<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

શું ૨૦૩૦ સુધીમાં અડધાથી વધુ મહિલાઓ રહેશે સિંગલ?

મોર્ગન સ્‍ટેનલીના ઈકોનોમિસ્‍ટ્‍સની ચોંકાવનારી ભવિષ્‍યવાણીઃ ૨૦૩૦ સુધીમાં દુનિયાની અડધાથી વધુ મહિલાઓ લગ્ન અને બાળકના બદલે કુંવારી રહેવાનું પસંદ કરશે : શું હવે મહિલાઓ લગ્ન અને બાળકો નથી ઈચ્‍છતી? શું હવે તેમને સિંગલ રહેવું જ ગમે છે? આ માત્ર સવાલો નથી, પરંતુ એક ચિંતાનો વિષય છે

નવી દિલ્‍હી,તા.૧૧: મોર્ગન સ્‍ટેનલીના ઈકોનોમિસ્‍ટ્‍સે એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં એવો અંદાજ લગાવવામાં આવ્‍યો છે કે અમેરિકામાં ૨૫થી ૪૪ વર્ષની ઉંમરની આશરે ૪૫ ટકા મહિલાઓ અપરિણિત અને બાળકો વગર જીવન જીવવા માગે છે. રિપોર્ટ અનુસાર, મહિલાઓ હવે કરિયર, વ્‍યક્‍તિગત સ્‍વતંત્રતા અને આર્થિક મજબૂતીને લગ્ન તેમજ માતૃત્‍વ કરતાં વધુ મહત્‍વ આપી રહી છે. છેલ્‍લા કેટલાક દાયકાઓમાં લગ્નની ઉંમર વધી છે, ડેટિગ કલ્‍ચર બદલાયું છે અને ઘણી મહિલાઓ જાણીજોઈને સિગલ રહેવાનું પસંદ કરી રહી છે. મોર્ગન સ્‍ટેનલીના વિશ્‍લેષકોનું કહેવું છે કે આ ટ્રેન્‍ડ માત્ર અમેરિકા પૂરતો સીમિત નહીં રહે, પરંતુ વિકસિત અને વિકાસશીલ દેશોમાં પણ ઝડપથી ફેલાશે. ભારતમાં પણ આ બદલાવ સાફ નજરે પડશે.

મોટા શહેરોમાં કામ કરતી યુવા મહિલાઓ મોડેથી લગ્ન કરી રહી છે અથવા તેમને લગ્ન કરવા જ નથી. શું શિક્ષણ, નોકરી અને આત્‍મનિર્ભરતાએ તેમને સશક્‍ત બનાવી છે? તેઓ હવે પત્‍ની અને માતા બનવાના બદલે પોતાની જાતને પ્રાથમિકતા આપી રહી છે. સ્‍ટેનલીના રિપોર્ટમાં ઘણા કારણો જણાવવામાં આવ્‍યા છે. સૌથી મોટું કારણ મહિલાઓની વધતી આર્થિક સ્‍વતંત્રતા છે. જ્‍યારે મહિલાઓ પોતે કમાઈને સારું જીવન જીવી શકે છે ત્‍યારે તેઓ લગ્નને મજબૂરી નથી માનતી. બીજું કારણ કરિયર છે. હાઈ લેવલ જોબ્‍સ, બિઝનેસ અને કામના લાંબા કલાકોને લગ્ન તેમજ બાળકો સાથે બેલેન્‍સ કરવું મુશ્‍કેલ બની રહ્યું છે. ત્રીજું મોટું કારણ સોશિયલ મીડિયા અને ડેટિગ એપ્‍સનો પ્રભાવ છે. આજકાલ રિલેશનશિપ સરળતાથી શરૂ થઈ જાય છે, પરંતુ તેમાંથી મોટાભાગના રિલેશન લાંબા સમય સુધી ટકતા નથી. ઘણી મહિલાઓ કહી રહી છે કે લગ્ન પછી આઝાદી છીનવાઈ જાય છે. સાથે જ મેન્‍ટલ હેલ્‍થ, ટોક્‍સિક રિલેશનશિપ અને ડિવોર્સના વધતા મામલાઓના કારણે પણ યુવા પેઢી ઘણી હદ સુધી ડરેલી છે.

સ્‍ટેનલીના રિપોર્ટ મુજબ આ ટ્રેન્‍ડની અર્થવ્‍યવસ્‍થા પર ઊંડી અસર પડશે. બાળકો ઓછા થવાથી પોપ્‍યુલેશન ગ્રોથ અટકી જશે, સ્‍કૂલ-કોલેજો ખાલી થઈ જશે, રિયલ એસ્‍ટેટમાં ફેમિલી હોમ્‍સની ડિમાન્‍ડ ઘટશે અને બ્‍યુટી, ટ્રાવેલ, ફિટનેસ જેવી ઈન્‍ડસ્‍ટ્રીઝને ફાયદો થશે. કારણ કે સિગલ મહિલાઓ વધુ ખર્ચ કરે છે. મોર્ગન સ્‍ટેનલીએ ચેતવણી આપી છે કે કંપનીઓએ હવે પોતાની પોલિસી બદલવી પડશે. મહિલાઓ માટે વધુ સારું વર્ક-લાઈફ બેલેન્‍સ, ચાઈલ્‍ડ કેર સપોર્ટ અને ફલેક્‍સિબલ ટાઈમિગ આપવા પડશે, નહીં તો ટેલેન્‍ટ રિટેન કરવું મુશ્‍કેલ બની જશે.

ભારતીય કોન્‍ટેક્‍સમાં જોઈએ તો શહેરી મહિલાઓમાં ૩૦ની ઉંમર પછી લગ્ન કરવાનો ટ્રેન્‍ડ વધી રહ્યો છે. ઘણી મહિલાઓ ૩૫-૪૦ વર્ષની ઉંમરે પણ માતા બનવાથી ખચકાટ અનુભવી રહી છે. IVF અને ફ્રીઝિગ એગ્‍સ જેવા વિકલ્‍પો વધી રહ્યા છે, પરંતુ આ મોંઘા છે. ગ્રામીણ વિસ્‍તારોમાં હજુ પણ પરંપરાગત વિચારસરણી છે, પરંતુ શહેરોમાં આ બદલાવ વધી રહ્યો છે. આ બાબતે એક્‍સપર્ટ્‍સનું કહેવું છે કે આ બદલાવ સકારાત્‍મક છે. મહિલાઓ મજબૂરીમાં નહીં પરંતુ પોતાની મરજીથી નિર્ણય લે છે ત્‍યારે તેમનું આત્‍મસન્‍માન વધે છે, પરંતુ આનાથી સમાજમાં પરિવારનું માળખું બદલાઈ રહ્યું છે. જોઈન્‍ટ ફેમિલી તૂટી રહી છે, એકલતા વધી રહી છે અને વૃદ્ધ માતા-પિતાની સંભાળ કોણ રાખશે, એ સવાલ પણ ઊભો થઈ રહ્યો છે. કેટલાક દેશોમાં સરકારો આ સમસ્‍યાનો સામનો કરી રહી છે. જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપીયન દેશોમાં બર્થ રેટ ખૂબ ઓછો થઈ ગયો છે. તેને વધારવા માટે બેબી બોનસ, મેટરનિટી લીવ અને હાઉસિગ સપોર્ટ આપવામાં આવી રહ્યા છે, પરંતુ તેની અસર સીમિત છે

(3:17 PM IST)