હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લંડનમાં ભારતીય મૂળના એક સમૃદ્ધ પરિવારનો કરૂણ અંત : 36મા માળેથી પટકાતા એક દંપતી અને તેના 9 વર્ષના માસૂમ પુત્રનું મોત
આ દંપતી મૂળ ભારતનું હતું અને 2000 ના દાયકાની શરૂઆતમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ યુકે સ્થાયી થયું હતું: પુત્ર જન્મથી જ ગંભીર બીમારીઓથી પીડાતો હતો

લંડનના એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીય મૂળના એક સમૃદ્ધ પરિવારનો કરૂણ અંત આવતા વિદેશમાં વસતા ભારતીય સમુદાયમાં શોકની લહેર ફરી વળી છે. દક્ષિણ લંડનના એલિફન્ટ એન્ડ કેસલ વિસ્તારમાં આવેલા 45 માળના હાઈપોઈન્ટ ટાવરના 36મા માળેથી પટકાતા એક દંપતી અને તેમના 9 વર્ષના માસૂમ પુત્રનું મોત નીપજ્યું છે. પોલીસ હાલમાં આ ઘટનાને હત્યા છે કે આત્મહત્યા તે દ્રષ્ટિકોણથી તપાસી રહી છે.
મળેલી માહિતી મુજબ મૃતકોની ઓળખ 47 વર્ષીય રાકેશ પાઈ જેઓ મિત્રોમાં રોબિન તરીકે ઓળખાતા હતા. 46 વર્ષીય અદિતિ પારલકર અને તેમના 9 વર્ષના પુત્ર સિદ તરીકે થઈ છે. આ દંપતી મૂળ ભારતનું હતું અને 2000 ના દાયકાની શરૂઆતમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ યુકે સ્થાયી થયું હતું. રાકેશ ફાઈનાન્સ ક્ષેત્રે કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત હતા, જ્યારે અદિતિ કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં વરિષ્ઠ હોદ્દા પર હતી. તેઓ પોતાનો કન્સલ્ટન્સી બિઝનેસ ચલાવતા હતા અને આર્થિક રીતે ખૂબ જ સુખી હતા.
આ કરૂણ ઘટના પાછળ તેમનો પુત્ર સિદ હોવાનું માનવામાં આવે છે. સિદ જન્મથી જ ગંભીર બીમારીઓથી પીડાતો હતો. તે અંશતઃ વિકલાંગ હતો, કિડનીની બીમારીથી પીડાતો હતો અને બોલી શકવાની ક્ષમતા ધરાવતો નહોતો. તે ગંભીર લર્નિંગ ડિફિકલ્ટીઝનો પણ સામનો કરી રહ્યો હતો. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ, સિદને સારવાર માટે નકાર ભણવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી, જેનાથી દંપતી સંપૂર્ણપણે ભાંગી પડ્યું હતું.
અદિતિ પોતાના પુત્રની સ્થિતિને લઈને લાંબા સમયથી ડિપ્રેશનનો શિકાર હતી. યુકેમાં તેમનું કોઈ નજીકનું સંબંધી ન હોવાથી અને સાથે જ જવાબદારીભરી નોકરી હોવાથી તેના પર કામ અને ઘરનું ભારે દબાણ હતું. આ પરિવાર 2020 માં સિદની વિશેષ સારવાર માટે ભારત પણ આવ્યો હતો, પરંતુ સ્વાસ્થ્યમાં કોઈ સુધારો ન જણાતા તેઓ 2025 માં લંડન પરત ફર્યા હતા. પડોશીઓએ પોલીસને જણાવ્યું હતું કે ઘટનાના અઠવાડિયા પહેલા તેમના એપાર્ટમેન્ટમાંથી ચીસો પાડવાનો અવાજ આવતો હતો.
27 મે ના રોજ સવારે 7:29 વાગ્યે બનેલી આ ઘટના બાદ મેટ્રોપોલિટન પોલીસે તપાસ તેજ કરી છે. સ્થાનિક સાંસદ નીલ કોયલે જણાવ્યું હતું કે પોલીસનું માનવું છે કે બાળકની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓએ જ આ 'ભયાનક નિર્ણય' લેવા માટે દબાણ કર્યું હશે. જોકે, દંપતીના કેટલાક મિત્રો આ વાત માનવા તૈયાર નથી. તેમના મતે અદિતિ સંઘર્ષ કરી રહી હતી પણ રાકેશ ખૂબ જ શાંત અને સ્થિર વ્યક્તિ હતો જે બધું સારી રીતે સંભાળી રહ્યો હતો. હાલમાં આ મામલે ઈનક્વેસ્ટ ચાલી રહી છે જેથી સત્ય બહાર આવી શકે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
