ભીષણ ગરમીથી ત્રસ્ત લોકો માટે સ્વર્ગ સમાન બન્યો લદ્દાખનો બર્ફીલો રણપ્રદેશ, પ્રવાસીઓની ભીડના તમામ રેકોર્ડ તૂટ્યા
મિની તિબેટ તરીકે ઓળખાતા લદ્દાખના પહાડો, બૌદ્ધ મઠો અને પેંગોંગ તળાવની સુંદરતા માણવા પર્યટકોનો ભારે ધસારો

લેહ: સમગ્ર દેશમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે ઠંડક મેળવવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં લદ્દાખ તરફ વળી રહ્યા છે. ૯૦૦૦ થી ૨૫૧૭૦ ફૂટની ભયાનક ઊંચાઈએ આવેલા આ બર્ફીલા રણપ્રદેશમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. લદ્દાખના પ્રાચીન મહેલો, ઐતિહાસિક બૌદ્ધ મઠો અને રમણીય પેંગોંગ લેક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
હાલમાં સમગ્ર દેશમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને સામાન્ય નાગરિકો કાળઝાળ ગરમીથી બેહાલ થઈ ગયા છે. આવા સમયે ધરતી પર સ્વર્ગ સમાન અને શાંતિની અનુભૂતિ કરાવતા લદ્દાખના બર્ફીલા રણપ્રદેશમાં પ્રવાસીઓનો મહેરામણ ઉમટી પડ્યો છે.
હિમાલય અને કારાકોરમ પર્વતમાળાઓથી ઘેરાયેલું અને સમુદ્ર સપાટીથી ૯,૦૦૦ થી ૨૫,૧૭૦ ફૂટની ઊંચાઈ પર આવેલું લદ્દાખ હાલ દેશ અને દુનિયાના પર્યટકોથી ઉભરાઈ રહ્યું છે. પ્રવાસીઓની વધતી જતી ભીડને કારણે સ્થાનિક વેપારીઓ અને પ્રવાસન ઉદ્યોગમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
વર્ષ ૧૯૭૪ માં પહેલીવાર પ્રવાસીઓ માટે ખોલવામાં આવેલ લદ્દાખને તેની અદભુત સંસ્કૃતિને કારણે 'મિની તિબેટ' પણ કહેવામાં આવે છે. લદ્દાખના મુખ્ય શહેર લેહમાં આવેલો ૧૭ મી સદીનો નવમાળનો ઐતિહાસિક લેહ પેલેસ અને ૧૮૨૫ માં બનેલો સ્ટોક પેલેસ મ્યુઝિયમ ભૂતકાળની ભવ્યતાની યાદ અપાવે છે. અહીં મ્યુઝિયમમાં રાખવામાં આવેલા પ્રાચીન અને કિંમતી આભૂષણો, પારંપરિક વસ્ત્રો અને સોના તથા તાંબાના પતરા ચઢાવેલી ભગવાન બુદ્ધની અત્યંત આકર્ષક પ્રતિમાઓ પ્રવાસીઓના મન મોહી લે છે.
દુનિયાનું સૌથી ઊંચાઈ પર આવેલું ખારા પાણીનું પેંગોંગ તળાવ તેના વાદળી રંગના પાણીથી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. અહીંના પહાડો પર બનેલા અને હવામાં લટકતા હોય તેવા લાગતા પ્રાચીન બૌદ્ધ મઠો, નામગ્યાલ ગોમ્પા અને આકાશને આંબતા સ્તૂપો લદ્દાખની ધાર્મિક ઓળખ ઊભી કરે છે.
લદ્દાખનું વાતાવરણ અત્યારે અત્યંત આહલાદક છે. આકરા તાપમાં અહીંની હિમનદીઓ, ઠંડા પવનો, રેતીના ઢૂવા અને સ્વચ્છ આકાશ પ્રવાસીઓને વાસ્તવિકતાથી દૂર એક નવી જ દુનિયાનો અહેસાસ કરાવે છે.
પ્રકૃતિ પ્રેમીઓની સાથે સાથે લદ્દાખ રમતગમતના શોખીનો માટે પણ ઉત્તમ અને રોમાંચક સ્થળ છે. અહીં ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન આઈસ હોકીની મજા માણી શકાય છે. આ ઉપરાંત ૧૭ મી સદીથી રમાતી પોલો અને તીરંદાજી અહીંની સ્થાનિક પારંપરિક રમતો છે.
લદ્દાખ તેના અનોખા વન્યજીવન માટે પણ જાણીતું છે, જ્યાં અત્યંત દુર્લભ પ્રજાતિના પક્ષીઓ અને જંગલી પ્રાણીઓ જોવા મળે છે. મે થી ઓક્ટોબરનો સમય લદ્દાખની મુલાકાત લેવા માટે અને કુદરતી સૌંદર્ય માણવા માટે સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
