હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિટામિનની ઉણપ એટલે ડિમેન્શિયાને આમંત્રણ: ICMRના ચોંકાવનારા રિપોર્ટથી મેડિકલ જગતમાં ફફડાટ: મગજની આ બીમારીનું જોખમ વધ્યું
માત્ર વધતી ઉંમર જ નહીં, પણ શરીરમાં B12, B6, B2 અને વિટામિન Dની કમી ભારતીયોને નાની ઉંમરે જ યાદશક્તિ ગુમાવવાના ગંભીર રોગ તરફ ધકેલી રહી હોવાનો ‘ધ લેન્સેટ’ જર્નલનો નવો ધડાકો

હૈદરાબાદ: ભારતીયોમાં ઝડપથી બદલાતી જીવનશૈલી અને પોષણના અભાવને કારણે મગજને લગતી ગંભીર બીમારી 'ડિમેન્શિયા' (ભૂલી જવાનો રોગ) નો ખતરો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન દ્વારા કરવામાં આવેલા એક સંયુક્ત આધુનિક સંશોધનમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રખ્યાત મેડિકલ જર્નલ ‘ધ લેન્સેટ રિજનલ હેલ્થ - સાઉથ ઇસ્ટ એશિયા’ માં પ્રકાશિત આ અહેવાલ મુજબ, શરીરમાં ચોક્કસ વિટામિન્સની ઉણપ મગજના સ્વાસ્થ્યને સીધી રીતે નબળી પાડે છે. અત્યાર સુધી ડિમેન્શિયાને માત્ર વૃદ્ધાવસ્થાની સામાન્ય સમસ્યા માનવામાં આવતી હતી, પરંતુ હવે ખરાબ આહારના કારણે યુવાનો પણ તેની ચપેટમાં આવી રહ્યા છે જે અતિ ગંભીર બાબત છે.
આ ઐતિહાસિક સંશોધન માટે તેલંગાણાના ૪૦ થી ૮૦ વર્ષની વય ધરાવતા ૫૭૦ શહેરી અને ગ્રામીણ રહેવાસીઓના બ્લડ સેમ્પલ, ખાણી-પીણીની આદતો અને તેમના જ્ઞાનાત્મક સ્વાસ્થ્યનું લાંબા સમય સુધી ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસના પરિણામો અત્યંત ડરામણા છે, કારણ કે સર્વેમાં સામેલ લગભગ ૪૦ ટકા લોકોમાં ડિમેન્શિયાનું પ્રારંભિક જોખમ જોવા મળ્યું હતું. વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે યાદશક્તિ ગુમાવવી, વિચારવાની શક્તિ ઘટવી અને રોજિંદા કાર્યો ન કરી શકવા જેવા લક્ષણો ધરાવતા આ દર્દીઓમાં વિટામિન B12, B6, B2 અને વિટામિન D નું સ્તર સામાન્ય કરતાં ઘણું ઓછું હતું. આનાથી વિપરીત, જે લોકો નિયમિતપણે તાજા ફળો, લીલા શાકભાજી અને સૂક્ષ્મ પોષકતત્ત્વો થી ભરપૂર ખોરાક લેતા હતા, તેમનામાં આ રોગનું જોખમ નહિવત જોવા મળ્યું હતું.
તબીબી નિષ્ણાતોના મતે, આ રોગ પાછળ માત્ર આનુવંશિક પરિબળો જ જવાબદાર નથી, પરંતુ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા, ધૂમ્રપાન અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ પણ મુખ્ય વિલન તરીકે ઉભરી આવ્યા છે. વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી છે કે જો ભારતીયો અત્યારથી જ પોતાના આહાર પ્રત્યે સજાગ નહીં થાય, તો વર્ષ ૨૦૫૦ સુધીમાં ભારતમાં ડિમેન્શિયાના કેસો વૈશ્વિક સ્તરે સર્વોચ્ચ સપાટીએ પહોંચી જશે. મગજની આ લાંબા ગાળાની અસાધ્ય બીમારીથી બચવા માટે અત્યારથી જ સંતુલિત અને પોષક તત્વોથી સભર આહાર લેવો, પૂરતો સૂર્યપ્રકાશ મેળવવો અને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવી એ જ એકમાત્ર કાનૂની અને તબીબી ઈલાજ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
