<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

હવે હોટેલ પહોંચતા જ સીધા રૂમમાં એન્ટ્રી! લોબીમાં કલાકો સુધી રાહ જોવાની ઝંઝટમાંથી મુક્તિ, MakeMyTrip પ્રવાસીઓ માટે લાવ્યું શાનદાર સુવિધા

વહેલી સવારે આગમન કે મોડી સાંજે પ્રસ્થાનની ચિંતા થઈ દૂર: કંપનીએ ગ્રાહકો માટે 'ગેરંટીડ અર્લી ચેક-ઇન' અને 'લેટ ચેક-આઉટ' નો ખાસ વિકલ્પ શરૂ કર્યો

નવી દિલ્હી : મુસાફરીના શોખીન લોકો અને અવારનવાર બિઝનેસ ટ્રિપ પર જતા પ્રવાસીઓ માટે એક અત્યંત શાનદાર અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. પ્રવાસ દરમિયાન પ્રવાસીઓ માટે સૌથી મોટી માથાનો દુખાવો એ હોય છે કે જ્યારે તેમની ફ્લાઇટ અથવા ટ્રેન વહેલી સવારે પહોંચી જાય, પરંતુ હોટેલના નિયમ મુજબ ચેક-ઇનનો સમય બપોરના ૧૨ કે ૨ વાગ્યાનો હોય. આવા સમયે નાના બાળકો કે વડીલો સાથે કલાકો સુધી હોટેલની લોબીમાં બેસી રહેવું અથવા સામાન સાથે ભટકવું ખૂબ જ કંટાળાજનક બની જાય છે. આવી જ રીતે પરત ફરતી વખતે પણ ટ્રેન-ફ્લાઇટ રાતની હોય અને હોટેલ સવારે જ ખાલી કરી દેવી પડે છે. પ્રવાસીઓની આ વર્ષો જૂની અને મુખ્ય સમસ્યાનો કાયમી ઉકેલ લાવતા અગ્રણી ઓનલાઈન ટ્રાવેલ કંપની MakeMyTrip એ એક ખાસ સુવિધા લોન્ચ કરી છે.
કંપનીએ પોતાના ગ્રાહકોના પ્રવાસને વધુ આરામદાયક બનાવવા માટે 'ગેરંટીડ અર્લી ચેક-ઇન' (Guaranteed Early Check-in) અને 'લેટ ચેક-આઉટ' (Late Check-out) ની વિશિષ્ટ સુવિધા સત્તાવાર રીતે રજૂ કરી છે. આ સુવિધા અંતર્ગત મુસાફરો હવે પોતાના નિર્ધારિત સમય કરતા ઘણા વહેલા હોટેલ રૂમ મેળવી શકશે, અને જો જરૂર જણાશે તો સવારના સત્તાવાર સમય પછી પણ હોટેલમાં વધુ સમય સુધી રોકાઈ શકશે. MakeMyTrip નું માનવું છે કે આ સુવિધા એવા પરિવારો અને વ્યાપારીઓ માટે ગેમ-ચેન્જર સાબિત થશે જેઓ સમયની કટોકટી વચ્ચે મુસાફરી કરતા હોય છે.
બિઝનેસ ટ્રિપ અને ફેમિલી વેકેશન માટે આશીર્વાદરૂપ
આ નવી સુવિધાનો સૌથી મોટો ફાયદો ઓફિશિયલ કે બિઝનેસ કામકાજ માટે મુસાફરી કરતા લોકોને થશે. ઘણીવાર કામના સિડ્યુલના કારણે ફ્લાઇટ્સ વહેલી સવારે અથવા મોડી રાત્રે હોય છે. હવે આ સુવિધાના લીધે બિઝનેસ પ્રવાસીઓ એરપોર્ટથી સીધા જ હોટેલ રૂમમાં જઈને આરામ કરી શકશે અથવા પોતાની મહત્વની મીટિંગ માટે ફ્રેશ થઈને તૈયારી કરી શકશે. આ ઉપરાંત, નાના બાળકો અથવા વૃદ્ધ માતા-પિતા સાથે વેકેશન માણવા નીકળેલા પરિવારો માટે પણ આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે તેમને હવે હોટેલના રિસેપ્શન પર રૂમ ખાલી થવાની કલાકો સુધી રાહ જોવી પડશે નહીં.
જાણો આ અદભુત સુવિધા કેવી રીતે કામ કરશે?
જ્યારે પણ ગ્રાહકો MakeMyTrip ની એપ અથવા સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાના મનપસંદ સ્થળે હોટેલ બુકિંગ કરશે, ત્યારે જે હોટેલ્સ આ સિસ્ટમને સપોર્ટ કરતી હશે ત્યાં સ્ક્રીન પર 'અર્લી ચેક-ઇન' અને 'લેટ ચેક-આઉટ' નો સ્પષ્ટ વિકલ્પ પ્રદર્શિત કરવામાં આવશે. ગ્રાહકો પોતાની સુવિધા અનુસાર સામાન્ય જેવી વધારાની ફી ચૂકવીને આ ઓપ્શનને પોતાના બુકિંગમાં જોડી (એડ ઓન) શકે છે. એકવાર આ વિકલ્પ પસંદ થઈ ગયા બાદ, પ્રવાસી હોટેલ પહોંચશે ત્યારે કોઈ પણ જાતની અડચણ વગર તેને શેડ્યૂલ મુજબ રૂમની ચાવી સોંપી દેવામાં આવશે.
જો કે, પ્રવાસીઓએ એ ખાસ ધ્યાનમાં રાખવું પડશે કે હાલના તબક્કે આ પ્રીમિયમ સુવિધા દેશ-વિદેશની તમામ હોટેલોમાં ઉપલબ્ધ રહેશે નહીં. અત્યારે આ સુવિધા માત્ર પસંદગીની હોટેલો અને મિલકતો (Properties) માં જ શરૂ કરવામાં આવી છે. MakeMyTrip આગામી સમયમાં આ સુવિધાનો વ્યાપ વધારીને વધુ શહેરો અને પ્રખ્યાત હોટેલોને પોતાની આ યાદીમાં જોડવાનું આયોજન કરી રહી છે. તેથી, આગામી પ્રવાસનું બુકિંગ કરતી વખતે હોટેલ આ સુવિધા આપે છે કે નહીં તે અગાઉથી ચેક કરી લેવું હિતાવહ રહેશે.

(6:47 PM IST)