News of Wednesday, 10th June 2026
નહેરૂના રેકોર્ડને તોડી પીએમ મોદીએ રચ્યો નવો ઈતિહાસ: ભાજપ નેતા રાઘવ ચઢ્ઢાએ સરખામણી કરી કહ્યું– 'આજના અતિ સ્પર્ધાત્મક યુગમાં સતત ૩ ટર્મ મેળવવી અસાધારણ બાબત'
જવાહરલાલ નહેરૂના સતત ૪,૩૯૮ દિવસ વડાપ્રધાન રહેવાના રેકોર્ડને વટાવી નરેન્દ્ર મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા નેતા બન્યા

નવી દિલ્હી : ભારતના રાજકીય ઈતિહાસમાં આજે એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત વડાપ્રધાન પદે રહીને દેશના પ્રથમ પીએમ જવાહરલાલ નહેરૂના સૌથી વધુ દિવસોના ઐતિહાસિક રેકોર્ડને પાછળ છોડી દીધો છે. ૧૦ જૂનના રોજ પીએમ મોદીએ વડાપ્રધાન તરીકે સતત ૪,૩૯૯ દિવસ પૂરા કર્યા છે, જ્યારે નહેરૂનો રેકોર્ડ ૪,૩૯૮ દિવસનો હતો. આ અભૂતપૂર્વ સીમાચિહ્ન પર તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા સાંસદ રાઘવ ચઢ્ઢાએ બંને નેતાઓની રાજકીય સફરની રસપ્રદ સરખામણી કરીને પીએમ મોદીની આ સિદ્ધિને અસાધારણ ગણાવી છે.
રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીને અભિનંદન આપતા લખ્યું કે, ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪ની ચૂંટણીઓમાં મોદીની જીત એ કોઈ સામાન્ય જીત નથી, પરંતુ ભારતના લોકો તરફથી મળેલા ત્રણ સતત જનાદેશ છે, જે દર વખતે જનતાના અતૂટ વિશ્વાસને દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે, આટલા વિશાળ અને વિવિધતાથી ભરેલા દેશનો વિશ્વાસ એકવાર જીતવો પણ મોટી વાત છે, ત્યારે કોઈ પણ બ્રેક વિના સતત ત્રણ વાર જીતવું એ ખરેખર ચમત્કારિક છે.
બંને પ્રધાનમંત્રીઓના શાસનકાળ અને રાજકીય વાતાવરણની સરખામણી કરતા ચઢ્ઢાએ એક બહુ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે દલીલ કરી કે પંડિત નહેરૂએ આઝાદી પછીના પ્રારંભિક દાયકાઓમાં દેશનું નેતૃત્વ કર્યું હતું, જે 'એક-પક્ષીય વર્ચસ્વ'નો યુગ હતો. તે સમયે કોંગ્રેસ સામેનો વિરોધ પક્ષ ખૂબ જ નબળો, યુવાન અને વિભાજિત હતો, જેથી તેમને સત્તા જાળવી રાખવામાં બહુ મોટી મુશ્કેલી નહોતી પડી.
તેની સામે આજના યુગને 'ઘણી વધુ માંગણી કરતી લોકશાહી' ગણાવતા ચઢ્ઢાએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ આજના અત્યંત જટિલ અને સ્પર્ધાત્મક વાતાવરણમાં પોતાની લોકપ્રિયતા સાબિત કરી છે. આજનો યુગ ગઠબંધન રાજકારણ, શક્તિશાળી પ્રાદેશિક પક્ષો અને ઉગ્ર બહુ-પક્ષીય ચૂંટણી સ્પર્ધાઓનો છે. આવા કપરા સમયમાં પણ મોદીએ ૨૦૧૪ અને ૨૦૧૯માં ભાજપને પૂર્ણ બહુમતી અપાવી (જે ૧૯૮૪ પછી કેન્દ્રમાં પ્રથમ વખત બન્યું હતું) અને ૨૦૨૪માં ફરી એનડીએ ગઠબંધનને ભવ્ય વિજય તરફ દોરી ગયા. આટલા ઉગ્ર વિરોધ વચ્ચે સતત જનાદેશ મેળવવો એ ભારતીય લોકશાહીની સૌથી અઘરી સિદ્ધિ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જવાહરલાલ નહેરૂએ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭થી ૨૭ મે, ૧૯૬૪ સુધી લગભગ ૧૭ વર્ષ દેશના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. જો કે, આઝાદી પછીના શરૂઆતના વર્ષોમાં પ્રથમ સામાન્ય ચૂંટણી વર્ષ ૧૯૫૧-૫૨માં યોજાઈ હતી, જે બાદ તેઓ ચૂંટાયેલા પીએમ બન્યા હતા. નહેરૂને ભાગલાની હિંસા, શરણાર્થી કટોકટી અને ગરીબીથી ઝઝૂમતો દેશ વારસામાં મળ્યો હતો.
બીજી તરફ, નરેન્દ્ર મોદીએ ૨૬ મે, ૨૦૧૪ના રોજ પહેલીવાર પીએમ પદના શપથ લીધા હતા અને ત્યારથી તેઓ સતત દેશનું સુકાન સંભાળી રહ્યા છે. રાઘવ ચઢ્ઢાની આ ટિપ્પણીઓ એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે તેઓ થોડા અઠવાડિયા પહેલા જ આમ આદમી પાર્ટી (AAP) અને રાજ્યસભા સભ્યપદ છોડીને ભાજપમાં જોડાયા છે. પીએમ મોદીના આ રેકોર્ડ પર ચઢ્ઢાએ ભારતીય મતદારોની સમજદારીને નમન કર્યા છે અને વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરી છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
