<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ન્યુક્લિયર સેક્ટરમાં લખાશે ક્રાંતિનો નવો અધ્યાય: પરમાણુ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓની એન્ટ્રી માટે મોદી સરકાર લાવશે 'શાંતિ કાયદો'!

IIT ગાંધીનગર ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહની મોટી જાહેરાત: ભારતે ૧,૦૦૦ કિમી લાંબી 'ક્વોન્ટમ સિક્યોર કોમ્યુનિકેશન સિસ્ટમ' સફળતાપૂર્વક પૂર્ણ કરીને સર્જ્યો નવો ઇતિહાસ

ગાંધીનગર : ભારતને વિજ્ઞાન, ટેકનોલોજી અને અદ્યતન સંશોધનોના ક્ષેત્રમાં વૈશ્વિક લીડર બનાવવા માટે કેન્દ્ર સરકારે કમર કસી લીધી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ગાંધીનગર ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે દેશની વૈજ્ઞાનિક ઇકોસિસ્ટમને બદલી નાખનારી એક ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, દેશમાં આત્મનિર્ભર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) ઇકોસિસ્ટમ મજબૂત કરવા સરકાર કટિબદ્ધ છે. આ અંતર્ગત સરકાર ટૂંક સમયમાં જ એક ઐતિહાસિક 'શાંતિ કાયદો' (Shanti Act) લાવવા જઈ રહી છે, જેના દ્વારા અત્યાર સુધી માત્ર સરકારી હસ્તક રહેલા પરમાણુ (ન્યુક્લિયર) જેવા અતિ સંવેદનશીલ અને ઉચ્ચ-ટેકનોલોજી ક્ષેત્રના દરવાજા ખાનગી કંપનીઓ અને પ્લેયર્સ માટે ખોલી દેવામાં આવશે.
IIT ગાંધીનગર ખાતે વિવિધ અત્યાધુનિક સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યા બાદ સભાને સંબોધતા મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, વ્યૂહાત્મક નીતિગત સુધારાઓ દ્વારા હાઇ-ટેક સેક્ટર્સમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને સક્રિયપણે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખાનગી રોકાણ અને સંશોધનો જોડાવાથી ભારત પરમાણુ ઉર્જા અને સંબંધીત ક્ષેત્રોમાં રોકેટ ગતિએ આગળ વધશે.
૧,૦૦૦ કિલોમીટર લાંબી ક્વોન્ટમ સિક્યોર કોમ્યુનિકેશન સિસ્ટમ પૂર્ણ
કાર્યક્રમ દરમિયાન ડૉ. જિતેન્દ્ર સિંહે દેશના વૈજ્ઞાનિકોની પીઠ થાબડતાં એક મોટી સિદ્ધિની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, 'રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન' (National Quantum Mission) અંતર્ગત ભારતે એક હજાર કિલોમીટર લાંબી અત્યંત સુરક્ષિત એવી 'ક્વોન્ટમ સિક્યોર કોમ્યુનિકેશન સિસ્ટમ' સફળતાપૂર્વક પૂર્ણ કરીને વૈશ્વિક સ્તરે એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. આ ઉપરાંત, 'ગ્લોબલ AI ઇમ્પેક્ટ સમિટ' બાદ દેશના 'રાષ્ટ્રીય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મિશન' અંતર્ગત સુપર કમ્પ્યુટિંગ, ફ્યુચર સ્કિલ અને સ્પેશિયલાઇઝ્ડ ઇનોવેશન હબનો અભૂતપૂર્વ વિસ્તાર કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ દેશની શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓને એક મહત્વની સલાહ આપતાં કહ્યું કે, તેમણે હવે માત્ર પરંપરાગત સરકારી ગ્રાન્ટ કે ભંડોળ પર નિર્ભર રહેવાને બદલે પ્રોજેક્ટની શરૂઆતથી જ મોટા ઉદ્યોગો (ઇન્ડસ્ટ્રી લિંકેજ) સાથે મજબૂત સંબંધો કેળવવા જોઈએ. તેમણે દેશની યુવા પેઢીને આહવાન કર્યું કે ભારતને નવી ઊંચાઈએ લઈ જવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા અદ્યતન સાધનોનો મહત્તમ સકારાત્મક ઉપયોગ કરે.
પોતાની આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીએ IIT ગાંધીનગરમાં ત્રણ નવા આંતરશાખાકીય સંશોધન ક્લસ્ટરો (Interdisciplinary Research Clusters) લોન્ચ કર્યા હતા. આ સાથે જ તેમણે સેન્ટ્રલ ઇન્સ્ટ્રુમેન્ટેશન ફેસિલિટી (CIF), સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (CoE-AI) અને એક ભવ્ય ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ તમામ સુવિધાઓ આગામી દિવસોમાં ગુજરાત અને સમગ્ર દેશમાં રિસર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરીને નવીનતા-સંચાલિત આર્થિક વિકાસને નવી પાંખો આપશે.

(10:15 PM IST)