<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

કાશ્મીરી કાર્યકર્તા ખુર્રમ પરવેઝને UAPA કેસમાં હાઈકોર્ટમાંથી મળ્યા જામીન: કોણ છે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર લેડી લોયર સ્વાતી ખન્ના, જેમની દલીલોની દેશભરમાં થઈ રહી છે ચર્ચા?

આતંકી સંગઠનોને સૈન્ય માહિતી આપવાના ગંભીર આરોપો વચ્ચે દિલ્હી હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા, ચુકાદા બાદ મીડિયા સામે આવેલી વકીલ સ્વાતી ખન્નાની લાઈફસ્ટાઈલ અને ડિગ્રીઓ જોઈ લોકો આશ્ચર્યચકિત.

નવી દિલ્હી : કાશ્મીરના જાણીતા માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળના એક અત્યંત સંવેદનશીલ કેસમાં દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા નોંધાયેલા આ કેસમાં હાઈકોર્ટે પરવેઝને જામીન આપ્યા છે. જો કે, આ કાનૂની જંગ જીત્યા બાદ ખુર્રમ પરવેઝ જેટલી જ ચર્ચા તેમની લેડી લોયર એડવોકેટ સ્વાતી ખન્નાની થઈ રહી છે. કોર્ટ રૂમની બહાર મીડિયા સામે આવીને આ કેસ પર પ્રતિક્રિયા આપનાર સ્વાતી ખન્ના હાલ સોશિયલ મીડિયા અને કાનૂની જગતમાં હોટ ટોપિક બન્યા છે.

શું હતો સમગ્ર મામલો અને કોર્ટે શું કહ્યું?

જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ રવિન્દર દુડેજાની બનેલી દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે બુધવારે ખુર્રમ પરવેઝને જામીન આપવાનો આદેશ કર્યો હતો. પરવેઝની વર્ષ 2021 માં દેશની સંવેદનશીલ લશ્કરી માહિતી એકત્રિત કરવા અને તેને પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સુધી પહોંચાડવાના ગંભીર આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે 17 ડિસેમ્બર, 2024 ના રોજ પરવેઝની જામીન અરજી ફગાવી દીધી હતી, જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. હાઈકોર્ટે આ અપીલ સ્વીકારતા કહ્યું, "અમે વિવિધ કડક શરતોને આધીન જામીન મંજૂર કર્યા છે."

ચુકાદા બાદ વકીલ સ્વાતી ખન્નાનું મોટું નિવેદન

કોર્ટના આદેશ બાદ ખુર્રમ પરવેઝ વતી લડી રહેલા વકીલોની ટીમમાંથી એડવોકેટ સ્વાતી ખન્નાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "કોર્ટનો વિગતવાર આદેશ હજુ સત્તાવાર વેબસાઇટ પર અપલોડ થવાનો બાકી છે, તેથી જામીનની ચોક્કસ અને કડક શરતો શું છે તે હજુ જાણી શકાયું નથી." આ સાથે જ તેમણે ખુલાસો કર્યો કે પરવેઝ હાલમાં બે અલગ-અલગ કેસનો સામનો કરી રહ્યા છે. જામીન અને અન્ય કેસમાં આરોપો અંગેની અંતિમ દલીલો પટિયાલા હાઉસ કોર્ટમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ પૂર્ણ થઈ ચૂકી છે.

બ્યુટી વિથ બ્રેઈન: કોણ છે એડવોકેટ સ્વાતી ખન્ના?

આ હાઈ-પ્રોફાઈલ કેસની સફળતા બાદ લોકો ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે કે સ્વાતી ખન્ના કોણ છે? સ્વાતી ખન્ના દિલ્હી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એક અત્યંત પ્રભાવશાળી અને ઉચ્ચ શિક્ષિત વકીલ છે. તેમની શૈક્ષણિક લાયકાત જોઈને કોઈપણ અંજાઈ જાય તેમ છે. તેમણે પ્રતિષ્ઠિત 'લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ' (LSE) માંથી કાયદાની સર્વોચ્ચ ડિગ્રી LLM મેળવી છે. આ પહેલાં તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી LLB અને અર્થશાસ્ત્ર ઓનર્સ (Economics Honors) ની પદવી પણ પ્રાપ્ત કરેલી છે.

કોર્ટમાં ધારદાર દલીલો અને સોશિયલ મીડિયા પર હજારો ફોલોઅર્સ!

સ્વાતી ખન્ના માત્ર કોર્ટના કાળા કોટમાં જ પાવરફુલ દેખાય છે એવું નથી, પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ ખૂબ જ જીવંત અને મોર્ડન લાઈફસ્ટાઈલ જીવે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેમના હજારો ફોલોઅર્સ છે. પોતાના ઈન્સ્ટાગ્રામ બાયોમાં તેમણે લખ્યું છે કે, તેમને નૃત્ય કરવું, ખુલીને હસવું અને સારા હકારાત્મક લોકો સાથે સમય વિતાવવો ખૂબ ગમે છે. સોશિયલ મીડિયા પર તેઓ પોતાની ફુરસદની પળો, ગ્લેમરસ અંદાજ અને અંગત જીવનની સુંદર ઝલક શેર કરતા રહે છે, જેને લોકો ખૂબ પસંદ કરે છે.

હાલમાં, દેશભરની નજર દિલ્હી હાઈકોર્ટના એ વિગતવાર આદેશ પર ટકેલી છે કે, આતંકવાદી કનેક્શનના આટલા ગંભીર કેસમાં કોર્ટે કઈ શરતોના આધારે ખુર્રમ પરવેઝને જેલમાંથી બહાર આવવાની મંજૂરી આપી છે.

(8:33 PM IST)