હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેનેડામાં વસતા ભારતીયો સાવધાન! વિદેશમાં બેઠા-બેઠા ખિસ્સા ખાલી કરતી ગેંગ સક્રિય: નકલી કોન્સ્યુલેટ અધિકારી બનીને વિઝા અને પીઆરના નામે મોટા પાયે છેતરપિંડીનો ખેલ
ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે જારી કરી કડક એડવાઇઝરી: ફોન પર 'સરકારી બાબુ' બનીને નાણાં અને અંગત વિગતો માંગતા સ્કેમર્સથી બચવા અપીલ, કૉલર આઈડી સ્પૂફિંગનો થઈ રહ્યો છે ઉપયોગ

ટોરોન્ટો, તા.11: કેનેડામાં સ્થાયી થવા અથવા ત્યાં ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનું સપનું જોતા ભારતીય નાગરિકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં ભારતીયોને નિશાન બનાવીને એક આંતરરાષ્ટ્રીય સ્કેમર ગેંગ સક્રિય થઈ છે, જે ભારતીય કોન્સ્યુલેટ (દૂતાવાસ) ના ઉચ્ચ અધિકારીઓ હોવાનો ઢોંગ કરીને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી રહી છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ટોરોન્ટો સ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા એક કડક અને તાકીદની એડવાઇઝરી જારી કરવામાં આવી છે.
આ શાતિર ઠગો ડિજિટલ યુગની આધુનિક ટેકનોલોજી 'કોલર આઈડી સ્પૂફિંગ' નો સહારો લઈ રહ્યા છે. આ ટેકનોલોજીના કારણે જ્યારે પણ તેઓ કોઈ ભારતીય નાગરિકને ફોન કરે છે, ત્યારે પીડિતના મોબાઈલ સ્ક્રીન પર ભારત સરકારની સત્તાવાર કચેરી અથવા કોન્સ્યુલેટનો જ અસલી નંબર પ્રદર્શિત થાય છે. ફોન કરનાર વ્યક્તિ અત્યંત પ્રોફેશનલ અંદાજમાં પોતાની ઓળખ ટોરોન્ટોના કોન્સ્યુલર ઓફિસર તરીકે આપે છે અને કેનેડિયન વિઝા, કાયમી રહેઠાણ (PR), ઇમિગ્રેશન સ્ટેટસ અથવા તો આકર્ષક નોકરીની ઓફર આપવાના બહાને લોકોના મનમાં વિશ્વાસ પેદા કરે છે.
એકવાર પીડિત ઝાંસામાં આવી જાય એટલે આ નકલી અધિકારીઓ વહીવટી પ્રક્રિયા અથવા પેનલ્ટીના નામે મોટી રકમ ડિજિટલ ટ્રાન્સફર કરવા માટે દબાણ કરે છે. આ ઉપરાંત, તેઓ નાગરિકોની અત્યંત સંવેદનશીલ અને ગુપ્ત વ્યક્તિગત માહિતી પણ કઢાવી લે છે, જેનો ઉપયોગ ભવિષ્યમાં અન્ય નાણાકીય ફ્રોડ માટે થઈ શકે છે.
અમે વિઝા કે પીઆરનું કામ નથી કરતા: ભારતીય મિશનની સ્પષ્ટતા
આ કૌભાંડનો પર્દાફાશ કરતા ટોરોન્ટોના ભારતીય કોન્સ્યુલેટે સત્તાવાર રીતે સ્પષ્ટ કર્યું છે કે, ભારત સરકારનું આ મિશન કેનેડિયન વિઝા, પીઆર અરજીઓ, સ્થાનિક ઇમિગ્રેશન સ્ટેટસ કે રોજગારની ઓફર સંબંધિત કોઈ પણ બાબતો સાથે બિલકુલ સંકળાયેલું નથી અને આવી કોઈ સેવાઓ આપતું નથી. કોન્સ્યુલેટની કામગીરી માત્ર પાસપોર્ટ ઈશ્યુ કરવા, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC), ઓસીઆઈ (OCI) કાર્ડ, દસ્તાવેજોનું પ્રમાણન અને પાવર ઓફ એટર્ની જેવી સત્તાવાર સેવાઓ પૂરતી જ મર્યાદિત છે.
અસલી અને નકલી અધિકારીને ઓળખવાની ખાસ ટીપ્સ:
દૂતાવાસે ભારતીય નાગરિકોને આ સ્કેમર્સથી બચવા માટે કેટલીક મહત્વપૂર્ણ ગાઈડલાઈન આપી છે:
૧. સત્તાવાર ઇમેઇલ આઇડી: ભારતીય દૂતાવાસનો કોઈપણ સત્તાવાર સંપર્ક હંમેશા "@mea.gov.in" ડોમેન સાથે સમાપ્ત થતા ઇમેઇલ આઇડી પરથી જ કરવામાં આવે છે.
૨. ઓળખની વિગતો: જો કોઈ વાસ્તવિક કોન્સ્યુલર અધિકારી કોઈ કારણસર અરજદારનો સંપર્ક કરે, તો તેઓ ફોન પર સૌથી પહેલા પોતાનું નામ, ચોક્કસ વિભાગ અને અરજીનો સત્તાવાર રેફરન્સ નંબર સ્પષ્ટપણે જણાવે છે.
૩. રૂપિયાની માંગ ક્યારેય નહીં: સૌથી મહત્વની બાબત એ છે કે ભારત સરકારના અસલી અધિકારીઓ ક્યારેય પણ ટેલિફોન કોલ પર કે સીધા ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા પૈસાની માંગણી કરતા નથી.
કોન્સ્યુલેટે તમામ ભારતીય નાગરિકોને અપીલ કરી છે કે આવા શંકાસ્પદ કોલ્સને તાત્કાલિક કાપી નાખો, ફોન પર કોઈની પણ સાથે બેંકિંગ વિગતો કે ઓટીપી શેર ન કરો અને જો કોઈ આવી છેતરપિંડીનો ભોગ બન્યું હોય તો વિલંબ કર્યા વિના તાત્કાલિક 'કેનેડિયન એન્ટી-ફ્રોડ સેન્ટર' અને સ્થાનિક પોલીસ સત્તાવાળાઓને આ સાયબર ક્રાઈમની રિપોર્ટ કરો. વિદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષા માટે અન્ય દેશોમાં આવેલા ભારતીય મિશનો દ્વારા પણ ભૂતકાળમાં આવી જ ચેતવણીઓ જારી કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
