પેન્ટાગનમાં ખતરનાક પદાર્થની આશંકાથી ભારે અફરાતફરી અને લોકડાઉન જાહેર
સઘન તપાસ બાદ સેન્સરની ખામીથી વાગેલું એલાર્મ માત્ર અફવા સાબિત

વોશિંગ્ટન: અમેરિકાના રક્ષા મુખ્યાલય પેન્ટાગનમાં અચાનક સેન્સર એલાર્મ વાગતા ભારે નાસભાગ અને અફરાતફરી મચી જવા પામી હતી. બિલ્ડિંગમાં કોઈ ખતરનાક પદાર્થ હોવાની આશંકાના કારણે કેટલાક માળ પર તુરંત લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. જોકે, કલાકોની જહેમત અને સઘન તપાસ બાદ આ ઘટના માત્ર ટેકનિકલ ખામીને લીધે વાગેલી ખોટી ચેતવણી સાબિત થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાપ્ત સત્તાવાર વિગતો અને આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર, ગુરુવારે સવારે અમેરિકાના સૌથી સુરક્ષિત ગણાતા હાઈ-સિક્યોરિટી ઝોન પેન્ટાગન બિલ્ડિંગની સુરક્ષા પ્રણાલીએ હવાની ગુણવત્તા અંગે અચાનક ચેતવણી આપી હતી. ઇમારતમાં કોઈ અતિ ખતરનાક રસાયણ કે પદાર્થની હાજરી હોવાની આશંકા ઊભી થતાં તાત્કાલિક સાયરન વાગવા લાગ્યા હતા. જેના પગલે ત્યાં કામ કરતા લોકોમાં કોઈ સાયન્સ-ફિકશન ફિલ્મ જેવો ભયાનક માહોલ છવાયો હતો અને ચારેતરફ જીવ બચાવવા માટે ભારે ભાગદોડ શરૂ થઈ ગઈ હતી.
પરિસ્થિતિની ગંભીરતા પારખીને સુરક્ષા ગાર્ડ્સ, એજન્ટો અને સ્થાનિક ફાયર વિભાગની ખાસ ટીમો હથિયારો, ગેસ માસ્ક અને વોકી-ટોકી સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. સાવચેતીના કડક પગલારૂપે પેન્ટાગનના કોરિડોર નંબર ચારથી સાત અને માળ નંબર બેથી પાંચ સુધીના વિસ્તારોમાં લોકોને પોતાની જગ્યાએ જ સુરક્ષિત રહેવાનો આદેશ અપાયો હતો, જ્યારે કેટલાક ભાગોને તકેદારીના ભાગરૂપે તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં હાઈ-એલર્ટ સાથે લોકડાઉન લાગુ કરી દેવાયું હતું.
જોકે, બે-ત્રણ કલાક ચાલેલી ભારે ઉત્તેજના અને વૈજ્ઞાનિક લેબ ટેસ્ટિંગ પછી સ્પષ્ટ થયું કે ઈમારતમાં ખરેખર કોઈ હાનિકારક પદાર્થ ન હતો. પેન્ટાગનના પ્રવક્તાએ સત્તાવાર નિવેદન જાહેર કરતા ખુલાસો કર્યો હતો કે આધુનિક સેન્સર સિસ્ટમમાં આવેલી તકનીકી ખામીના કારણે આ ખોટી ચેતવણી વાગી હતી. આખરે કોઈ પણ પ્રકારનું જોખમ ન હોવાની પુષ્ટિ થતાં જ બપોરે દોઢ વાગ્યાની આસપાસ તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા હતા અને પેન્ટાગનની કામગીરી રાબેતા મુજબ શરૂ થતાં સૌએ મોટો હાશકારો અનુભવ્યો હતો.*









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
