ઈન્ડિયા ગઠબંધનમાં ભડકો: ટીએમસી બાદ હવે ઉદ્ધવ સેના પર તૂટવાનો મોટો ખતરો, ૯ માંથી ૭ સાંસદો શિંદે જૂથના સંપર્કમાં હોવાના અહેવાલથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો
બંગાળમાં મમતા બેનર્જીને બેક-ટુ-બેક ઝટકા: એક જ અઠવાડિયામાં ત્રીજા રાજ્યસભા સાંસદનું રાજીનામું, ત્યાં મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના સાથીઓને મંત્રી પદની ઓફર મળી હોવાની ચર્ચાથી વિપક્ષી છાવણીમાં ફફડાટ

મુંબઈ, તા.૧૧: દેશના વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' (INDIA) માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ચાલી રહેલા આંતરિક સંકટ અને રાજીનામાના દોર વચ્ચે હવે મહારાષ્ટ્રમાંથી પણ ગઠબંધન માટે ખૂબ જ ચિંતાજનક અહેવાલો સામે આવી રહ્યા છે. રાજકીય ગલિયારાઓમાં ચાલી રહેલી ગરમ અટકળો મુજબ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) ના અડધાથી વધુ લોકસભા સાંસદો પક્ષ પલટો કરીને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં સામેલ થઈ શકે છે. જો આવું થશે, તો મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટો ભૂકંપ આવી શકે છે.
સૂત્રોના હવાલાથી મળતી વિગતો અનુસાર, ઉદ્ધવ ઠાકરે જૂથના કુલ ૯ લોકસભા સાંસદોમાંથી ૭ સાંસદો હાલમાં શિંદે સરકાર અને ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનના સંપર્કમાં છે. એટલું જ નહીં, એવી પણ ચર્ચા છે કે એકનાથ શિંદેએ આ સાંસદો પૈકીના એક વરિષ્ઠ નેતાને કેન્દ્ર સરકારમાં મંત્રી પદ અને અન્ય સાંસદોને રાજ્યમાં મહત્વના હોદ્દાઓ આપવાની મોટી ઓફર કરી છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાત દરમિયાન આ સાંસદો સાથે ગુપ્ત બેઠકો થઈ હોવાના અહેવાલો પણ પ્રકાશમાં આવ્યા છે, જેના કારણે ઉદ્ધવ કેમ્પમાં દોડધામ મચી ગઈ છે.
'વિશ્વાસઘાતનો કીડો હૃદય-મન ખાઈ જાય છે': સંજય રાઉતનો પલટવાર
બીજી તરફ, શિવસેના (UBT) ના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પક્ષમાં વિભાજનની આ વાતોને માત્ર અફવા ગણાવીને ફગાવી દીધી છે. તેમણે દાવો કર્યો છે કે, "અમારી પાર્ટી સંપૂર્ણપણે એકજૂથ છે અને પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે તમામ સાંસદોના સીધા સંપર્કમાં છે. જેમને પક્ષ છોડીને જવું હતું, તેઓ પહેલા જ જતા રહ્યા છે." જોકે, તેમણે પક્ષ બદલનારા નેતાઓ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જ્યારે કોઈ વ્યક્તિમાં વિશ્વાસઘાતનો કીડો પ્રવેશે છે, ત્યારે તે તેના હૃદય અને મન બંનેને ખાઈ જાય છે. આવા લોકો ૩૫-૪૦ વર્ષ સુધી પક્ષમાં ગમે તેટલા ઉચ્ચ હોદ્દા ભોગવી લે, પણ તેઓ ક્યારેય વફાદાર રહી શકતા નથી.
બંગાળમાં મમતા બેનર્જીની રમત બગડી: સાંસદોના ટપોટપ રાજીનામા
આ તરફ પશ્ચિમ બંગાળમાં પણ મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસનું સંખ્યાબળ ખૂબ જ ઝડપથી ઘટી રહ્યું છે. ગુરુવારે ટીએમસીના વધુ એક રાજ્યસભા સાંસદ પ્રકાશ ચિક બારૈકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ છેલ્લા એક અઠવાડિયાની અંદર મમતા બેનર્જીની પાર્ટીમાંથી રાજીનામું આપનારા આ ત્રીજા સાંસદ બન્યા છે.
આ અગાઉ વરિષ્ઠ નેતા સુખેન્દુ શેખર રે અને બુધવારે જ સુષ્મિતા દેવે પણ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. આ ઉપરાઉપરી ઝટકાઓને કારણે રાજ્યસભામાં ૧૩ સાંસદો ધરાવતી ટીએમસીનું સંખ્યાબળ ઘટીને હવે માત્ર ૧૦ થઈ ગયું છે. રાજકીય વિશ્લેષકોના મતે ટીએમસી સુપ્રીમો માટે મુશ્કેલીઓ હજુ સમાપ્ત થઈ નથી, કારણ કે આગામી દિવસોમાં પક્ષના વધુ ત્રણ સાંસદો બળવો કરીને રાજીનામું ધરી દે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. વિપક્ષી ગઠબંધનના બે મોટા રાજ્યોમાં સર્જાયેલી આ સ્થિતિએ હાઈકમાન્ડની ચિંતામાં ભારોભાર વધારો કર્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
