<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

પાકિસ્તાનની ઊંઘ હરામ કરનારું JAAC શું છે? PoK માં ફાટી નીકળેલી હિંસા અને અંધાધૂંધી પાછળની આંતરિક વાર્તા

ઈસ્લામાબાદના આર્થિક શોષણ અને રાજકીય દમન સામે રણશિંગું ફૂંકીને માત્ર બે જ વર્ષમાં સમાંતર સત્તા તરીકે ઉભરી આવેલી 'સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિ' પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધ મૂકાતા કાશ્મીર સરહદે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ

મુઝફ્ફરાબાદ: પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (PoK) માં હાલમાં સત્તાધિશો અને સ્થાનિક જનતા સામસામે આવી ગયા છે, જેના કારણે સમગ્ર પ્રદેશ હિંસક રમખાણોની ચપેટમાં આવી ગયો છે. પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં અત્યાર સુધીમાં ૩૨ થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખા રહ્યા છે. આ ભયાનક અશાંતિના કેન્દ્રમાં 'સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિ' (JAAC) નામનું સંગઠન છે. પાકિસ્તાન સરકારે તાજેતરમાં જ આ નાગરિક સંગઠન પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધ મૂકી દીધો છે અને તેના ચાર મુખ્ય નેતાઓની ધરપકડ કરાવનારી માહિતી આપનાર માટે ૧ કરોડ પાકિસ્તાની રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે, જેનાથી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

સપ્ટેમ્બર ૨૦૨૩ માં અસ્તિત્વમાં આવેલું JAAC એ કોઈ પરંપરાગત રાજકીય પક્ષ નથી, પરંતુ તે PoK ના નાગરિક સમાજ કાર્યકરો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને વકીલોનું એક શક્તિશાળી ગઠબંધન છે. સામાજિક કાર્યકર શૌકત નવાઝ મીરના નેતૃત્વમાં આ સંગઠને મોંઘવારી, વીજળીના આસમાને પહોંચેલા દરો અને અનાજ પરની સબસીડી નાબૂદ કરવા જેવા સ્થાનિક મુદ્દાઓ ઉઠાવીને જનતામાં મજબૂત પકડ બનાવી છે. માંગલા ડેમમાંથી કરમુક્ત વીજળી મેળવવા માટે મુઝફ્ફરાબાદથી શરૂ થયેલી તેમની 'લોંગ માર્ચ' અને વ્હીલ જામ હડતાળે પાકિસ્તાનની કેન્દ્રીય સરકારને હચમચાવી દીધી હતી. હાલમાં આ સંગઠન મુઝફ્ફરાબાદ, કોટલી અને મીરપુર સહિતના તમામ મુખ્ય જિલ્લાઓમાં વહીવટીતંત્ર સામે સમાંતર શાસન ચલાવી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

આ સંગઠન પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા પાછળનું મુખ્ય કારણ આગામી ૨૭ જુલાઈએ યોજાનારી PoK વિધાનસભાની ચૂંટણીઓ છે. સરકારે આ ચૂંટણીમાં શરણાર્થીઓ માટે ૧૨ બેઠકો અનામત રાખવાનો નિર્ણય કર્યો છે, જેની સામે JAAC એ જોરદાર વિરોધ નોંધાવતા આગામી ૯ જૂને એક વિશાળ વિરોધ કૂચનું એલાન કર્યું હતું. પાકિસ્તાન સરકારને ડર છે કે આ સંગઠન ચૂંટણી પ્રક્રિયાને સંપૂર્ણપણે ઠપ્પ કરી દેશે. જોકે, ચૂંટણી લડ્યા વિના જ પ્રદેશની નીતિઓ અને લોકમતને પ્રભાવિત કરવાની JAAC ની ક્ષમતાએ પાકિસ્તાની શાસકોને આકરા પગલાં લેવા મજબૂર કર્યા છે, જેના પરિણામે PoK હવે સળગી રહ્યું છે.

(6:49 PM IST)