<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ઓમાન દરિયાકાંઠે વધુ એક ભારતીય જહાજ પર હુમલો :શિનાસ બંદર નજીક MT જલવીર નામના જહાજને નિશાન બનાવાયું

ઘટનાની જાણ થતાં જ સંબંધિત અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓ સક્રિય બની:ઓમાનમાં ભારતીય દૂતાવાસની સમગ્ર મામલે નજર

ઓમાનના દરિયાકાંઠે વધુ એક ભારતીય જહાજ પર હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ શિનાસ બંદર નજીક MT જલવીર નામના જહાજને નિશાન બનાવવામાં આવ્યું હતું. હુમલા બાદ સામે આવેલી કેટલીક તસવીરોમાં જહાજમાંથી ધુમાડો નીકળતો અને આગ લાગેલી સ્થિતિ જોવા મળી હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં જ સંબંધિત અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓ સક્રિય બની ગઈ છે. ઓમાનમાં ભારતીય દૂતાવાસ પણ સમગ્ર મામલે નજર રાખી રહ્યું છે અને વધુ માહિતી મેળવવા માટે સ્થાનિક સત્તાધીશો સાથે સતત સંપર્કમાં છે.

 

આ ઘટનાને લઈને જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે ગુરુવારે શિનાસ બંદર નજીક એક જહાજ સાથે જોડાયેલી ગંભીર ઘટનાની માહિતી મળી હતી. ત્યારબાદ સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે સંકલન કરીને ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં હુમલાના ચોક્કસ કારણો અથવા તેની પાછળ કોણ જવાબદાર છે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરિયાઈ સુરક્ષા એજન્સીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

આ હુમલા પહેલાં બુધવારે પણ ઓમાનના દરિયાકાંઠે એક વેપારી જહાજ પર હુમલો થયો હતો. સ્ટેબેલો નામના આ જહાજમાં કુલ 28 લોકો સવાર હતા. જેમાંથી 24 ભારતીય નાગરિકો હતા. હુમલા બાદ ત્રણ ભારતીયો ગુમ થયાના અહેવાલ સામે આવ્યા હતા. જ્યારે 21 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. બાદમાં મળેલી માહિતી મુજબ ગુમ થયેલા ત્રણમાંથી બે ભારતીયોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાને લઈને ભારત સરકારે કડક વાંધો વ્યક્ત કર્યો હતો અને સતત બચાવ કામગીરી પર નજર રાખી હતી. ભારતીય દૂતાવાસ અને ઓમાની અધિકારીઓ વચ્ચે પણ નજીકથી સંકલન કરવામાં આવ્યું હતું.

 

છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ઓમાનના દરિયાકાંઠે સતત ત્રણ જહાજો પર હુમલાની ઘટનાઓ સામે આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે. અહેવાલો મુજબ કેટલાક સુરક્ષા નિષ્ણાતો આ ઘટનાઓને વિસ્તારની વધતી ભૂરાજકીય અસ્થિરતા સાથે જોડીને જોઈ રહ્યા છે. ભારતે અગાઉ થયેલા હુમલાઓ અંગે સત્તાવાર વિરોધ નોંધાવ્યો હતો અને સંબંધિત દેશો સાથે આ મુદ્દે ચર્ચા પણ કરી હતી. સતત વધી રહેલી આ ઘટનાઓને કારણે ભારતીય ક્રૂ સભ્યો અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે મહત્વના સમુદ્રી માર્ગોની સુરક્ષા અંગે નવા સવાલો ઉભા થયા છે. હાલમાં તમામ એજન્સીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.

(8:55 PM IST)