તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૩ સોમવાર
CIA ના ઇતિહાસનો સૌથી મોટો આર્થિક ગુનો: ફેક પ્રોગામ બનાવીને એજન્સી પાસેથી હડપી $૪૦ મિલિયનની સોનાની લગડી, કમાન્ડો સ્ટાઈલ દરોડામાં પકડાયો 'માસ્ટર મેનિપ્યુલેટર' ડેવિડ રશ
બીજી પાસપોર્ટ કે ઓળખ બદલીને ભાગી જાય તે પહેલા જ એફબીઆઈએ ઘરમાં ઘૂસીને દબોચ્યો: નૌકાદળના પાઇલટથી લઈને ડિગ્રીઓ સુધીનું બધું જ નકલી નીકળતાં અમેરિકી ગુપ્તચર એજન્સીની સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા ગંભીર સવાલો

વોશિંગ્ટન,: અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત અને વિશ્વભરમાં પાવરફુલ ગણાતી ગુપ્તચર એજન્સી સીઆઈએ (CIA) ના ઇતિહાસમાં ડોલરના મૂલ્યમાં માપવામાં આવેલો સૌથી મોટો અને ચોંકાવનારો નાણાકીય ગુનો સામે આવ્યો છે. એફબીઆઈ (FBI) ના સશસ્ત્ર એજન્ટોએ વર્જિનિયાના એશબર્નમાં એક આલીશાન મકાન પર કમાન્ડો સ્ટાઈલમાં દરોડો પાડીને CIA અધિકારી ડેવિડ રશની ધરપકડ કરી છે. આ હાઈપ્રોફાઈલ દરોડા દરમિયાન ફેડરલ એજન્ટોએ ડેવિડના ઘરમાંથી આશરે ૪૦ મિલિયન ડોલર (અંદાજે ૩૩૫ કરોડ રૂપિયા) ની કિંમતના ૩૦૩ સોનાના અસલી લગડી (Gold Bars), ૩૫ લક્ઝરી બ્રાન્ડેડ કાંડા ઘડિયાળો અને ૨ મિલિયન ડોલરની મોટી રોકડ રકમ રિકવર કરી છે.
તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૫૧ વર્ષીય ડેવિડ રશ એક અત્યંત શાતિર અને "માસ્ટર મેનિપ્યુલેટર" (લોકોને પોતાની જાળમાં ફસાવનાર) ગુનેગાર છે, જેણે વર્ષ ૨૦૦૯ થી લઈને સતત ૧૭ વર્ષ સુધી સીઆઈએમાં ઉચ્ચ સુરક્ષા મંજૂરી (High Security Clearance) સાથે કામ કર્યું હતું. તેની સામે ફ્લાઇટ રિસ્ક એટલે કે દેશ છોડીને ભાગી જવાનો મોટો ખતરો હોવાના કારણે ન્યાયાધીશે તેને જામીન આપવાનો ઇનકાર કરીને જેલમાં મોકલી આપ્યો છે. સીઆઈએના વિજ્ઞાન અને ટેકનોલોજી નિર્દેશાલયમાં કામ કરતા ડેવિડની ચોક્કસ ભૂમિકા અંગે હાલ એજન્સીએ રહસ્યમય મૌન સેવ્યું છે.
પરમાણુ યુદ્ધના નામે બનાવ્યો નકલી સરકારી પ્રોગ્રામ
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલો અને સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ડેવિડ રશે એજન્સીની નજર સામે જ એક મોટો ખેલ ખેલ્યો હતો. તેણે પરમાણુ યુદ્ધ અથવા ભયાનક કુદરતી આફતો સમયે અમેરિકી સરકારને જીવંત રાખવા માટે વપરાતા અત્યંત ગુપ્ત એવા "સરકારની સાતત્ય" (Continuity of Government) પ્રોગ્રામ હેઠળ એક સંપૂર્ણપણે નકલી પ્રોગ્રામ અને ફંડની સ્થાપના કરી હતી. આ પ્રોગ્રામ એક "ખાસ પ્રવેશ કાર્યક્રમ" (Special Access Program) હોવાથી સીઆઈએના અન્ય અધિકારીઓ માટે પણ ત્યાં પ્રવેશ મર્યાદિત હતો. રશે આ નકલી પ્રોગ્રામમાં 'કામ સંબંધિત ગુપ્ત ખર્ચ' અને વિદેશી ગેરિલા જૂથોને પેમેન્ટ કરવાના બહાને લાખો ડોલરના સોનાના સળિયાની મંજૂરી મેળવી લીધી હતી અને એક નકલી કોન્ટ્રેક્ટ બનાવીને આ કરોડોનું સોનું પોતાના ઘરના ભોંયરામાં છુપાવી દીધું હતું. આ ગંભીર બેદરકારી સામે આવતા સીઆઈએ એ તેના અન્ય કેટલાક ઉચ્ચ અધિકારીઓને પણ સસ્પેન્ડ કર્યા છે.
