હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકામાં ભારતીય મૂળના ફાઇનાન્સરની રૂ. ૯૫૪ કરોડની ભયાનક બેંક છેતરપિંડીમાં ધરપકડ: કરોડોની હવેલી, સશસ્ત્ર ગુંડાઓ અને સેક્સ-ડ્રગ્સ પાર્ટીઓનો થયો પર્દાફાશ!
કેલિફોર્નિયાના પોશ વિસ્તારમાં રહેતા ૪૪ વર્ષીય મહેન્દ્ર માખીજાનીની લક્ઝરી લાઈફસ્ટાઈલનો ફેડરલ એજન્સીઓએ કર્યો પર્દાફાશ: દોષિત ઠરશે તો ૩0 વર્ષની જેલની સજાની આશંકા

લોસ એન્જલસ : અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાંથી ભારતીય મૂળના એક પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ફાઇનાન્સરની કાળા કરતૂતોની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફેડરલ એજન્સીઓએ ૧૦૦ મિલિયન ડોલર (આશરે ૯૫૪.૨ કરોડ રૂપિયા) ની વિશાળ બેંક છેતરપિંડી (બેંક ફ્રોડ) યોજના ચલાવવાના આરોપમાં ૪૪ વર્ષીય મહેન્દ્ર માખીજાનીની ધરપકડ કરી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે જણાવ્યું હતું કે ફેડરલ અધિકારીઓએ ન્યૂપોર્ટ બીચના અતિ સમૃદ્ધ દરિયાકાંઠાના વિસ્તાર 'કોરોના ડેલ માર' માં આવેલી માખીજાનીની આલીશાન હવેલી પર દરોડા પાડીને બુધવારે સવારે તેને કસ્ટડીમાં લીધો હતો. માખીજાની ગ્રીન કાર્ડ (કાયદેસર કાયમી નિવાસી) પર અમેરિકામાં સ્થાયી થયો હતો અને ત્યાં વૈભવી જીવન જીવી રહ્યો હતો.
આ કેસની વિગતો આપતા કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના ફર્સ્ટ આસિસ્ટન્ટ યુએસ એટર્ની બિલાલ એસેલીએ જણાવ્યું હતું કે, મહેન્દ્ર માખીજાની વિરુદ્ધ ફેડરલ ફોજદારી ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. જો કોર્ટમાં આ ગુનાઓ સાબિત થશે, તો માખીજાનીને ૩૦ વર્ષ સુધીની સખત જેલની સજા ભોગવવી પડી શકે છે.
બનાવટી દસ્તાવેજો અને શેલ કંપનીઓનું માયાવી નેટવર્ક
ફેડરલ પ્રોસિક્યુટર્સના જણાવ્યા અનુસાર, મહેન્દ્ર માખીજાનીએ બેંકોને છેતરવા માટે એક અત્યંત જટિલ અને માસ્ટર પ્લાન બનાવ્યો હતો. તેણે વીમા પોલિસીના રેકોર્ડનો દુરુપયોગ કર્યો અને લોન મેળવવા માટે રિયલ એસ્ટેટના નકલી કાગળો તૈયાર કર્યા હતા. તેણે સામાન્ય મિલકતોને દસ્તાવેજોમાં વાસ્તવિક મૂલ્ય કરતાં ઘણી વધુ કિંમતી બતાવીને ફેડરલ વીમાકૃત બેંક પાસેથી આશરે ૧૦૦ મિલિયન ડોલરની માતબર લોન મંજૂર કરાવી લીધી હતી. આ કૌભાંડને છુપાવવા માટે તેણે શેલ કંપનીઓ (બનાવટી કંપનીઓ) નું આખું નેટવર્ક ઊભું કર્યું હતું અને લિયન પોઝિશન (ગીરો રાખવાના અસલી હક) ને પણ છુપાવ્યા હતા.
ડ્રગ્સ, સેક્સ વર્કર્સ અને સશસ્ત્ર ગુંડાઓનો આતંક
તપાસકર્તાઓએ કોર્ટ ફાઇલિંગમાં સનસનાટીભર્યા ખુલાસા કરતાં દાવો કર્યો છે કે, આ ઉદ્યોગપતિ પોતાની હવેલીમાં હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓનું આયોજન કરતો હતો, જેમાં ભારે માત્રામાં ડ્રગ્સ અને સેક્સ વર્કર્સનો ઉપયોગ થતો હતો. આ પાર્ટીઓ દરમિયાન તે પોતાના જ કર્મચારીઓ અને સાથીદારો પાસેથી ગુપ્ત તેમજ વ્યાપારી માહિતીઓ એકઠી કરતો હતો, જેનો ઉપયોગ પાછળથી તે પોતાની છેતરપિંડીની યોજનાઓને આગળ ધપાવવા માટે બ્લેકમેઇલિંગના હથિયાર તરીકે કરતો હતો. આટલું જ નહીં, માખીજાની પર દક્ષિણ કેલિફોર્નિયાના એક પોશ વિસ્તારમાં હોટલ અને રેસ્ટોરન્ટ પર ગેરકાયદેસર કબજો જમાવવા માટે હથિયારધારી સશસ્ત્ર ગુંડાઓ તૈનાત કરવા જેવી ધાક-ધમકી વાળી પદ્ધતિઓ અપનાવવાનો પણ ગંભીર આરોપ છે.
IRS ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશને ખોલી પોલ
આ સમગ્ર આર્થિક ગુનાનો પર્દાફાશ યુએસની ટેક્સ ઇન્વેસ્ટિગેશન એજન્સી IRS CI એ કર્યો છે. એજન્સીના લોસ એન્જલસ ફિલ્ડ ઓફિસના કાર્યકારી સ્પેશિયલ એજન્ટ ઇન ચાર્જ ડેરેન લિયાને જણાવ્યું હતું કે, "અમારા ખાસ એજન્ટોએ બેંકના નાણાં ક્યાં ટ્રાન્સફર થયા તે શોધવા માટે મલ્ટી-લેયર બેંક ખાતાઓ અને છુપાયેલા એકાઉન્ટ્સની કડીઓ જોડી હતી. દરેક વળાંક પર છેતરપિંડી કરવા માટે જ આ સ્કીમ બનાવાઈ હતી. જ્યારે પણ કોઈ વ્યક્તિ નાણાકીય વ્યવસ્થાનો દુરુપયોગ કરશે, ત્યારે અમારી એજન્સી સત્ય સામે લાવીને તેમને કાયદાના પાંજરામાં ઊભા રાખશે." હાલમાં માખીજાનીની અપ્રમાણસર મિલકતો અને કૌભાંડના નાણાં રિકવર કરવા માટે વધુ તપાસ તેજ કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
