News of Wednesday, 10th June 2026
પર્સિયન ગલ્ફમાં યુદ્ધના ભણકારા: ઈરાન અને અમેરિકા વચ્ચે સીધો લશ્કરી સંઘર્ષ, કેશ્મ ટાપુ સહિત અનેક સ્થળોએ ભીષણ વિસ્ફોટો
બહેરીનમાં યુએસ ફિફ્થ ફ્લીટ પર ડ્રોન હુમલો અને અપાચે હેલિકોપ્ટરની ઘટના બાદ તણાવ ચરમસીમાએ; પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ

તેહરાન : પશ્ચિમ એશિયામાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાનના કેશ્મ ટાપુ નજીક થયેલા જોરદાર વિસ્ફોટોએ સમગ્ર પ્રદેશમાં ખળભળાટ મચાવી દીધો છે. મેહર ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, હોર્મોઝગન પ્રાંત અને પર્સિયન ગલ્ફના દરિયાકાંઠાના વિસ્તારોમાં લશ્કરી ગતિવિધિઓ અને ગોળીબારનો અવાજ સતત સંભળાઈ રહ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૬માં 'ઓપરેશન એપિક ફ્યુરી' શરૂ થયા બાદ આ બંને દેશો વચ્ચેનો મુકાબલો હવે સીધા યુદ્ધમાં પરિવર્તિત થતો જણાય છે.
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે અમેરિકાએ જસ્ક, સિરિક અને કેશ્મમાં અનેક વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવ્યા છે. સિરિકમાં એક ટેલિકોમ્યુનિકેશન ટાવર અને પાણીની બે ટાંકીઓનો નાશ થતા ઈરાની દળોએ વળતો પ્રહાર કર્યો છે. સંઘર્ષની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પ્રથમ વખત IRGC એ બહેરીનમાં સ્થિત યુએસ ફિફ્થ ફ્લીટના કમાન્ડ બેઝને ડ્રોન હુમલા દ્વારા સીધું નિશાન બનાવ્યું છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ આ હુમલાઓની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે તેમના ફાઈટર જેટ્સે ઈરાનના એર ડિફેન્સ પોઝિશન્સ અને રડાર સાઈટ્સ પર ચોકસાઈપૂર્વક પ્રહાર કર્યા છે. સેન્ટકોમના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર વ્યાપારી જહાજો પર થઈ રહેલા હુમલાઓના જવાબમાં કરવામાં આવી છે. આ પહેલા સોમવારે ઓમાનના દરિયાકાંઠે ઈરાન દ્વારા યુએસ આર્મીનું AH-64 અપાચે હેલિકોપ્ટર તોડી પાડવાની ઘટનાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું.
ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પર આક્રમક વલણ અપનાવતા ચેતવણી આપી છે કે, "જો તમે સુરક્ષિત રહેવા માંગતા હો, તો અમારો પ્રદેશ છોડી દો." બીજી તરફ, યુએસ દળોએ કોઈપણ પ્રકારના ઈરાની આક્રમણનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારી દર્શાવી છે. મધ્ય પૂર્વમાં યુએસ નૌકાદળની કામગીરીનું કેન્દ્ર એવા ફિફ્થ ફ્લીટ હેડક્વાર્ટર પર થયેલો આ હુમલો સંઘર્ષને વધુ ગંભીર બનાવી રહ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૬થી શરૂ થયેલી આ દુશ્મનાવટ હવે કયા વળાંકે જઈને અટકશે, તે અંગે વિશ્વભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
