<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

અમરનાથ યાત્રાની સુરક્ષાનો મુખ્ય ભાર ફરી એકવાર સીઆરપીએફના જવાનોના મજબૂત ખભા પર મુકાયો

લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જમ્મુ કાશ્મીરમાં આધુનિક ડ્રોન અને સીસીટીવી સાથે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં ૩ જુલાઈ થી શરૂ થઈ રહેલ આગામી પવિત્ર અમરનાથ યાત્રાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા માટે સુરક્ષાનો સંપૂર્ણ હવાલો સીઆરપીએફને સોંપવામાં આવ્યો છે. આતંકવાદી ધમકીઓને પગલે પવિત્ર ગુફા સુધી સઘન ચેકિંગ, ડ્રોન સર્વેલન્સ અને સીસીટીવી નેટવર્ક ગોઠવી દેવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ૭૪ જેટલી વધારાની સશસ્ત્ર કંપનીઓ તૈનાત કરવામાં આવશે.

 

દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમાન પવિત્ર અમરનાથ યાત્રાની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ એટલે કે સીઆરપીએફના હવાલે કરવામાં આવી છે. દેશભરમાંથી આવતા લાખો શિવભક્તોને કોઈ આંચ ન આવે અને યાત્રા નિર્વિઘ્ને પાર પડે તે માટે જવાનો દ્વારા ભગીરથ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. ભૂતકાળમાં આતંકી સંગઠનો દ્વારા મળેલી ધમકીઓને ધ્યાનમાં રાખીને સીઆરપીએફ માટે આ કોઈ ઔપચારિક ફરજ નથી, પરંતુ એક મોટો અને જોખમી પડકાર છે.

 

વાર્ષિક અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલા જ સીઆરપીએફ દ્વારા સમગ્ર જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરોધી ઓપરેશન અને સુરક્ષાના પગલાં અત્યંત તેજ કરી દેવામાં આવ્યા છે. હાલમાં જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફની ૧૦૦ જેટલી કંપનીઓ પહેલેથી જ કાર્યરત છે, ત્યારે યાત્રાના મોરચે અન્ય રાજ્યોમાંથી રિઝર્વ ક્વોટા હેઠળ વધુ ૭૪ જેટલી વધારાની કંપનીઓને તૈનાત કરવાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

 

યાત્રાના બંને મુખ્ય માર્ગો, પહલગામ અને બાલટાલ રૂટ પર આધુનિક સુરક્ષા ગ્રીડ તૈયાર કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને અન્ય ગુપ્તચર એજન્સીઓના સંકલન સાથે રૂટ સેનિટાઈઝેશન અને ઘનિષ્ઠ પેટ્રોલિંગ શરૂ કરાયું છે. પહાડી વિસ્તારોમાં કોઈપણ સંભવિત ખતરાને નિષ્ક્રિય કરવા માટે અત્યાધુનિક સર્વેલન્સ સાધનો, ડ્રોન કેમેરા, સીસીટીવી નેટવર્ક અને ક્વિક રિસ્પોન્સ ટીમનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

 

સીઆરપીએફના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, જમ્મુ શહેરમાં યાત્રિકોના બેઝ કેમ્પ અને રોકાણના સ્થળોની સુરક્ષાની સાથે સાથે જમ્મુથી પહલગામ અને બાલટાલ સુધીના વાહનોના કાફલાને એસ્કોર્ટ કરવાની સૌથી મોટી અને અઘરી જવાબદારી પણ તેમના શિરે છે. 

 

શ્રદ્ધાળુઓથી ભરેલા વાહનોના કાફલાને જવાહર ટનલ સુધી સુરક્ષિત પહોંચાડવા અને ત્યાંથી યાત્રા પૂરી કરીને પરત ફરતા જથ્થાને પાછા લાવવા માટે જવાનો રાત દિવસ એક કરી રહ્યા છે.

 

(2:08 PM IST)