<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

હરિદ્વારમાં ઇમરાન હાશ્મીની ફિલ્મના સેટ પર ભારે હોબાળો: પવિત્ર નગરીમાં 'બાર' નું સાઇનબોર્ડ જોઈ સ્થાનિકોનો પિત્તો ગયો, શૂટિંગ રોકીને કર્યો વિરોધ

'કાફે એન્ડ બાર' નું નકલી બોર્ડ લગાવતા ધાર્મિક લાગણી દુભાઈ, સોશિયલ મીડિયા પર ઉગ્ર દલીલોનો વીડિયો જોરદાર વાયરલ

હરિદ્વાર : બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મીની આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન ઉત્તરાખંડના પવિત્ર તીર્થધામ હરિદ્વારમાં મોટો હંગામો થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. ફિલ્મના સેટ પર ઉભા કરાયેલા એક નકલી લોકેશન પર લગાવવામાં આવેલા સાઇનબોર્ડને કારણે સ્થાનિક લોકો ભારે રોષે ભરાયા હતા અને તેમણે શૂટિંગનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્થાનિક લોકો અને ફિલ્મની ક્રૂ ટીમ વચ્ચે ભારે બોલાચાલી થતી જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ, ઇમરાન હાશ્મી હાલમાં તેના આગામી પ્રોજેક્ટના શૂટિંગ માટે ઉત્તરાખંડમાં છે. હરિદ્વારમાં શૂટિંગ માટે ફિલ્મની ટીમ દ્વારા એક નકલી રેસ્ટોરન્ટનો સેટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેના મુખ્ય બોર્ડ પર 'કાફે એન્ડ બાર' (Cafe & Bar) લખવામાં આવ્યું હતું. હરિદ્વાર જેવા અત્યંત પવિત્ર અને ધાર્મિક સ્થળે જાહેરમાં 'બાર' શબ્દ લખેલું બોર્ડ જોઈને સ્થાનિક નાગરિકો અને તીર્થપુરોહિતોનો પિત્તો ગયો હતો. સ્થાનિક લોકોનું માનવું હતું કે આવા ધાર્મિક સ્થળે આ પ્રકારના બોર્ડ લગાવવાથી હરિદ્વારની પવિત્રતા અને મર્યાદાને ઠેસ પહોંચે છે, જેના કારણે તેમણે ત્યાં પહોંચીને શૂટિંગ અટકાવી દીધું હતું.
સેટ પર બાખડ્યા લોકો, સિક્યોરિટીએ મામલો થાળે પાડ્યો
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં અભિનેતા ઇમરાન હાશ્મી ક્યાંય નજરે પડતો નથી, પરંતુ સેટ પર તૈનાત ખાનગી સિક્યોરિટી ગાર્ડ્સ અને પ્રોડક્શન ટીમનો એક સભ્ય ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોને શાંત પાડવાનો આટોઆટો પ્રયાસ કરતા જોઈ શકાય છે. સ્થાનિક લોકો બોર્ડ હટાવવાની જીદ પર અડી ગયા હતા. જો કે, આ સમગ્ર વિવાદ અને હંગામા અંગે અભિનેતા ઇમરાન હાશ્મી કે ફિલ્મના નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે સ્પષ્ટતા સામે આવી નથી.
કઈ ફિલ્મનું ચાલી રહ્યું છે શૂટિંગ?
છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરાખંડના જુદા જુદા વિસ્તારોમાંથી ઇમરાન હાશ્મીના તેના ચાહકો સાથેના વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર સતત શેર થઈ રહ્યા છે, જે સાબિત કરે છે કે તે ત્યાં કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. ઇમરાન પાસે હાલમાં બે મોટી ફિલ્મો લાઈનમાં છે, જેમાં 'આવારાપન ૨' અને તેલુગુ ફિલ્મ 'G2' (ગુડાચારી ૨) નો સમાવેશ થાય છે. થોડા દિવસો પહેલા જ 'આવારાપન ૨' ના મેકર્સે સોશિયલ મીડિયા પર શૂટિંગ પૂરું થયું હોવાની જાહેરાત કરી હતી. આથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઇમરાન હરિદ્વારમાં સાઉથની સુપરહિટ ફિલ્મની સિક્વલ 'G2' નું શૂટિંગ કરી રહ્યો હોઈ શકે છે.
બોક્સ ઓફિસ પર જામશે બે મોટા સુપરસ્ટાર્સ વચ્ચેની ટક્કર
ઇમરાન હાશ્મીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'આવારાપન ૨' આગામી ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. પરંતુ આ સ્વતંત્રતા દિવસના સપ્તાહમાં ઇમરાનને બોક્સ ઓફિસ પર આસાન રસ્તો નહીં મળે. આ જ દિવસે સની દેઓલની હાઇ-વોલ્ટેજ ડ્રામા ફિલ્મ 'બટવારા 1947’ (Batwara 1947) પણ થિયેટરોમાં દસ્તક આપવા જઈ રહી છે. આથી ઓગસ્ટ મહિનામાં બોક્સ ઓફિસ પર બે મોટા સુપરસ્ટાર્સ વચ્ચેની ટક્કરમાં કઈ ફિલ્મ બાજી મારશે તે જોવું રસપ્રદ રહેશે.

(6:48 PM IST)