હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટીએમસીમાં ભયંકર આંતરિક યુદ્ધ: મમતા બેનર્જીના પરમ વફાદાર કલ્યાણ બેનર્જીએ આપ્યું અલ્ટીમેટમ, 'અભિષેક કાં તો હું... દીદી હવે તમારે બેમાંથી એકને જ પસંદ કરવા પડશે'
બંગાળમાં કારમા પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસ પત્તાની મહેલની જેમ વિખેરાઈ જવાના આરે: વરિષ્ઠ સાંસદ અને દિગ્ગજ વકીલ કલ્યાણે ભત્રીજા અભિષેકના ઘમંડ સામે બળવો પોકારીને કેસ લડવાનો પણ ધરાર ઇનકાર કર્યો

કોલકાતા, તા.૧૧: પશ્ચિમ બંગાળના રાજકારણમાં છેલ્લા દોઢ દાયકાથી એકહથ્થુ શાસન ભોગવનારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) હાલમાં તેના ઇતિહાસના સૌથી મોટા અને અભૂતપૂર્વ આંતરિક સંકટમાંથી પસાર થઈ રહી છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં લાગેલા કારમા આંચકા બાદ પક્ષમાં બળવાના સૂર તેજ બન્યા છે. હવે મમતા બેનર્જીના અત્યંત વફાદાર ગણાતા વરિષ્ઠ નેતા અને ચાર વખતના લોકસભા સાંસદ કલ્યાણ બેનર્જીએ પક્ષના સર્વોચ્ચ નેતા મમતા બેનર્જીને ખુલ્લેઆમ અલ્ટીમેટમ આપીને રાજકીય ભૂકંપ લાવી દીધો છે. કલ્યાણ બેનર્જીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, "દીદીએ હવે નક્કી કરવું પડશે કે તે તેમના ભત્રીજા અભિષેક બેનર્જી સાથે છે કે મારા જેવા વરિષ્ઠ પક્ષના કાર્યકર સાથે."
આ વિવાદ માત્ર પક્ષ પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે કાનૂની મોરચે પણ આવી ગયો છે. વ્યવસાયે વરિષ્ઠ વકીલ એવા કલ્યાણ બેનર્જીએ જાહેરાત કરી છે કે તેઓ હવે પછી ક્યારેય કાનૂની બાબતોમાં અભિષેક બેનર્જી વતી કોર્ટમાં હાજર નહીં થાય. આ નિર્ણય અભિષેક બેનર્જી દ્વારા ધારાસભ્યોના સહી મિસમેચ કેસમાં સીઆઈડી (CID) ના સમન્સને પડકારતી અરજી બાદ લેવામાં આવ્યો છે. કલ્યાણ બેનર્જીએ પક્ષના અન્ય વરિષ્ઠ નેતા ડેરેક ઓ'બ્રાયન દ્વારા મમતા બેનર્જી સુધી કડક સંદેશો પહોંચાડ્યો છે કે, "જો દીદી અભિષેક વિના પક્ષ ચલાવી શકતી ન હોય, તો મારું આ પક્ષમાં કોઈ સ્થાન નથી."
'દરેકને પોતાના નોકર સમજે છે અભિષેક': વરિષ્ઠ સાંસદનો આક્રોશ
પોતાના આકરા નિર્ણય પાછળનું કારણ જણાવતા કલ્યાણ બેનર્જીએ પત્રકારો સમક્ષ અભિષેક બેનર્જીના અહંકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, "મેં કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ કૌશિક ચંદાની બેન્ચ સમક્ષ અભિષેકના કેસની તાત્કાલિક સુનાવણી માટે ભારે મહેનત કરીને ગુરુવારની તારીખ મેળવી હતી. પરંતુ ગઈકાલે રાત્રે અભિષેકે મારા પુત્રને ફોન કરીને કહી દીધું કે હાઈકોર્ટમાં તેમનું પ્રતિનિધિત્વ મારાથી ઘણા જુનિયર એવા અન્ય વકીલ કરશે. આ મારો ઘોર અનાદર છે."
કલ્યાણે ભારે આક્રોશ સાથે ઉમેર્યું કે, "અભિષેક એટલા ઘમંડી બની ગયા છે કે તેઓ કોઈનું સન્માન કરતા નથી. તેઓ એવું માને છે કે દરેક વ્યક્તિ તેમની નીચે છે અને જાણે કે બધા જ માત્ર 'કામેક સ્ટ્રીટ' (અભિષેકની ઓફિસ) ના સામાન્ય કર્મચારીઓ છે. હું આ કાનૂની વ્યવસાયમાં ૪૫ વર્ષથી છું. મને માત્ર હાઈકોર્ટ જ નહીં પણ સુપ્રીમ કોર્ટના લોકો પણ એક વરિષ્ઠ વકીલ તરીકે ઓળખે છે. આવા અહંકારી વ્યક્તિ માટે કામ કરવું મારા સ્વાભિમાનની વિરુદ્ધ છે, તેથી જ હું પાછળ હટી ગયો છું." ૧૫ વર્ષ સુધી બંગાળ પર મજબૂત પકડ રાખનારી મમતા બેનર્જીની પાર્ટીમાં ભત્રીજા વિરુદ્ધ વરિષ્ઠોના આ ખુલ્લા બળવાએ પક્ષના અસ્તિત્વ સામે જ મોટા સવાલો ઉભા કરી દીધા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
