<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ભારત અને ફ્રાન્સ વચ્ચે 114 રાફેલ ફાઈટર જેટ્સની ખરીદી માટે તૈયારી : 'મેક-ઈન-ઈન્ડિયા'ની દેખાશે ઝલક : વાયુસેનાની તાકાતમાં વધારો કરશે.

રાફેલ ફાઈટર જેટ્સમાં હવે ભારતીય બનાવટના અત્યાધુનિક હથિયારો અને મિસાઈલોને પણ એકીકૃત કરવામાં આવશે, જે તેને વધુ ઘાતક બનાવશે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના આગામી ભારત પ્રવાસ પહેલા સંરક્ષણ ક્ષેત્રે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે 114 રાફેલ ફાઈટર જેટ્સની ખરીદી માટે એક નવી અને અત્યાધુનિક ડીલ પર ચર્ચા ચાલી રહી છે. આ ડીલ જૂની સમજૂતી કરતા અનેકગણી વધુ શક્તિશાળી અને ટેકનોલોજીથી સજ્જ હશે, જે ભારતીય વાયુસેનાની તાકાતમાં નોંધપાત્ર વધારો કરશે.

આ નવી ડીલની સૌથી મોટી વિશેષતા એ છે કે તમાં 'મેક-ઈન-ઈન્ડિયા'નું પાસું છે. ભારતમાં ફ્રાન્સના રાજદૂત થિયરી માથૌએ સ્પષ્ટ કર્યું છે કે, ભારત દ્વારા રાફેલની કોઈ પણ આગામી ખરીદી દેશની સ્થાનિક ઉત્પાદન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ટેક્નોલોજી ટ્રાન્સફર અને સ્થાનિક સ્તરે નિર્માણ પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, રાફેલ ફાઈટર જેટ્સમાં હવે ભારતીય બનાવટના અત્યાધુનિક હથિયારો અને મિસાઈલોને પણ એકીકૃત કરવામાં આવશે, જે તેને વધુ ઘાતક બનાવશે.

હાલમાં ભારતીય વાયુસેના પાસે અંદાજે 30 ફાઈટર સ્ક્વોડ્રન છે, જે સરકાર દ્વારા નિર્ધારિત 42 સ્ક્વોડ્રનના લક્ષ્યાંક કરતા ઘણી ઓછી છે. સરહદો પર વધી રહેલા સુરક્ષા પડકારોને ધ્યાનમાં લેતા, 114 રાફેલ જેટ્સની ખરીદી વાયુસેનાની ઓપરેશનલ જરૂરિયાતોને પૂરી કરવા માટે નિર્ણાયક સાબિત થશે. ૩૨ લાખ કરોડ રૂપિયાના આ પ્રસ્તાવને સંરક્ષણ ખરીદ બોર્ડ દ્વારા પહેલેથી જ પ્રાથમિક મંજૂરી આપી દેવામાં આવી છે, અને ટૂંક સમયમાં જ સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ અંગે વધુ મંથન કરવામાં આવશે.

ભારત સમક્ષ F-35 અને SU-57 જેવા અન્ય ફાઈટર જેટ્સના પ્રસ્તાવો પણ છે, પરંતુ ફ્રેન્ચ ડિપ્લોમેટિક સ્ત્રોતોનું માનવું છે કે રાફેલની ગુણવત્તા અને ભારત સાથેના વ્યૂહાત્મક સંબંધોની સરખામણી અન્ય કોઈ દેશ સાથે ન થઈ શકે. ભારત અને ફ્રાન્સ વચ્ચેના રક્ષણ સહયોગનો લાંબો ઈતિહાસ છે, જેમાં અનેક પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં જ્યારે ભારત વૈશ્વિક સ્તરે પોતાની સંરક્ષણ શક્તિ મજબૂત કરી રહ્યું છે, ત્યારે ફ્રાન્સ સાથેની આ ભાગીદારી 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ડીલ માત્ર સૈન્ય ક્ષમતા જ નહીં, પરંતુ બંને દેશો વચ્ચેના ગાઢ આર્થિક અને રાજદ્વારી સંબંધોને પણ નવી ઊંચાઈઓ પર લઈ જશે.

(11:34 PM IST)