<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

ફાસ્ટેગ સ્કેનર બગડી જાય તો ટોલ ચૂકવવાની જરૂર નથી, જાણો હાઇવે મુસાફરીના મહત્વના નવા નિયમો : જૂઓ વિડીયો

રિસીપ્ટ સાચવવાથી મફત ટોઇંગ અને મેડિકલ સહાય મળશે, જાણો ૧૫ નવેમ્બરથી અમલમાં આવેલા નવા યુપીઆઇ પેમેન્ટના નિયમો

રાજકોટ: તાજેતરમાં વાયરલ થયેલા એક વિડીયોમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ) ના ટોલ પ્લાઝા અને ફાસ્ટેગ સંબંધિત અત્યંત ફાયદાકારક નિયમોની જાણકારી સામે આવી છે.
જો તમારી કારમાં વેલિડ અને પૂરતા બેલેન્સ વાળો ફાસ્ટેગ લાગેલો હોય, પરંતુ ટોલ પ્લાઝા પરનું મશીન તેને સ્કેન ન કરી શકે, તો તમારે રોકડ રકમ ચૂકવવાની બિલકુલ જરૂર નથી. આવા કિસ્સામાં તમે વિનામૂલ્યે પસાર થઈ શકો છો. 
૧૫ નવેમ્બર ૨૦૨૫ થી લાગુ થયેલા નવા નિયમ મુજબ ફાસ્ટેગ વિનાના વાહન ચાલકો જો રોકડને બદલે યુપીઆઇ પેમેન્ટ કરશે તો તેમને બમણાને બદલે માત્ર સવા ગણો (૧.૨૫) ટોલ ટેક્સ જ ચૂકવવો પડશે.
વધુમાં, ટોલની પહોંચ (રિસીપ્ટ) સાચવી રાખવી અત્યંત જરૂરી છે. હાઇવે પર કાર બગડી જાય, ઈંધણ પૂરું થઈ જાય કે અકસ્માત સર્જાય ત્યારે આ રિસીપ્ટના આધારે ટોલ કંપની પાસેથી ફ્રી ટોઇંગ, મેડિકલ સહાય અને પેટ્રોલની સુવિધા મેળવવાનો નાગરિકોને કાયદેસરનો અધિકાર છે.
ટોલ ટેક્સના નિયમો ખરેખર સામાન્ય નાગરિકોની સુવિધા અને સુરક્ષા માટે જ બનાવવામાં આવ્યા છે. વિડીયોમાં એન્કર દ્વારા જણાવ્યા અનુસાર, નેશનલ હાઇવે પર મુસાફરી કરતી વખતે તમારી પાસે રહેલી ટોલ ટેક્સની રિસીપ્ટ એક સુરક્ષા કવચ સમાન છે. જો રસ્તામાં તમારી કાર ખોટકાઈ જાય, તો રિસીપ્ટ પાછળ આપેલા નંબર પર અથવા ૧૦૩૩ હેલ્પલાઇન પર કોલ કરવાથી ટોલ કંપનીની ફરજ બને છે કે તેઓ તમારી કારને સલામત સ્થળે ટોઇંગ કરી જાય. આ ઉપરાંત રસ્તાની ખરાબ હાલતના કારણે અકસ્માતની સ્થિતિ સર્જાય તો મેડિકલ ખર્ચ ઉઠાવવાની અને ઈમરજન્સીમાં પેટ્રોલ પંપ સુધી પહોંચવા ઈંધણની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ સંબંધિત ટોલ ઓપરેટરની રહે છે.
બીજો એક મોટો આર્થિક ફાયદો એ છે કે જો તમે ૨૪ કલાકની અંદર એ જ રૂટ પર પરત ફરો છો અને તમારી પાસે વેલિડ ફાસ્ટેગ છે, તો તમને ટોલ ટેક્સમાં સીધી ૨૫ ટકાની તગડી છૂટ મળે છે.
સરકારે ડિજિટલ પેમેન્ટને વેગ આપવા ૧૫ નવેમ્બર ૨૦૨૫ થી નવો અને મહત્વનો નિયમ બનાવ્યો છે. જેમાં ફાસ્ટેગ ન ધરાવતા વાહનો માટે રોકડમાં બમણો ટોલ દંડ યથાવત છે, પરંતુ જો તેઓ ઓનલાઇન યુપીઆઇ માધ્યમથી પેમેન્ટ કરે તો રાહત આપીને માત્ર ૧.૨૫ ગણો જ ચાર્જ વસૂલવામાં આવશે.
ભારત સરકારના હાઇવે નિયમો મુજબ કેટલીક ખાસ ઇમરજન્સી અને વીઆઇપી કેટેગરીને ટોલમાંથી સંપૂર્ણ મુક્તિ અપાઈ છે. જેમાં એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, શબવાહિની, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રાજ્યપાલના વાહનોનો સમાવેશ થાય છે. 
આ ઉપરાંત દેશના સર્વોચ્ચ શૌર્ય પુરસ્કારો જેવા કે અશોક ચક્ર, મહાવીર ચક્ર અને પરમવીર ચક્ર વિજેતાઓને પણ આજીવન ટોલ ભરવાનો રહેતો નથી. ફરજ પરના લશ્કરી અને પોલીસ જવાનો પણ આ નિયમનો લાભ લઈ શકે છે. 
જે લોકો ટોલ પ્લાઝાની આસપાસ ૨૦ કિલોમીટરના વિસ્તારમાં રહે છે, તેઓ માટે સરકાર દ્વારા સસ્તા દરના વિશેષ માસિક પાસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

(11:41 PM IST)