આખી જિંદગી અને કરિયર માત્ર જૂઠના પાયા પર હતી!
જેમ હોલીવુડ ફિલ્મ "કેચ મી ઇફ યુ કેન" (Catch Me If You Can) માં બતાવવામાં આવ્યું છે, તેમ ડેવિડ રશનું આખું જીવન અને કરિયર માત્ર અને માત્ર નકલી દસ્તાવેજો અને જૂઠાણા પર ટકેલી હતી. તેણે સીઆઈએમાં નોકરી મેળવવા માટે જે રિઝ્યુમ સબમિટ કર્યું હતું તે સંપૂર્ણપણે નકલી હતું. તેણે દાવો કર્યો હતો કે તેની પાસે પ્રખ્યાત ક્લેમસન યુનિવર્સિટીમાંથી ગણિતની ડિગ્રી અને રેન્સેલર પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સની ડિગ્રી છે, પરંતુ આ બંને સંસ્થાઓએ એફબીઆઈને જણાવ્યું છે કે ડેવિડ નામના કોઈ વિદ્યાર્થીએ ત્યાં ક્યારેય અભ્યાસ જ કર્યો નથી.
એટલું જ નહીં, તેણે પોતાને યુએસ નેવીનો જાંબાઝ પાઇલટ અને 'યુએસ એર ફોર્સ ટેસ્ટ પાઇલટ સ્કૂલ' નો સ્નાતક ગણાવ્યો હતો, જ્યારે વાસ્તવિકતા એ છે કે તે નેવી રિઝર્વમાં માત્ર એક સામાન્ય એન્સાઇન હતો અને તેણે ક્યારેય વિમાન ઉડાવ્યું જ નહોતું. આ નકલી લશ્કરી દસ્તાવેજોના આધારે તેણે વર્ષ ૨૦૧૫ માં નિવૃત્ત થયા પછી પણ સરકાર પાસેથી હજારો ડોલરનું લશ્કરી વળતર અને ભથ્થાઓ કપટપૂર્વક મેળવ્યા હતા.
રશિયા-ચીનના જાસૂસો માટે એલાર્મ બેલ સમાન ઘટના
પ્રખ્યાત પુસ્તક "CIA ના ૨૧મી સદીના ઇતિહાસ" ના લેખક ટિમ વેઇનરે ન્યૂ યોર્ક પોસ્ટને જણાવ્યું હતું કે, ડેવિડ રશની છેતરપિંડી કરવાની ક્ષમતા ખરેખર મગજ ચક્કર ખવડાવી દે તેવી છે. આ ઘટના સીઆઈએની આંતરિક સુરક્ષા વ્યવસ્થા પર એક મોટો કાળો ડાઘ છે. જો એક સામાન્ય અમેરિકી નાગરિક આટલી હદે પેન્ટાગોન અને સીઆઈએના ટોચના અધિકારીઓની આંખમાં ધૂળ નાખી શકતો હોય, તો રશિયા, ચીન કે ઈરાન જેવા દુશ્મન દેશોના પ્રશિક્ષિત જાસૂસો માટે સીઆઈએની અંદર ઘૂસણખોરી કરવી કેટલી સરળ હશે તે વિચારીને જ ધ્રુજારી છૂટી જાય છે. કોઈ મોટો જાસૂસ એજન્સીમાં ઘૂસીને ૧૫ વર્ષ સુધી ઉચ્ચ પદ પર પહોંચવાની રાહ જોઈને દેશને બરબાદ કરી શકે છે. જો કે, અત્યાર સુધીની તપાસમાં ડેવિડ કોઈ વિદેશી સરકાર માટે જાસૂસી કરતો હોવાના પુરાવા મળ્યા નથી, તેણે આ બધું માત્ર પોતાના અંગત સ્વાર્થ અને અમીર બનવા માટે કર્યું હતું.
બીજી તરફ, ડેવિડ રશના મહિલા વકીલ જેસિકા કાર્માઇકલે કોર્ટમાં દલીલ કરી છે કે સોનાના બાર મળવા એ કોઈ મોટો મુદ્દો નથી અને આ માત્ર સનસનાટીભર્યા સમાચાર છે. સોનું સરકારી પ્રોગ્રામનું જ હતું અને ડેવિડે ક્યારેય તે પોતાનું હોવાનો દાવો કર્યો નથી, તેણે સુરક્ષાના ભાગરૂપે તેને ઘરમાં રાખ્યું હતું. પરંતુ વિશ્લેષકોના મતે, આ કેસ વર્ષ ૧૯૯૪ માં પકડાયેલા રશિયાના ડબલ એજન્ટ એલ્ડ્રિચ એમ્સ અને ૨૦૦૮ ના ભ્રષ્ટાચારી અધિકારી કાયલ ફોગોના કાળા ઇતિહાસની યાદ અપાવે છે અને ડેવિડે પોતાના વ્યવસાયિક જીવનના દરેક પાસાઓ વિશે માત્ર જૂઠું જ બોલ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
