<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

બાંગ્લાદેશમાં 'બ્લેક મની લોન્ડરિંગ'ની વાપસી: દિલ્હીમાં આશરો લઈ રહેલા શેખ હસીના માટે આ કાયદો વરદાન સાબિત થશે કે જેલનો રસ્તો?

તારિક રહેમાન સરકારે અર્થતંત્રને બેઠું કરવા કાળા નાણાંને ધોળા કરવાનો વિવાદાસ્પદ પ્રસ્તાવ તો રજૂ કર્યો, પરંતુ ભ્રષ્ટાચારના ગંભીર કેસોનો સામનો કરી રહેલા પૂર્વ વડાપ્રધાન માટે કાનૂની ગૂંચવણો યથાવત રહેશે

ઢાકા: બાંગ્લાદેશમાં ચાલી રહેલા ભારે આર્થિક સંકટ વચ્ચે ત્યાંની નવી તારિક રહેમાન સરકારે એક મોટો અને અત્યંત વિવાદાસ્પદ દાવ ખેલ્યો છે. દેશની કથળેલી આર્થિક સ્થિતિને પાટા પર લાવવા માટે સરકારે બજેટમાં 'બ્લેક મની લોન્ડરિંગ સિસ્ટમ' એટલે કે કાળા નાણાંને કાયદેસર બનાવવાની યોજના ફરીથી રજૂ કરી છે. આ પ્રસ્તાવ હેઠળ, કોઈપણ વ્યક્તિ પોતાની અઘોષિત સંપત્તિ, છુપાવેલી રોકડ અથવા બેનામી પ્રોપર્ટી પર નિર્ધારિત ટેક્સ ચૂકવીને તેને સત્તાવાર રીતે ધોળી (કાયદેસર) કરી શકશે. રસપ્રદ વાત એ છે કે, આ નવી નીતિ જાહેર થતાં જ ભારતની રાજધાની દિલ્હીમાં આશરો લઈ રહેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના ભવિષ્યને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે, કારણ કે તેમના શાસનકાળ દરમિયાન પણ આવો જ એક કાયદો લાવવામાં આવ્યો હતો.

આ નવી સિસ્ટમ મુજબ, જો કોઈ ઉદ્યોગપતિ કે નાગરિક પાસે કરોડો રૂપિયાની અઘોષિત સંપત્તિ હોય, તો તેઓ સરકારને ૧૫ થી ૨૦ ટકા જેટલો ફિક્સ ટેક્સ ચૂકવીને કાયદાકીય તપાસથી બચી શકે છે અને સરકાર તેમના નાણાંના સ્ત્રોત વિશે કોઈ પ્રશ્ન પૂછશે નહીં. બાંગ્લાદેશ હાલમાં વિદેશી હૂંડિયામણની તંગી, સુસ્ત રિયલ એસ્ટેટ માર્કેટ અને બેંકિંગ ક્ષેત્રની નબળાઈઓનો સામનો કરી રહ્યું છે. સરકારને આશા છે કે આ સ્કીમથી હજારો કરોડ રૂપિયાની છુપાયેલી સંપત્તિ બહાર આવશે, જેનાથી ટેક્સ કલેક્શન વધશે અને બાંધકામ ક્ષેત્રે નવી રોજગારી ઊભી થશે. પરંતુ, સવાલ એ ઊભો થાય છે કે શું ભ્રષ્ટાચાર અને કરોડો રૂપિયા વિદેશ મોકલવાના આરોપોનો સામનો કરી રહેલા શેખ હસીના અને તેમના સાથીદારો આ યોજનાનો લાભ ઉઠાવી શકશે?

આ સવાલનો જવાબ કાયદાની એક નાની કલમમાં છુપાયેલો છે, જે શેખ હસીના માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. બજેટના પ્રસ્તાવમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે વ્યક્તિઓ સામે અદાલતમાં નાણાકીય ગુનાઓ  ના કેસ ઓલરેડી ચાલી રહ્યા છે અથવા જેમને અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા છે, તેઓ આ લોન્ડરિંગ સિસ્ટમનો લાભ લઈ શકશે નહીં. શેખ હસીના પર સત્તા પરથી હટ્યા બાદ સત્તાવાર રીતે ભ્રષ્ટાચાર અને સરકારી નાણાંની હેરાફેરીના અનેક કેસો નોંધાયેલા છે, જે હાલ તપાસ હેઠળ છે. તેથી, ભલે આ કાયદો કાળા નાણાં વાળા તમામ લોકો માટે માફી સમાન હોય, પણ શેખ હસીના માટે તેના કાનૂની સકંજામાંથી છૂટવાનો આ રસ્તો હાલ પૂરતો સંપૂર્ણપણે બંધ દેખાઈ રહ્યો છે.

(6:48 PM IST)