<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

નીતિ આયોગની બેઠકમાં દક્ષિણના સીએમનો દબદબો: ડીકે શિવકુમારે પીએમ મોદીને ભગવાન બસવન્નાની પ્રતિમા આપી : વિજયે NEETનો વિરોધ કર્યો

દિલ્હીમાં યોજાયેલી હાઈ-પ્રોફાઈલ બેઠકમાં કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણાના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સમક્ષ રાજ્યોના હક અને શિક્ષણ-આરોગ્યના મોડેલ પર ભાર મૂક્યો

નવી દિલ્હી: દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની ૧૧મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક દરમિયાન દેશના રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ પીએમ મોદી સાથેની આ તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત હતી, જેમાં તેમણે વડાપ્રધાનને ૧૨મી સદીના મહાન સમાજ સુધારક અને લિંગાયત સંત જગદગુરુ બસવેશ્વર (ભગવાન બસવન્ના) ની ચંદનની કલાત્મક પ્રતિમા ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી. આ જ બેઠકમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ પીએમ મોદીને તેમના ઐતિહાસિક કાર્યકાળ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને નીતિ આયોગના તમામ સભ્યોને આગામી વર્ષે યોજાનારા કુંભ મેળો તથા નંદ રાજ જાટ યાત્રામાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું.

બીજી તરફ, તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે તબીબી શિક્ષણ ક્ષેત્રે લેવાતી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા (NEET) નો ઉગ્ર વિરોધ કરીને કેન્દ્ર સરકાર સામે નવો મોરચો ખોલ્યો હતો. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે NEET ના કારણે ગ્રામીણ અને સામાજિક-આર્થિક રીતે પછાત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ભારે અન્યાય થઈ રહ્યો છે. તમિલનાડુ સરકારે કેન્દ્ર સમક્ષ માંગ કરી છે કે રાજ્ય ક્વોટાની તમામ MBBS, BDS અને આયુષ અભ્યાસક્રમોની બેઠકો પર માત્ર ધોરણ ૧૨ ના ગુણના આધારે જ સીધું એડમિશન આપવાની મંજૂરી આપવામાં આવે, જેથી સ્થાનિક વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત કરી શકાય.

આ દરમિયાન તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ પણ વડાપ્રધાન મોદી સાથે વહેંચણી કરી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે દેશના વિકાસના પાયાને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે તેલંગાણામાં હાથ ધરાયેલી જાતિ વસ્તી ગણતરી અને ત્યારબાદ અમલમાં મૂકેલા વિકાસ મોડેલની વિગતો રજૂ કરી હતી. સીએમ રેડ્ડીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના 'વિકસિત ભારત ૨૦૪૭' ના વિઝનને સાકાર કરવા માટે દેશના દરેક નાગરિકને વિશ્વકક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૌશલ્ય વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવું અનિવાર્ય છે. આમ, આ બેઠક કેન્દ્ર-રાજ્ય વચ્ચેના સંબંધો અને પ્રાદેશિક મુદ્દાઓ ઉઠાવવાનું મુખ્ય કેન્દ્ર બની રહી હતી.

(7:45 PM IST)