News of Wednesday, 10th June 2026
NEET પેપર લીક વિવાદથી હચમચી ગયેલી સિસ્ટમ: સંસદીય પેનલનો મોટો આદેશ - "ભૂલ તંત્રની તો વિદ્યાર્થીઓ પોતાનું આખું વર્ષ કેમ બગાડે?"
વર્ષમાં ૨ થી ૩ વખત NEET પરીક્ષા લેવા માટે સાંસદોનું જોરદાર સમર્થન, હવે પેપર લીક માફિયાઓ પર લગામ કસવા માટે ટૂંક સમયમાં જ ઓનલાઈન કોમ્પ્યુટર ટેસ્ટ (CBT) લાવવાની તૈયારી!

નવી દિલ્હી : દેશભરના લાખો મેડિકલ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી NEET પરીક્ષામાં વારંવાર થતા પેપર લીક વિવાદને લઈને સંસદીય પેનલે કડક વલણ અપનાવ્યું છે. બુધવારે મળેલી એક હાઈ-લેવલ બેઠકમાં સાંસદોએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને નેશનલ મેડિકલ કમિશન (NMC) ના ઉચ્ચ અધિકારીઓની આકરી ઝાટકણી કાઢી હતી. સંસદીય સ્થાયી સમિતિએ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને માનસિક હિતોની રક્ષા કરવા માટે એક વર્ષમાં બે થી ત્રણ વખત NEET પરીક્ષા યોજવાની જોરદાર ભલામણ કરી છે, જેને વ્યાપક સમર્થન મળ્યું છે.
જવાબદારી કોની? સાંસદોએ અધિકારીઓને લીધા આડે હાથ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ અંગેની સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ હાજર થયેલા અધિકારીઓએ સ્વીકાર્યું કે ગુનાહિત ઇરાદો અને "ભ્રષ્ટ માનસિકતા" ધરાવતા તત્વોને કારણે પેપર સાથે ચેડા થયા હતા. જોકે, સાંસદો આ જવાબથી સંતુષ્ટ નહોતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે વર્ષ ૨૦૨૪ અને હવે ૨૦૨૬ માં પણ સમાન પ્રકારની ઘટનાઓ કેમ પુનરાવર્તિત થઈ? વહીવટી તંત્રની આ લાપરવાહી અને સુરક્ષામાં ભંગ માટે આખરે કોને જવાબદાર ઠેરવવા જોઈએ અને દોષિતોને કેમ એવી કડક સજા નથી મળતી જેથી ભવિષ્યમાં કોઈ આવું કરવાનું વિચારી પણ ન શકે!
વર્ષમાં ૨-૩ વખત પરીક્ષા: વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત
બેઠક દરમિયાન સાંસદોએ દલીલ કરી હતી કે જ્યારે સિસ્ટમની ખામી કે અનિયમિતતાને કારણે પરીક્ષા રદ થાય છે, ત્યારે વિદ્યાર્થીઓનો કોઈ વાંક ન હોવા છતાં તેમનું આખું શૈક્ષણિક વર્ષ બરબાદ થઈ જાય છે. આનાથી વિદ્યાર્થીઓ પર ભારે માનસિક દબાણ આવે છે. તેથી, વહીવટી ખામીઓનો ભોગ બનેલા તેજસ્વી વિદ્યાર્થીઓને બચાવવા માટે વર્ષમાં ઓછામાં ઓછી બે કે ત્રણ વખત NEET નું આયોજન કરવું જોઈએ. પેનલના તમામ સભ્યોએ આ વાત પર સહમતિ દર્શાવી હતી કે "વિદ્યાર્થીઓએ કોઈપણ સંજોગોમાં એક વર્ષ ગુમાવવું ન જોઈએ."
હવે ઓનલાઈન ટેસ્ટ (CBT) ની તૈયારી, પણ ગ્રામીણ ક્ષેત્રો માટે ચિંતા
વારંવાર પેપર લીક થવાની સમસ્યામાંથી કાયમી છુટકારો મેળવવા માટે અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેઓ આગામી પરીક્ષા ચક્રથી NEET ને કોમ્પ્યુટર-આધારિત પરીક્ષા (CBT) ફોર્મેટમાં બદલવાનું વિચારી રહ્યા છે. જોકે, સંસદીય પેનલે આ સ્થાનાંતરણ સામે કેટલાક પડકારો પણ રજૂ કર્યા છે. ખાસ કરીને ગ્રામીણ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને કમ્પ્યુટર ટેસ્ટમાં સમાન તક મળશે કે નહીં, દેશમાં પૂરતા પ્રમાણમાં સુરક્ષિત ઓનલાઈન પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે નહીં, અને પ્રાદેશિક ભાષાઓમાં પેપર ઉપલબ્ધ કરાવવા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
૨૧ જૂને યોજાશે પુનઃપરીક્ષા
NTA અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે પેપર લીક થયાના ચાર દિવસ પછી તેમને આ અંગે પુરાવા મળ્યા હતા, જેના કારણે પરીક્ષા રદ કરવાનો કઠોર નિર્ણય લેવો પડ્યો હતો. હવે આગામી ૨૧ જૂનના રોજ NEET-UG ની પુનઃપરીક્ષા (Re-exam) યોજાવા જઈ રહી છે, જેના ચુસ્ત આયોજન અને સુરક્ષા પ્રોટોકોલ અંગે પણ આ બેઠકમાં વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. હાલમાં, સરકાર સિસ્ટમની તમામ છટકબારીઓ બંધ કરવા માટે કાનૂની અને ટેકનિકલ સુધારાઓ તરફ આગળ વધી રહી છે.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
