી કરવી નહીં. સુપ્રીમ કોર્ટે આ શરતને 'અયોગ્ય' અને 'ન્યાયિક ક્ષેત્રાધિકારની બહાર' ગણાવી છે.
સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે ૨૦૧૯માં દાખલ થયેલા સિવિલ દાવામાં ફરિયાદી પક્ષને હજુ સુધી કોઈ મનાઈ હુકમ (Injunction) મળ્યો નથી, તેમ છતાં હાઈકોર્ટે જામીન આપતી વખતે પરોક્ષ રીતે એવી જ રાહત આપી દીધી. સુપ્રીમ કોર્ટે કહ્યું, "હાઈકોર્ટે એવી શરત ન લાદવી જોઈએ જે સિવિલ કોર્ટ દ્વારા ન અપાયેલી રાહત પૂરી પાડતી હોય." સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ દ્વારા લાદવામાં આવેલી આ વિવાદાસ્પદ શરતને તુરંત રદ કરી દીધી છે, જ્યારે આગોતરા જામીનની અન્ય શરતો યથાવત રાખી છે.
બેન્ચે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે જો ફરિયાદીને મિલકત અંગે કોઈ આશંકા હોય કે દખલગીરીનો ભય હોય, તો તે પોતાની રજૂઆત યોગ્ય સિવિલ કોર્ટમાં કરવા માટે સ્વતંત્ર છે. ફોજદારી અદાલતોએ સિવિલ વિવાદોમાં દરમિયાનગીરી કરવાનું ટાળવું જોઈએ, કારણ કે બંનેના કાયદાકીય ક્ષેત્રો અલગ છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ન્યાયિક શિસ્ત જાળવવા માટે એક મહત્વનું ઉદાહરણ પૂરું પાડે છે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
