હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મમતા બેનર્જીને ફટકો : કોલકાતા હાઈકોર્ટે સ્પીકરના નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કર્યો : બંગાળના રાજકારણમાં નવો ગરમાવો
વિપક્ષના નેતા પદને લઈને મચેલા ઘમસાણમાં હાઈકોર્ટે તૃણમૂલ કોંગ્રેસને વચગાળાની રાહત આપવાનો સ્પષ્ટ ના પાડી દીધી : જેના કારણે બળવાખોર નેતા ઋતાબ્રત બેનર્જી હાલ પૂરતા પોતાના પદ પર યથાવત રહેશે

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં તાજેતરમાં આવેલા મોટા સત્તા પરિવર્તન બાદ હવે વિપક્ષના નેતા પદને લઈને હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો છે. વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ માં ભંગાણ પડ્યું છે, જે અંતર્ગત સ્પીકર રથેન્દ્રનાથ બોઝે ટીએમસીના બળવાખોર ધારાસભ્ય ઋતાબ્રત બેનર્જીને વિપક્ષના સત્તાવાર નેતા તરીકે માન્યતા આપી દીધી હતી. સ્પીકરના આ આંચકાજનક નિર્ણયને મમતા બેનર્જીના જૂથે કોલકાતા હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને તેના પર તાત્કાલિક સ્ટે ઓર્ડર લાવવાની માંગ કરી હતી. જોકે, ગુરુવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ નિર્ણય પર રોક લગાવવાનો સાફ ઇનકાર કરી દીધો છે, જેને મમતા બેનર્જી માટે એક મોટો કાનૂની અને રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર વિવાદની પાછળ ટીએમસીની આંતરિક લડાઈ જવાબદાર છે. વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ પક્ષના 58 જેટલા ધારાસભ્યોએ મમતા બેનર્જી સામે બળવો પોકારીને ઋતાબ્રત બેનર્જીને પોતાના નેતા ચૂંટી કાઢ્યા હતા. બીજી તરફ, મમતા બેનર્જીના વફાદાર જૂથે વરિષ્ઠ નેતા સોવનદેવ ચટ્ટોપાધ્યાયને આ પદ માટે નોમિનેટ કર્યા હતા. ટીએમસીની દલીલ છે કે સ્પીકર પોતાની મરજીથી કોઈ બળવાખોરને વિપક્ષના નેતા ન બનાવી શકે અને આ નિર્ણયથી લોકતાંત્રિક પરંપરાઓ તૂટી છે. જોકે, બળવાખોર જૂથ પાસે બે-તૃતીયાંશ બહુમતી હોવાથી સ્પીકરે તેમને જ અસલી વિપક્ષ તરીકે સ્વીકારી લીધા છે.
હાઈકોર્ટે હાલ પૂરતી કોઈ વચગાળાની રાહત ન આપતાં સ્પષ્ટ થઈ ગયું છે કે આગામી દિવસોમાં પણ ઋતાબ્રત બેનર્જી જ વિપક્ષના નેતા તરીકે ગૃહની જવાબદારી સંભાળશે. જોકે, આ લડાઈનો અંત આવ્યો નથી કારણ કે કોર્ટે હવે પછીની સુનાવણી માટે 16 જૂનની તારીખ નક્કી કરી છે. તે દિવસે બંને પક્ષો વચ્ચે કોર્ટરૂમમાં વધુ તીખી દલીલો જોવા મળશે. પશ્ચિમ બંગાળમાં હાલમાં જ ભારતીય જનતા પાર્ટી એ સત્તા મેળવી છે, અને આ સ્થિતિ વચ્ચે વિપક્ષની અંદર જ ચાલી રહેલો આ આંતરિક ગૃહયુદ્ધ મમતા બેનર્જીના પક્ષના અસ્તિત્વ માટે અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર બની ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
