<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ફ્રાન્સના એવિયન ખાતે ૧૫ જૂનથી જી-સેવન સમિટ: નરેન્દ્રભાઈ વિશેષ આમંત્રિત તરીકે આપશે હાજરી

અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ, ફ્રાન્સના ઈમેન્યુઅલ મેક્રોન, બ્રિટનના કીર સ્ટાર્મર, ઇટાલીના જ્યોર્જિયા મેલોની અને જાપાનના સાનાઈ તાકાઈચી સાથે પણ નરેન્દ્રભાઈની મુલાકાતો નિર્ધારિત છે

પેરિસ: ફ્રાન્સના એવિયન ખાતે ૧૫ થી ૧૭ જૂન ૨૦૨૬ દરમિયાન વિશ્વના સાત સૌથી શક્તિશાળી દેશોના સમૂહ જી સેવન ની વાર્ષિક સમિટ યોજાવા જઈ રહી છે. આ વૈશ્વિક શિખર સંમેલનમાં યજમાન દેશ ફ્રાન્સ ઉપરાંત અમેરિકા, બ્રિટન, જર્મની, જાપાન, ઇટાલી અને કેનેડાના વડાઓ હાજરી આપશે. ભારત માટે ગૌરવની વાત એ છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત આગવી વૈશ્વિક ભૂમિકા ભજવતા આ સમિટમાં વિશેષ આમંત્રિત તરીકે ભાગ લેવા ફ્રાન્સ પહોંચી રહ્યા છે.
સમિટનો મુખ્ય એજન્ડા: આ વર્ષે ફ્રાન્સ જી સેવન નું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની આગેવાનીમાં યોજાઈ રહેલી આ સમિટનો મુખ્ય એજન્ડા વૈશ્વિક આર્થિક સ્થિરતા અને આંતરરાષ્ટ્રીય સહયોગ પર કેન્દ્રિત રહેશે. આ સમિટમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવશે:
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ - એઆઈ સેક્ટરમાં વૈશ્વિક સ્પર્ધા, સાયબર સુરક્ષા અને તેના જવાબદાર ઉપયોગ અંગેની નીતિઓ ઘડવી.
આંતરરાષ્ટ્રીય કર સુધારણા: આંતરરાષ્ટ્રીય ટેક્સ માળખાને વધુ પારદર્શક અને ન્યાયી બનાવવું.
આર્થિક ગુનાઓ પર લગામ: આતંકવાદનું ફંડિંગ, મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો અટકાવવા કડક વૈશ્વિક પગલાં.
ક્લાઈમેટ ચેન્જ: વૈશ્વિક આબોહવા પરિવર્તનના જોખમોનો સામનો કરવો અને વિકાસશીલ દેશો સાથે સમાન ભાગીદારી ઊભી કરવી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દ્વિપક્ષીય બેઠકો: જી સેવન સમિટની સાઇડલાઇનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના દિગ્ગજ નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ કરવાના છે. જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ મુલાકાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની રહેશે. ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર અને ટેકનોલોજીના મુદ્દાઓ પર આ બેઠકમાં મહત્વની ચર્ચા થવાની સંભાવના છે.
આ ઉપરાંત, વડાપ્રધાન મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે પણ મંત્રણા કરશે. 
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને જાપાનના વડાપ્રધાન સાનાઈ તાકાઈચી સહિતના અન્ય જી સેવન નેતાઓ સાથે પણ વડાપ્રધાનની મુલાકાતો નિર્ધારિત છે, જેમાં આર્થિક અને વ્યૂહાત્મક સહયોગ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
વડાપ્રધાન મોદીની આ મુલાકાત માત્ર જી સેવન પૂરતી સીમિત નથી. સમિટ પૂર્ણ થયા બાદ ૧૮ જૂનના રોજ તેઓ પેરિસમાં યુરોપના સૌથી મોટા ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ "વિવાટેક"માં પણ હાજરી આપશે. 
જી સેવન મંચ પર ભારતની આ સક્રિય ભાગીદારી દર્શાવે છે કે અર્થવ્યવસ્થા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સુરક્ષા જેવા જટિલ વૈશ્વિક મુદ્દાઓના ઉકેલ માટે વિશ્વ હવે ભારતની ભૂમિકાને અત્યંત મહત્વપૂર્ણ માને છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના વિશેષ આમંત્રણને માન આપીને નરેન્દ્રભાઈ જી-સેવન સમિટમાં આપશે હાજરી
 
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના વિશેષ આમંત્રણને માન આપીને જી-સેવન સમિટમાં હાજરી આપવા જઈ રહ્યા છે. આ વર્ષે જી-સેવન સમિટનું યજમાનપદ ફ્રાન્સ પાસે છે. આથી, યજમાન દેશના વડા તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ભારતને અતિથિ દેશ તરીકે સત્તાવાર આમંત્રણ પાઠવ્યું છે. આ વિશેષ આમંત્રણને માન આપીને જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ ફ્રાન્સના એવિયન ખાતે યોજાઈ રહેલી આ મહત્વપૂર્ણ સમિટમાં ભાગ લેશે.

(8:40 PM IST)