<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

"અમે હારનારાઓ સામે લડવાથી ડરતા નથી": ઈરાનની અમેરિકાને ખુલ્લી ધમકી

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન સૈનિકોની ખુવારીનો આંકડો છુપાવી રહ્યા છે, હકીકતમાં નુકસાન ઘણું વધારે છે: ઈબ્રાહીમ અઝીઝી: જો હવે યુદ્ધ ભડકશે તો તે માત્ર મધ્ય-પૂર્વના વિસ્તાર પૂરતું સીમિત નહીં રહે, દુનિયા જોશે કે આગળ શું થાય છે

તહેરાન: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ અને સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાનના ટોચના નેતા અને સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના વડા ઈબ્રાહીમ અઝીઝીએ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનને સીધી ચેતવણી આપી છે. અઝીઝીએ દાવો કર્યો છે કે અમેરિકન સૈનિકોના જાનમાલનું નુકસાન અમેરિકન રાષ્ટ્રપતિ જણાવી રહ્યા છે તેના કરતા અનેકગણું વધુ છે અને આ આંકડો હજુ પણ વધશે.
અમેરિકા અને ઈરાન વચ્ચેનો ટકરાવ હવે અત્યંત ભયજનક સપાટીએ પહોંચી રહ્યો છે. ઈરાનની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના વડા ઈબ્રાહીમ અઝીઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ.કોમ' પર એક ઉશ્કેરણીજનક નિવેદન જારી કરીને અમેરિકાની ઊંઘ હરામ કરી દીધી છે.
ઈબ્રાહીમ અઝીઝીએ પોતાના સત્તાવાર એકાઉન્ટ 'ઈબ્રાહીમઅઝીઝી૩૩' પરથી સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, "અમે હારનારાઓ સાથે લડવાથી સહેજ પણ ડરતા નથી. અમેરિકન જાનહાનિ અને સૈનિકોની ખુવારીની સંખ્યા ડોનાલ્ડ ટ્રમ્પ જે આંકડાઓ આપી રહ્યા છે તેના કરતા ઘણી વધારે છે, અને આ આંકડો હજુ વધશે."
વધુમાં, અઝીઝીએ અત્યંત ગંભીર ઈશારો કરતા જણાવ્યું છે કે, "આ વખતે યુદ્ધ માત્ર કોઈ એક પ્રદેશ કે વિસ્તાર પૂરતું સીમિત નહીં રહે. આપણે જોઈશું કે હવે આગળ શું થાય છે!" ઈરાનના આ નિવેદનથી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે. 
અઝીઝીનો આ સીધો હુમલો એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથેની સમજૂતી અને હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ ઓછો કરવા અંગે દાવાઓ કરી રહ્યા છે.
જાણકારોના મતે ઈરાન હવે અમેરિકન લશ્કરી મથકો પર થયેલા હુમલા અને તેના પરિણામો છુપાવવા બદલ અમેરિકાને ભીંસમાં લઈ રહ્યું છે. આ વિવાદ સ્પષ્ટ દર્શાવે છે કે બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા શમ્યા નથી અને આગામી સમયમાં વિશ્વ એક મોટી લશ્કરી અથડામણનું સાક્ષી બની શકે છે.

(12:40 AM IST)