<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

રાજકીય મતભેદો ભૂલીને ખેલદિલીની અનોખી મિસાલ: PM નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષ પૂર્ણ થવા પર વિપક્ષી સાંસદ શત્રુઘ્ન સિંહાએ પાઠવી શુભેચ્છા, ગણાવ્યા 'દેશના માર્ગદર્શક'

૧૨ વર્ષથી વધુ સમય સુધી સતત વડાપ્રધાન પદ સંભાળીને નરેન્દ્ર મોદીએ બનાવ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ: જવાહરલાલ નહેરુના કાર્યકાળના દિવસોનો રેકોર્ડ તૂટ્યો, કેન્દ્રીય મંત્રીઓએ ઐતિહાસિક સુધારા ગણાવ્યા

નવી દિલ્હી : ભારતના રાજકારણમાં કડવાશ અને આક્ષેપબાજી વચ્ચે પણ ક્યારેક અનોખી ખેલદિલી જોવા મળતી હોય છે, જેનો તાજો નમૂનો ગુરુવારે જોવા મળ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ અને બોલિવૂડના પીઢ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ પદ પર સતત ૧૨ વર્ષ પૂર્ણ કરવા બદલ હૃદયપૂર્વક બિરદાવ્યા છે. શત્રુઘ્ન સિંહાએ પીએમ મોદીને પોતાના "મિત્ર અને રાષ્ટ્રના માર્ગદર્શક" ગણાવીને તેમના લાંબા, સમૃદ્ધ અને સ્વસ્થ જીવનની કામના કરી છે, જેના કારણે રાજકીય ગલિયારાઓમાં આ સોશિયલ મીડિયા પોસ્ટ ભારે ચર્ચાનો વિષય બની છે.
શત્રુઘ્ન સિંહાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક અત્યંત સકારાત્મક સંદેશ શેર કરતા લખ્યંે કે, "એક સાચા ખેલાડીની ભાવના સાથે, આપણા મિત્ર અને સમાજ તથા રાષ્ટ્રના માર્ગદર્શક માનનીય પ્રધાનમંત્રી @narendramodi ને પદ પર સફળતાપૂર્વક ૧૨ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવા બદલ અનેક-અનેક શુભેચ્છાઓ. ભારત દેશના ઇતિહાસમાં કદાચ આ અત્યાર સુધીનો સૌથી લાંબો સતત કાર્યકાળ છે. ઈશ્વર તમને લાંબુ, દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન પ્રદાન કરે. જય હિંદ!" વિપક્ષી છાવણીના આટલા મોટા નેતા તરફથી મળેલી આ પ્રશંસા પીએમ મોદીની સ્વીકાર્યતા દર્શાવે છે.
પીએમ મોદીએ તોડ્યો પંડિત નહેરુનો ઐતિહાસિક રેકોર્ડ
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ જૂનના રોજ પદ પર સતત ૪,૩૯૯ દિવસ પૂર્ણ કરીને દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના સતત નેતૃત્વના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ સાથે જ તેઓ લોકશાહી રીતે ચૂંટાયેલા ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા વડાપ્રધાન બનીને નવો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપિત કરી ચૂક્યા છે. આ ઐતિહાસિક સીમાચિહ્ન નિમિત્તે ભાજપ અને એનડીએ (NDA) ના તમામ ઘટક પક્ષોના નેતાઓ દેશભરમાં આ ઉપલબ્ધિની જોરશોરથી ઉજવણી કરી રહ્યા છે.
૧૨ વર્ષના નિર્ણયો ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે: કિરેન રિજિજુ
આ ખાસ પ્રસંગે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ એક વીડિયો સંદેશ જાહેર કરીને મોદી સરકારના કાયદાકીય અને બંધારણીય સુધારાઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ૧૨ વર્ષો દરમિયાન દેશહિતમાં લેવાયેલા ક્રાંતિકારી નિર્ણયો ભારતના ઇતિહાસમાં હંમેશા સુવર્ણ અક્ષરોમાં અંકિત રહેશે. રિજિજુએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવી, નવા સંસદ ભવનનું ભવ્ય નિર્માણ, મહિલાઓ માટે 'નારી શક્તિ વંદન અધિનિયમ' પસાર કરવો, સમગ્ર દેશમાં વન નેશન-વન ટેક્સ હેઠળ GST નો અમલ, નાગરિકતા સુધારો કાયદો (CAA) અને બ્રિટિશ કાળના જૂના કાયદાઓને બદલીને નવી ફોજદારી સંહિતા લાગુ કરવા જેવા ઐતિહાસિક કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.
બીજી તરફ, કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી અને પીયૂષ ગોયલ સહિત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વને બિરદાવ્યું હતું. આ નેતાઓએ ખાસ કરીને મોદી સરકારની ખેડૂત-કેન્દ્રિત યોજનાઓ જેવી કે પીએમ-કિસાન સન્માન નિધિ, ઇ-નામ મંડી, ફસલ બીમા યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડના વ્યાપક ફેલાવા પર ભાર મૂક્યો હતો, જેના કારણે દેશના કરોડો અન્નદાતાઓના જીવનસ્તરમાં મોટો સુધારો આવ્યો છે.

(6:31 PM IST)