<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

જ્યારે નોબેલ વિજેતા સી.વી. રમન સામે 'સત્યાગ્રહ' પર બેસી ગઈ હતી એક ભારતીય યુવતી: જાણો વિજ્ઞાનમાં દેશના પ્રથમ મહિલા પીએચડી કમલા સોહોનીની સંઘર્ષગાથા!

"સ્ત્રીઓ સંશોધન માટે યોગ્ય નથી હોતી" તેમ કહી ડૉ. રમને એડમિશન આપવાનો ઇનકાર કર્યો હતો, ઑફિસ બહાર અઠવાડિયા સુધી ભૂખ તરસ ભૂલીને બેસી રહેનાર કમલાએ આખરે ઇતિહાસ રચીને જ દમ લીધો.

બેંગ્લોર : આજથી દાયકાઓ પહેલાં જ્યારે ભારતમાં સ્ત્રીઓ માટે શિક્ષણ મેળવવું પણ એક મોટો પડકાર હતો, ત્યારે એક યુવતીએ વિજ્ઞાનના ક્ષેત્રમાં એવો ઇતિહાસ રચ્યો જેણે પુરુષ પ્રધાન સમાજની માનસિકતાને હચમચાવી દીધી. આ વાર્તા છે કમલા ભાગવત (લગ્ન પછી કમલા સોહોની) ની, જેઓ વિજ્ઞાનના કોઈપણ વિષયમાં ભારત તરફથી પીએચડી (PhD) ની પદવી મેળવનાર પ્રથમ મહિલા બન્યા હતા. પરંતુ, આ સફળતાના શિખર પર પહોંચતા પહેલાં તેમણે દેશના પ્રથમ વૈજ્ઞાનિક નોબેલ પુરસ્કાર વિજેતા સર સી.વી. રમનની કડક શરતો અને રૂઢિચુસ્ત વિચારો સામે મોટી લડત લડવી પડી હતી.

૧૯૩૩ નો એ ઉનાળો અને નોબેલ વિજેતાનો નકાર

વાત વર્ષ ૧૯૩૩ ના ઉનાળાની છે. બોમ્બે યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રી (રસાયણશાસ્ત્ર) માં ફર્સ્ટ ક્લાસ ડિગ્રી મેળવી મેરિટ લિસ્ટમાં ટોચ પર રહેનાર કમલાએ બેંગ્લોર સ્થિત પ્રતિષ્ઠિત 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ' (IISc) માં રિસર્ચ ફેલોશિપ માટે અરજી કરી હતી. તે સમયે આ સંસ્થાના ડિરેક્ટર નોબેલ વિજેતા સર સી.વી. રમન હતા. રમનનું માનવું હતું કે મહિલાઓમાં ગંભીર વૈજ્ઞાનિક સંશોધન કરવાનો સ્વભાવ કે ક્ષમતા હોતી નથી, તેથી તેમણે કમલાની અરજી માત્ર એ કારણે ફગાવી દીધી કે તે એક 'મહિલા' હતી.

જ્યારે યુવતીએ લીધો 'સત્યાગ્રહ' નો માર્ગ

અસ્વીકારનો પત્ર વાંચીને કમલા હિંમત હારવાને બદલે સીધી બેંગ્લોર માટે ટ્રેન પકડીને સી.વી. રમનની ઓફિસે પહોંચી ગઈ. જ્યારે રમન પોતાના નિર્ણય પર અડગ રહ્યા, ત્યારે કમલાએ અનોખો વિરોધ શરૂ કર્યો. તે કોઈપણ શોરબકોર વિના દરરોજ સવારે આવીને સી.વી. રમનની ઓફિસ બહારની બેંચ પર શાંતિથી બેસી રહેતી. અઠવાડિયા સુધી ચાલેલા આ મૌન સત્યાગ્રહે આખરે નોબેલ વિજેતાને નમવા પર મજબૂર કર્યા.

અપમાનજનક શરતો છતાં ૯ મહિનામાં કરી બતાવ્યું કામ!

સર સી.વી. રમને કમલાને સંસ્થામાં પ્રવેશ તો આપ્યો, પરંતુ અત્યંત અપમાનજનક શરતો સાથે. કમલાને એક વર્ષ માટે પ્રોબેશન પર રાખવામાં આવી, તેમને નિયમિત વિદ્યાર્થીનો દરજ્જો ન મળ્યો, અને સૌથી આકરી શરત એ હતી કે તેમણે પુરુષ વિદ્યાર્થીઓનું ધ્યાન ન ભટકે તે માટે તેઓ લેબમાંથી જતા રહે તે પછી મોડી રાત સુધી એકલા કામ કરવાનું હતું. કમલાએ આ અદ્રશ્ય રહેવાની શરત પણ સ્વીકારી અને જે કામ માટે એક વર્ષનો સમય મળ્યો હતો, તે માત્ર ૯ મહિનામાં જ પૂરું કરીને પોતાની ક્ષમતા સાબિત કરી બતાવી.

કેમ્બ્રિજથી પીએચડી અને 'નીરા' પર ઐતિહાસિક સંશોધન

બેંગ્લોર પછી કમલા કેમ્બ્રિજ યુનિવર્સિટી ગયા, જ્યાં તેમણે માત્ર ૧૪ મહિનામાં પ્લાન્ટ ટિશ્યુ પર પોતાનો પીએચડીનો થીસીસ પૂરો કર્યો. ૧૯૩૯ માં ભારત પરત ફર્યા બાદ તેમણે ન્યુટ્રિશન રિસર્ચ લેબોરેટરી અને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના પ્રથમ મહિલા ડિરેક્ટર તરીકે સેવા આપી. તેમનું સૌથી મોટું યોગદાન 'નીરા' (તાડના ઝાડનો આથો વગરનો રસ) પરનું સંશોધન હતું. તેમણે સાબિત કર્યું કે નીરામાં વિટામિન એ, સી અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. આ સસ્તું પીણું કુપોષિત આદિવાસી બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયું, જેના માટે તેમને રાષ્ટ્રપતિ પુરસ્કારથી પણ સન્માનિત કરાયા હતા.

કમલા સોહોનીના આ જ અડગ મનોબળને કારણે સર સી.વી. રમનને પણ પોતાની ભૂલ સમજાઈ અને તેમણે જીવનના ઉત્તરાર્ધમાં IISc માં મહિલાઓને નિયમિત પ્રવેશ આપવાનું શરૂ કર્યું. વર્ષ ૧૯૯૮ માં આ મહાન મહિલા વૈજ્ઞાનિકનું અવસાન થયું, પરંતુ તેમની વાર્તા આજે પણ દેશની લાખો દીકરીઓને બંધ દરવાજા તોડીને આગળ વધવાની પ્રેરણા આપે છે.

(8:52 PM IST)